આજથી 20 જૂન સુધી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદની આગાહી, 11 જિલ્લામાં રેડ એલર્ટ
છેલ્લા 24 કલાકથી રાજ્યના મોટાભાગના વિસ્તારમાં વરસાદ થઈ રહ્યો છે. રાજ્યનાં અનેક જિલ્લામાં આજે ધોધમાર વરસાદ વરસ્યો છે. ભાવનગર, અમરેલી અને જૂનાગઢમાં જળબંબાકારની સ્થિતિનું નિર્માણ થયું છે. નદીઓ ગાંડીતૂર બની છે. ભાવનગરના જેસરમાં સવા 10 ઈંચ, પાલીતાણા અને સિહોર પંથકમાં 10 ઈંચ અને મહુવામાં પોણા 9 ઈંચ વરસાદ ખાબક્યો હતો.
ભાવનગરમાં પણ સોમવારે (16મી જૂન) આભ ફાટ્યા જેવી સ્થિતિ સર્જાઈ છે. જેમાં ભાવનગરના જેસરમાં 9 ઇંચ વરસાદ ખાબકી જતાં ચારેકોર પાણી જ પાણીની સ્થિતિ સર્જાઈ હતી. આ દરમિયાન બુઢણાથી પાલિતાણાને જોડતાં કોઝ વેની રેલિંગ ધોવાઈ ગઈ હતી. જ્યારે પાલીતાણા, મહુઆ અને વલ્લભીપુરમાં વરસાદે જળબંબાકારની સ્થિતિ સર્જી હતી. ભારે વરસાદને પગલે અનેક નદીઓ બે કાંઠે વહેતી થઈ હતી. રાજ્યમાં આજે સોમવારે સવારે 6 વાગ્યાથી બપોરના 2 વાગ્યા દરમિયાન 101થી વધુ તાલુકામાં વરસાદ નોંધાયો છે.
અમરેલી શહેર, સાવરકુંડલા, રાજુલા તથા લીલીયા પંથકમાં ધોધમાર વરસાદ થઈ રહ્યો છે. તેને લીધે લીલીયાના ભોરીંગડા વિસ્તારમાં નદીના પાણી ઘૂસી ગયા છે તો બીજી બાજુ સાવરકુંડલાની નાવલી નદીમાં પણ ભારે પૂરની સ્થિતિ સર્જાઈ છે. આ ઉપરાંત સાવરકુંડલાના શહેરી વિસ્તાર ઉપરાંત ગ્રામીણ વિસ્તારોમાં પણ પાણી ઘૂસી ગયા છે.

આજે વહેલી સવારથી ભાવનગરના 6 તાલુકામાં વરસાદ નોંધાયો છે. મહુવાના તલગાજરડા પંથકમાં ભારે વરસાદ વરસ્યો છે, કેટલીક જગ્યાએ ઘૂંટણથી લઈ કેડસમા પાણી ભરાયા. જેના કારણે ગામ સંપર્ક વિહોણું બન્યું છે. આ સ્થિતિ વચ્ચે ગામની એક શાળાના 20થી વધુ વિદ્યાર્થીઓ પાણીમાં ફસાયા હતા. ભારે વરસાદથી વોકળામાં પાણીનો ધસમસતો પ્રવાહ વધી જતા વિદ્યાર્થીઓ ફસાઈ ગયા હતા. તંત્રને જાણ કરાતાં ફાયર બ્રિગેડ તેમજ તંત્ર, પોલીસ, સ્થાનિક લોકોની મદદથી સ્કૂલમાં ફસાયેલા વિદ્યાર્થીઓનું રેસ્ક્યૂ કરી લેવામાં આવ્યું હતું.
અમરેલીમાં સવારના 6થી સાંજના 6 સુધી 5.25 ઇંચ વરસાદ
અમરેલી જિલ્લાનાં વડીયા કુંકાવાવમાં 35 મિમી, બાબરામાં 18 મિમી, લાઠી 31 મિમી લીલીયા 120 મિમી અમરેલી 133 મિમી બગસરા 40 મિમી ધારી 37 મિમી સાવરકુંડલા 210 મિમી ખાંભા 98 મિમી જાફરાબાદ 42 મિમી રાજુલા 183 મિમી વરસાદ નોંધાયો છે.
રાજુલામાં સવારથી અત્યાર સુધી 4.25 ઇંચ વરસાદ વરસ્યો
રાજુલાનો ધાતરવડી ડેમ-1 ઓવરફ્લો થયો. ધોધમાર વરસાદના કારણે પાણીની આવક વધી રહી છે. ધાતરવડી ડેમ 1 ઓવરફલોડ થતા આસપાસની નદીઓમાં પૂરની સ્થિતિનું નિર્માણ થઈ શકે છે.
ભાવનગરના જેસરમાં સવા 10 ઈંચ વરસાદ ખાબક્યો
ભાવનગર જિલ્લામાં આજે સવારના 6 થી સાંજના 6 વાગ્યા સુધીમાં વલ્લભીપુરમાં – 78 મિમી, ઉમરાળામાં – 121 મિમી, ભાવનગરમાં – 51 મિમી, ઘોઘામાં – 49 મિમી, સિહોરમાં – 244 મિમી, ગારીયાધારમાં – 122 મિમી, પાલીતાણામાં – 247 મિમી, તળાજામાં – 111 મિમી, મહુવામાં – 217 મિમી તથા જેસરમાં – 257 મિમી વરસાદ વરસ્યો હતો, આમ, ભાવનગર જિલ્લાના તમામ 10 તાલુકામાં વરસાદ નોંધાયો હતો.

વિસનગરમાં સાંજના સમયે વરસાદે ધમાકેદાર બેટિંગ શરૂ કરી છે. આખા દિવસના ભારે ઉકળાટ બાદ સાંજના સમયે વરસાદ પડતા વાતાવરણ ઠંડક પ્રસરી જવા પામી છે. ભારે વરસાદ પડતા રસ્તા પરથી પસાર થતા વાહન ચાલકોને પણ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. જોરદાર પવન સાથે વરસાદ શરૂ થતા વાતાવરણ ઠંડુ બની ગયું છે. ભારે વરસાદ પડતા વાહન ચાલકોને પણ લાઇટ ચાલુ કરવા માટે મજબૂર બન્યા છે.
મહીસાગર જિલ્લાના લુણાવાડામાં ધોધમાર વરસાદ વરસ્યો છે જેથી અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. નદીઓ વહેતી હોય તેવા દ્દશ્યો સર્જાયા હતા.
11 જિલ્લામાં રેડ એલર્ટ
હવામાન વિભાગે આગામી ત્રણ કલાક એટલે કે 4 થી 7 વાગ્યા સુધી માટે રાજ્યમાં વરસાદને લઈને આગાહી કરી છે. બનાસકાંઠા, મહેસાણા, સુરેન્દ્રનગર, રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, બોટાદ, દીવમાં ભારે વરસાદને લઈને રેડ એલર્ટ આપવામાં આવ્યું છે.
આજથી 20 જૂન સુધી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, જ્યારે મધ્ય અને ઉત્તર ગુજરાતમાં હળવાથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ગઇકાલે (15 જૂન)ના રોજ ઉત્તર-દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં મેઘરાજાએ ધબધબાટી બોલાવી હતી.