ઇઝરાયલ દ્વારા તાજેતરમાં ઈરાન પર કરવામાં આવેલા હવાઈ હુમલાઓમાં મુખ્ય પરમાણુ અને લશ્કરી સુવિધાઓને નિશાન બનાવવામાં આવી છે, જે પ્રાદેશિક તણાવમાં તીવ્ર વધારો દર્શાવે છે.
ઈરાન અને ઇઝરાયલ વચ્ચે યુદ્ધ સાતમા દિવસ સુધી પહોંચી ગયું છે. ઇઝરાયલ સમગ્ર ઈરાનમાં અનેક પરમાણુ સુવિધાઓ અને લશ્કરી થાણાઓ પર હુમલો કરી રહ્યું છે. જેના કારણે બંને દેશો એક બીજા પર મિસાઇલ હુમલાઓ કરી રહ્યા છે. તણાવ સતત વધતો રહ્યો છે, અને મૃત્યુઆંક વધી રહ્યો છે. તેવામાં આજે ઇઝરાયલે ઇરાનના પરમાણુ રિએક્ટર પર હુમલો કર્યો છે.
ઇઝરાયલે ઈરાનમાં અરાક હેવી વોટર રિએક્ટર પર હુમલો કર્યો છે. અહેવાલ આપ્યો છે. હુમલા બાદ થયેલા નુકસાન વિશે કોઈ માહિતી નથી. અરકમાં હેવી વોટર રિએક્ટર છે. આ સુવિધા ઈરાનના પરમાણુ કાર્યક્રમનો એક મહત્ત્વપૂર્ણ ભાગ છે. આ ઉપરાંત અરકમાં મોટા પાયે શસ્ત્રોનું ઉત્પાદન થાય છે. મહત્વનું છે કે ઇઝરાયલી સેના (IDF)એ થોડા કલાકો પહેલાં જ અરાક અને ખોંડુબ શહેરના લોકોને વિસ્તાર ખાલી કરવાની ચેતવણી આપી હતી.
ઈરાનની નતાન્ઝ ન્યુક્લિયર ફેસિલિટી, ઈસ્ફહાન ન્યુક્લિયર ટેક્નોલોજી સેન્ટર, શિરાઝ મિસાઈલ પ્રોડક્શન ફેસિલિટી અને તાબ્રિઝ નોર્થ મિસાઈલ બેઝ ઈઝરાયેલના હવાઈ હુમલાના લક્ષ્યાંકોમાં હતા.
મેક્સર ટેક્નોલોજીસ અને પ્લેનેટ લેબ્સ પીબીસીએ ઈઝરાયેલના હુમલામાં ઈરાનના સૈન્ય મથકો અને પરમાણુ કેન્દ્રોને થયેલા ગંભીર નુકસાનને દર્શાવતી ઘણી તસવીરો જાહેર કરી છે.

સેટેલાઇટ દ્વારા લેવાયેલ તસ્વીરમાં ઇરાનના પરમાણુ સાઇટ્સ તેમજ લશ્કરી થાણાઓ પરના હુમલાને કારણે થયેલા નુકસાનને દર્શાવે છે.
યુનાઈટેડ નેશન્સ ઈન્ટરનેશનલ એટોમિક એનર્જી એજન્સી (IAEA) એ X પરની એક પોસ્ટમાં અહેવાલ આપ્યો હતો કે ઈરાનના ખોંદાબ હેવી વોટર રિએક્ટર (અરક હેવી વોટર રિએક્ટર) પર ઇઝરાયલી હુમલાથી કોઈ રેડિયોલોજીકલ અસર થઈ નથી.
ઈરાનના સરકારી ટીવીએ અહેવાલ આપ્યો છે કે ઇઝરાયલે અરકમાં બનેલા ભારે પાણીના રિએક્ટર પર હુમલો કર્યો છે. જોકે, અહેવાલમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે આ હુમલાથી રેડિયેશનનો કોઈ ભય નથી કારણ કે હુમલા પહેલા જ આ સ્થળ ખાલી કરાવી દેવામાં આવ્યું હતું.
ઇઝરાયલે પહેલાથી જ હુમલાની ચેતવણી આપી હતી અને લોકોને વિસ્તાર છોડી દેવા કહ્યું હતું. આ ચેતવણી સોશિયલ મીડિયા પર એક પોસ્ટ દ્વારા આપવામાં આવી હતી, જેમાં રિએક્ટરની સેટેલાઇટ તસવીરો પણ દર્શાવવામાં આવી હતી.
