ભારત સરકારે બે દિવસ પહેલા ‘ઓપરેશન સિંધુ’ શરૂ કર્યું હતું ત્યારે ઈરાન દ્વારા આ વ્યવસ્થા કરવામાં આવી છે. આ કામગીરી હેઠળ, ભારત સરકાર ઈરાનમાં ફસાયેલા ભારતીય નાગરિકોને તેમના વતન પરત ફરવામાં મદદ કરી રહી છે.
ઈરાન અને ઈઝરાયલ વચ્ચે છેલ્લા આઠ દિવસથી ભીષણ યુદ્ધ ચાલી રહ્યું છે. આ સમય દરમિયાન, બંને દેશો ડ્રોન અને મિસાઈલથી એકબીજા પર હુમલો કરી રહ્યા છે. મિસાઈલ હુમલાઓ વચ્ચે, ઈરાને પોતાનું હવાઈ ક્ષેત્ર બંધ કરી દીધું છે અને મોટાભાગની આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ બંધ છે. મિસાઇલ હુમલાને કારણે સામાન્ય નાગરિકોનાં જીવ જોખમમાં છે. અનેક ભારતીય લોકો પણ ત્યાં ફસાયેલા છે. આ દરમિયાન, ઇરાને ભારત પ્રત્યે ખૂબ સહિષ્ણુતા દર્શાવતા એક મોટું પગલું ભર્યું છે.
ઈરાને હવે ભારતીય વિદ્યાર્થીઓને બહાર કાઢવા માટે ફક્ત ભારત માટે પોતાનું બંધ હવાઈ ક્ષેત્ર ખાસ ખોલવાનો નિર્ણય લીધો છે. જેના માટે એક ખાસ કોરિડોરની વ્યવસ્થા કરવામાં આવી છે. આજે 1000 ભારતીય નાગરિકોને બહાર કાઢવા માટે વિમાનો ઇરાનના શહેર મશહદથી ઉડાન ભરશે.
યુદ્ધગ્રસ્ત ઈરાની શહેરોમાં ફસાયેલા વિદ્યાર્થીઓને તાત્કાલિક બહાર કાઢવા માટે લેવામાં આવેલું આ એક મોટું અને સાહસિક પગલું છે. તેને ભારતીય રાજદ્વારીનો વિજય પણ કહેવામાં આવી રહ્યો છે. ઓપરેશન સિંધુ હેઠળ આજે ઓછામાં ઓછા 1,000 ભારતીય વિદ્યાર્થીઓ ઈરાનથી દિલ્હી પહોંચશે. ઈરાનથી ભારતીય નાગરિકોને દિલ્હી લાવવા માટે મશહદથી એર ચાર્ટર્ડ ફ્લાઇટ્સની વ્યવસ્થા કરવામાં આવી છે. ભારતીયો ફક્ત ઈરાની વિમાનમાં જ ઘરે પરત ફરશે. બીજી અને ત્રીજી ફ્લાઇટ શનિવારે નક્કી કરવામાં આવી છે. આમાંથી એક ફ્લાઇટ સવારે અને બીજી સાંજે આવશે.
ઈરાનના સ્થાનિક અધિકારીઓએ પુષ્ટિ આપી છે કે જે ભારતીયો ઈરાન છોડવા માંગે છે તેમના માટે ચાર્ટર્ડ ફ્લાઇટ્સની વ્યવસ્થા કરવામાં આવી છે. અધિકારીઓએ ભાર મૂક્યો હતો કે પ્રાદેશિક તણાવ વચ્ચે ઈરાન ભારતીય નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માંગે છે. ભારત સરકારે ઈરાન અને આર્મેનિયા સરકારોનો સ્થળાંતર પ્રક્રિયાને સરળ બનાવવા બદલ આભાર વ્યક્ત કર્યો છે.
ભારત સરકારે ઈરાનમાંથી ભારતીય નાગરિકોને બહાર કાઢવા માટે બે દિવસ પહેલા ‘ઓપરેશન સિંધુ’ શરૂ કર્યું હતું. ત્યારે હવે ઈરાન દ્વારા આ વ્યવસ્થા કરવામાં આવી છે. આ કામગીરી હેઠળ, ભારત સરકાર ઈરાનમાં ફસાયેલા ભારતીય નાગરિકોને તેમના વતન પરત ફરવામાં મદદ કરી રહી છે.
દિલ્હીમાં ઈરાની દૂતાવાસના અધિકારીઓએ જણાવ્યું હતું કે ઈઝરાયલી હુમલામાં કેટલાક ભારતીય વિદ્યાર્થીઓ ઘાયલ થયા છે. તે બધા ઈરાની વિદેશ મંત્રાલય અને તેહરાનમાં ભારતીય દૂતાવાસના સંપર્કમાં છે. તમને જણાવી દઈએ કે અગાઉ કુલ 110 ભારતીય વિદ્યાર્થીઓનો પહેલો સમૂહ બુધવારે મોડી રાત્રે નવી દિલ્હી પહોંચ્યો હતો. આમાંથી 94 વિદ્યાર્થીઓ જમ્મુ-કાશ્મીરના હતા. આ બધા વિદ્યાર્થીઓ ઉર્મિયા મેડિકલ યુનિવર્સિટીમાં અભ્યાસ કરી રહ્યા હતા અને તેમને આર્મેનિયા અને દોહા થઈને બહાર કાઢવામાં આવ્યા હતા.
ઈઝરાયલ તરફથી વધતા લશ્કરી હુમલાઓને કારણે મધ્ય પૂર્વમાં તણાવ ચરમસીમાએ પહોંચી ગયો છે. ઈરાને ભારતને ઈઝરાયલ દ્વારા કરવામાં આવી રહેલા હુમલાઓની નિંદા કરવા અપીલ કરી છે.
