સુરતમાં ધોધમાર વરસાદ, આભ ફાટ્યા જેવી સ્થિતિનું નિર્માણ, રસ્તાઓ પર નદીઓ વહેતી થઇ, અનેક લોકોનું સુરક્ષિત સ્થળાંતર કરાયું

surat Rain

આવતી કાલે શાળાઓ રાબેતામુજબ ચાલુ રહેશે, પરંતુ વરસાદને કારણે સ્કૂલો પોતાની રીતે નિર્ણય કરી શકે છે.

રાજ્યમાં ચોમાસાની વિધિવત શરુઆત સાથે જ દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે. 22 જૂનની રાત્રે મુશળધાર વરસાદ ખાબક્યા બાદ આજે (23 જૂન) વહેલી સવારથી મેઘરાજાની ધમાકેદાર બેટિંગ યથાવત રહેતા 10 કલાકમાં જ 9 ઈંચથી વધુ વરસાદ ખાબક્યો હતો. જેને કારણે શહેરના અલગ અલગ વિસ્તારોમાં પાણી ભરાઈ જવાના દ્રશ્યો પણ સામે આવ્યા છે તો બીજી તરફ શાળાઓમાં રજા જાહેર કરી દેવામાં આવી છે.

સુરત શહેરમાં ગત રાતે ધોધમાર વરસાદ વરસ્યો હતો અને આજે પણ વહેલી સવારથી જ કાળા ડીબાંગ વાદળો સાથે વરસાદ વરસ્યો છે. સુરત શહેરમાં આજે સવારના 8થી 10 સુધીના માત્ર બે કલાકના જ સમયગાળામાં સાડા પાંચ ઈંચ જેટલો વરસાદ તુટી પડ્યો હતો. આ બે કલાક સુરતીઓને એવુ લાગ્યું હતું કે આભ ફાટ્યું છે.જેના કારણે સુરતના રસ્તાઓ પર નદી વહેતી હોય તેવા દૃશ્યો જોવા મળ્યા. વરસાદી પાણી રસ્તા પરથી લોકોના ઘર, દુકાનમાં ઘૂસી ગયા હતા. એસટી બસની લગભગ 200 જેટલી ટ્રીપને રદ કરવામાં આવી છે.

મેઘરાજા દક્ષિણ ગુજરાતમાં ધડબડાટી બોલાવી છે, જેમાં પણ સુરતમાં તો મેઘરાજાની એન્ટ્રીથી જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. સવારથી જ અવિરત વરસાદને લઈને કલેકટરની સુચનાથી શાળાઓમાં સવારની પાળીમાં બાળકોને રજા આપી અને ઘરે ઝડપથી પહોચે તે રીતે વ્યવસ્થા કરવા સુચના આપી હતી તથા બપોર પાળીમાં રજા જાહેર કરવામાં આવી છે.

સુરતના જિલ્લા શિક્ષણ અધિકારી ભગીરથ પરમારે જણાવ્યું હતું કે, આજની સ્થિતિ જોતા સ્કૂલોમાં રજા જાહેર કરાઈ હતી. જોકે આવતીકાલે તમામ સ્કૂલો ચાલુ રહેશે. વરસાદની આગાહી છે ત્યારે આજ જેવી સ્થિતિ થાય તો સ્કૂલો પોતાની રીતે નિર્ણય કરી શકે છે.

સુરત શહેરમાં આજે સવારના 8થી 10 સુધીના માત્ર બે કલાકના જ સમયગાળામાં સાડા પાંચ ઈંચ જેટલો વરસાદ તુટી પડ્યો હતો. આ બે કલાક સુરતીઓને એવુ લાગ્યું હતું કે આભ ફાટ્યું છે. શહેરમાં અવિરત વરસાદને લઈને શહેરના કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. જેમાં વેડરોડ ગુરુકુળ પાસે પાણી ભરાયા હતા જેને લઈને લોકોને હાલાકી પડી હતી, બીજી તરફ સુરતના સીતાનગર અર્ચના સ્કુલ પાસે પાણી ભરાઈ ગયા હતા અહી રોડ પર પાણી ભરાઈ ગયા હતા. રોડ પર જાણે નદીઓ વહેતી હોય એ પ્રકારના દ્રશ્યો સામે આવ્યા હતા જેને લઈને વાહન ચાલકોને હાલાકી પડી હતી. આ ઉપરાંત સુરતના કતારગામ ધનમોરા ચાર રસ્તા, જહાંગીરપુરા ડીમાર્ટ પાસે તેમજ ડભોલી અને સરથાણા વિસ્તારમાં પણ પાણી ભરાઈ જવાના દ્રશ્યો સામે આવ્યા હતા.

સુરતના પુણા, વરાછા, અડાજણ સહિતના વિસ્તારમાં સર્જાયેલી જળબંબાકારની સ્થિતિના કારણે શોપિંગ કોમ્પલેક્સના બેઝમેન્ટની દુકાનો આખેઆખી ડૂબી જતા વેપારીઓને કિંમતી માલસામાન પલળી ગયો.

સુરતના નવસારી બજારમાં સ્કૂલ વાન પાણીમાં ફસાઈ હતી. ફાયર વિભાગની ટીમ દ્વારા 10 બાળકનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું હતુ. વાનમાં સવાર તમામ બાળકોને ફાયરની ગાડીમાં બેસાડીને લાવામાં આવ્યા હતા. 10 જેટલા બાળકોને ફાયર જવાનો દ્વારા વાલીઓને સોંપવામાં આવ્યા હતા.