જવાબમાં ઈરાને ચાર ઇઝરાયલી શહેરો તેલ અવીવ, બીરશેબા, રમત ગણ અને હોલોન પર 30 મિસાઇલો છોડી. બીરશેબા શહેરમાં સોરોકા હોસ્પિટલને ઘણું નુકસાન થયું છે. ઇઝરાયલી મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ઇઝરાયલી સંરક્ષણ પ્રણાલી 7 મિસાઇલો રોકવામાં નિષ્ફળ ગઈ. આમાં 176 લોકો ઘાયલ થયા છે. 6 લોકોની હાલત ગંભીર છે.
ઈરાને મધ્ય ઈઝરાયલમાં સ્થિત સ્ટોક એક્સચેન્જની ઇમારત પર મિસાઈલ હુમલો કર્યો છે. અલ જઝીરાના અહેવાલ મુજબ, આનાથી ઇમારતને ઘણું નુકસાન થયું છે.
ઇઝરાયલે કહ્યું- ખોમેની વોર ક્રાઇમ માટે જવાબદાર
ઇઝરાયલના રક્ષામંત્રી ઇઝરાયલ કાત્ઝે યુદ્ધ માટે ઇરાનના સુપ્રીમ લીડર અલી ખોમેનીને જવાબદાર ઠેરવ્યા છે. કાત્ઝનું આ નિવેદન સોરોકા હોસ્પિટલ પર બેલિસ્ટિક મિસાઇલ હુમલા બાદ આવ્યું છે.
કાત્ઝે ખામેનીને કાયર ગણાવતા કહ્યું: “કાયર ઈરાની સરમુખત્યાર એક મજબૂત બંકરની અંદર બેઠો છે અને ઇઝરાયલમાં હોસ્પિટલો અને રહેણાંક ઇમારતો પર ઇરાદાપૂર્વક હુમલા કરી રહ્યો છે.” તેમણે ચેતવણી આપી: “આ સૌથી ખરાબ પ્રકારના યુદ્ધ ગુનાઓ છે અને ખામેનીને તેમના ગુનાઓ માટે જવાબદાર ઠેરવવામાં આવશે.”
ઇઝરાયલી પીએમ બેન્જામિન નેતન્યાહૂએ કહ્યું કે ઈરાન જાણી જોઈને ઇઝરાયલી નાગરિકો અને હોસ્પિટલોને નિશાન બનાવી રહ્યું છે. ઇઝરાયલ આ હુમલાઓનો બદલો લેશે.
હોસ્પિટલ પર મિસાઈલ હુમલા બાદ ઇઝરાયલી વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ ઈરાનને ચેતવણી આપી હતી. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું હતું કે- સોરોકા હોસ્પિટલ પર મિસાઈલ હુમલા માટે ઈરાને ભારે કિંમત ચૂકવવી પડશે.
ઇઝરાયલના રાષ્ટ્રીય સુરક્ષા પ્રધાન ઇટામાર બેન ગ્વીરે પણ ઈરાનની ટીકા કરી છે. તેમણે કહ્યું કે જો આવા નાઝી માનસિકતા ધરાવતા લોકો પાસે પરમાણુ શસ્ત્રો હોત, તો તેઓ ખચકાટ વિના તેનો ઉપયોગ કરતા.
સંસ્કૃતિ પ્રધાન મિકી ઝોહરે કહ્યું કે ફક્ત એક ક્રૂર સરકાર જ હોસ્પિટલમાં દાખલ બાળકો અને વૃદ્ધો પર મિસાઈલ ચલાવી શકે છે. તેમણે કહ્યું કે દુનિયાએ સમજવું જોઈએ કે આ એક આતંકવાદી શાસન છે અને તેનો અંત લાવવો જરૂરી છે.
ઇઝરાયલના હુમલાઓ પહેલાથી જ નટાન્ઝ યુરેનિયમ સાઇટ, તેહરાન નજીક સેન્ટ્રીફ્યુજ ઉત્પાદન સાઇટ્સ અને ઇસ્ફહાનમાં પરમાણુ સુવિધાને નિશાન બનાવી ચૂક્યા છે. આ હુમલાઓમાં ઘણા ટોચના લશ્કરી અધિકારીઓ અને પરમાણુ વૈજ્ઞાનિકો માર્યા ગયા છે.