ઇરાન પરમાણુ સંધિમાંથી ખસી જવાની તૈયારી કરી રહ્યું છે. ઇઝરાયલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે ઈરાનના રાષ્ટ્રપતિ પેઝેશ્કિયાનનું એક નવું નિવેદન બહાર આવ્યું છે. તેમણે કહ્યું કે પરમાણુ શસ્ત્રો બનાવવાનો ઈરાનનો કોઈ ઈરાદો નથી.
ઇઝરાયલ અને ઈરાન વચ્ચે છેલ્લા ચાર દિવસથી તણાવ ચાલુ છે અને બંને દેશો એકબીજા પર હવાઈ હુમલા કરી રહ્યા છે. ત્યારે હવે ઈરાનના રાષ્ટ્રપતિ પેઝશિકિયાને સોમવારે કહ્યું કે ઈરાનનો પરમાણુ શસ્ત્રો બનાવવાનો કોઈ ઈરાદો નથી. પરંતુ તે પરમાણુ ઊર્જા અને સંશોધનના પોતાના અધિકાર માટે લડતો રહેશે. એટલું જ નહીં, પેઝશિકિયાને તેમના સર્વોચ્ચ નેતા અલી ખામેની દ્વારા પરમાણુ શસ્ત્રો વિરુદ્ધ આપવામાં આવેલા ધાર્મિક આદેશનો પણ પુનરોચ્ચાર કર્યો હતો.
ઈરાની સંસદને સંબોધતા, રાષ્ટ્રપતિ પેઝશિકિયાને કહ્યું, “તે લોકો પોતપોતાના દેશોમાં બેઠા છે અને કહી રહ્યા છે કે તેઓ ઈરાનને પરમાણુ શસ્ત્રો મેળવવા દેશે નહીં, પરંતુ આ શસ્ત્રો મેળવવાનો અમારો કોઈ ઈરાદો નથી.” ઈરાની રાષ્ટ્રપતિનું આ નિવેદન ઇઝરાયલ સહિતના પશ્ચિમી દેશોના દાવાના સંદર્ભમાં આવ્યું છે, જેમાં તેઓ સતત તેહરાન પર પરમાણુ શસ્ત્રો બનાવવાનો આરોપ લગાવે છે, જો કે તેહરાન લાંબા સમયથી કહી રહ્યું છે કે તેનો પરમાણુ કાર્યક્રમ ફક્ત અને ફક્ત નાગરિક હેતુઓ માટે છે.
આ દરમિયાન, ઈરાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ઈસ્માઈલ બાઘેઈએ સોમવારે જણાવ્યું હતું કે ઈરાનની સંસદ પરમાણુ અપ્રસાર સંધિ(NPT)માંથી ખસી જવા માટે એક બિલ તૈયાર કરી રહી છે. જોકે, તેમણે એ વાત પર પણ ભાર મૂક્યો હતો કે તેહરાન સામૂહિક વિનાશના શસ્ત્રોના વિકાસનો વિરોધ કરે છે અને અમે પરમાણુ શસ્ત્રો બનાવવાના પક્ષમાં નથી.
ઈરાન દ્વારા આ પગલું એવા સમયે લેવામાં આવ્યું છે જ્યારે ઈઝરાયલ અને ઈરાન વચ્ચેના તણાવને કારણે પ્રાદેશિક યુદ્ધની શક્યતા વધી ગઈ છે. ઈઝરાયેલે ઈરાનના સૈન્ય મથકો તેમજ પરમાણુ સ્થળોને પણ નિશાન બનાવ્યા છે. આ પછી, આવા વિસ્તારોની આસપાસ રહેતા લોકોને સ્થળ છોડી દેવાની ચેતવણી આપવામાં આવી છે. એક અધિકારીએ જણાવ્યું હતું કે લક્ષ્યોની લાંબી યાદી તૈયાર કરવામાં આવી છે.
રવિવાર રાતથી સોમવાર સવાર સુધી ઇઝરાયલ અને ઈરાન દ્વારા મિસાઇલ હુમલા ચાલુ રહ્યા. બંને દેશો વચ્ચે યુદ્ધવિરામ માટેની આંતરરાષ્ટ્રીય અપીલોને અવગણીને, ચોથા દિવસે પણ હવાઈ હુમલા ચાલુ રહ્યા. ઇઝરાયલે અત્યાર સુધીમાં થયેલા હુમલાઓમાં ઈરાનના ટોચના લશ્કરી કમાન્ડર સહિત ઘણા પરમાણુ વૈજ્ઞાનિકોને મારી નાખ્યા છે, ત્યારબાદ ઈરાન હવે બદલો લેવા માટે તેલ અવીવ અને મધ્ય ઇઝરાયલ પર બોમ્બમારો કરી રહ્યું છે.
2018 થી ઈરાનનો પરમાણુ કાર્યક્રમ ઝડપથી વિકસ્યો છે, જ્યારે અમેરિકાએ તેહરાનની યુરેનિયમ સંવર્ધન ક્ષમતાને મર્યાદિત કરવાના કરારમાંથી પીછેહઠ કરી હતી, જે પરમાણુ શસ્ત્રો બનાવવા માટે જરૂરી છે. 2020 માં ઈરાનના આ કાર્યક્રમને ધીમો પાડવા માટે અમેરિકાએ હવાઈ હુમલામાં ઈરાની જનરલ કાસિમ સુલેમાનીની હત્યા કરી હતી.
ઈરાન અને પશ્ચિમી દેશો વચ્ચે પરમાણુ શસ્ત્રોને લઈને સતત તણાવ રહે છે. ઈરાન કહે છે કે તેનો કાર્યક્રમ શાંતિપૂર્ણ છે, પરંતુ આંતરરાષ્ટ્રીય પરમાણુ ઊર્જા એજન્સીએ વારંવાર ચેતવણી આપી છે કે દેશ પાસે પૂરતું યુરેનિયમ છે જે જો તે ઈચ્છે તો અનેક પરમાણુ બોમ્બ બનાવી શકે છે.
આ મુદ્દા પર બંને દેશો વચ્ચે સતત તણાવ રહે છે. ટ્રમ્પે પોતાના બીજા કાર્યકાળમાં આવતાની સાથે જ, તેમણે ઈરાનને પરમાણુ શસ્ત્રો પર વાટાઘાટો કરવા કહ્યું, પરંતુ ઈરાન આમાં સતત અનિચ્છા રાખતો હતો. જોકે, આ પછી પણ, પરમાણુ શસ્ત્રો પર નવા કરાર માટે બંને દેશો વચ્ચે 5 રાઉન્ડની વાટાઘાટો થઈ છે. ઓમાનની મધ્યસ્થી હેઠળ રવિવારે છઠ્ઠા રાઉન્ડની વાટાઘાટો પણ યોજાવાની હતી, પરંતુ ઈઝરાયલ દ્વારા ઈરાન પર હુમલા બાદ આ વાતચીત રદ કરવામાં આવી હતી.
