શહેરના અનેક વિસ્તારો જેમ કે સેટેલાઈટ, બોપલ, આંબલી, શેલા, સરખેજ સહિતના વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ થઈ રહ્યો છે.
રાજ્યમાં છેલ્લા બે દિવસથી વરસાદી માહોલ જામ્યો છે. ભારે વરસાદની આગાહી વચ્ચે ખાસ કરીને સૌરાષ્ટ્રમાં ભારે વર્ષા થઈ રહી છે, આ દરમિયાન અમદાવાદ શહેરમાં આજે ભારે બફારા વચ્ચે વરસાદનું આગમન થયુ છે.
અમદાવાદમાં ભારે ગરમી અને ધૂળભરી આંધી વચ્ચે ભારે વરસાદ થઈ રહ્યો છે. અમદાવાદમાં બપોર બાદ ભારે પવન ફૂંકાવા લાગ્યો હતો અને સમી સાંજે ભારે વરસાદની શરૂઆત થઈ હતી. વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડકનો અહેસાસ થયો હતો.
શહેરના અનેક વિસ્તારો જેમ કે સેટેલાઈટ, વસ્ત્રાપુર, પ્રહલાદનગર, જોધપુર, બોપલ, આંબલી, શેલા, સરખેજ, શાહીબાગ, મેઘાણીનગર, એરપોર્ટ રોડ સહિત અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ થઈ રહ્યો છે. શહેરના વિવિધ વિસ્તારોમાં કડાકા અને ભડાકા સાથે વરસાદ થઈ રહ્યો છે.
દરમિયાન ભારે વરસાદને ધ્યાને લેતા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં નાગરિકોના જાનમાલની રક્ષા અંગે પગલાં લેવા અંગે આ વિસ્તારોના જિલ્લા કલેક્ટરોને જરૂરી સૂચનાઓ આપી છે.
અચાનક થયેલા વરસાદના કારણે અનેક રસ્તાઓ પર પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ છે અને લોકોને ટ્રાફિક જામની સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. વરસાદી માહોલમાં ગરમીથી રાહત તો મળી છે, પણ લોકોને ટ્રાફિકને લીધે થોડીક મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. હવામાન વિભાગે આગામી કલાકોમાં હજી વરસાદી ઝાપટાં પડે તેવી શક્યતા વ્યક્ત કરી છે.