સાઉથ આફ્રિકાની ટીમ ક્રિકેટના કોઈપણ ફોર્મેટમાં પ્રથમ વખત વર્લ્ડ ચેમ્પિયન બની છે. એટલું જ નહીં, ટીમે 27 વર્ષ પછી ICC ટુર્નામેન્ટ જીતી છે.
સાઉથ આફ્રિકાની ICC ટ્રોફી જીતવાની 27 વર્ષની રાહ આખરે પૂરી થઈ ગઈ અને આજે ICC ટ્રોફી જીતી લીધી. સાઉથ આફ્રિકાએ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન ઓસ્ટ્રેલિયાને 5 વિકેટે હરાવ્યું.
સાઉથ આફ્રિકાની ટીમ ક્રિકેટના કોઈપણ ફોર્મેટમાં પ્રથમ વખત વર્લ્ડ ચેમ્પિયન બની છે. એટલું જ નહીં, ટીમે 27 વર્ષ પછી ICC ટુર્નામેન્ટ જીતી છે.
1998માં ચેમ્પિયન્સ ટ્રોફી જીત્યા બાદ, દક્ષિણ આફ્રિકાને એક પછી એક ICC ટ્રોફીમાં નિરાશાનો સામનો કરવો પડી રહ્યો હતો. સમગ્ર ટુર્નામેન્ટ દરમિયાન વિસ્ફોટક રમત દર્શાવવા છતાં, ટીમ નોકઆઉટમાં ગૂંગળામણ કરતી હતી. ટીમને ચોકર્સનો ટેગ મળ્યો. પરંતુ હવે દક્ષિણ આફ્રિકાએ 2023-25ના વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના ટાઇટલ મેચમાં ઓસ્ટ્રેલિયાને હરાવ્યું છે. એડન માર્કરમની સંઘર્ષપૂર્ણ સદી અને ટેમ્બા બાવુમાની કેપ્ટનશીપ ઇનિંગે દક્ષિણ આફ્રિકાને આ જીત અપાવી.
લંડનના ઐતિહાસિક લોર્ડ્સ ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાયેલી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં, દક્ષિણ આફ્રિકાને જીતવા માટે 282 રનનો લક્ષ્યાંક મળ્યો હતો, તેણે રમતના ચોથા દિવસે પહેલા સત્રમાં દક્ષિણ આફ્રિકાએ 5 વિકેટે 282 રનનો ટાર્ગેટ ચેઝ કર્યો હતો. આ રીતે ટીમે 5 વિકેટથી જીત મેળવી. એડન માર્કરમે 136 રન બનાવ્યા હતા, જ્યારે ટેમ્બા બાવુમાએ 66 રન બનાવ્યા હતા.
ઓસ્ટ્રેલિયાએ બીજી ઇનિંગમાં 218 રન બનાવીને આફ્રિકાને 282 રનનો ટાર્ગેટ આપ્યો હતો. પ્રથમ ઇનિંગમાં ઓસ્ટ્રેલિયાએ 212 અને આફ્રિકાએ 138 રન બનાવ્યા હતા. અહીં કાંગારૂ ટીમને 74 રનની લીડ મળી હતી.
દક્ષિણ આફ્રિકાની જીતના હીરો રહેલા એડન માર્કરામે 207 બોલમાં 136 રનની ઇનિંગ રમી. માર્કરામ પહેલી ઇનિંગમાં પોતાનું ખાતું પણ ખોલી શક્યો ન હતો. જ્યારે તે આઉટ થયો ત્યારે ટીમને જીતવા માટે ફક્ત 6 રનની જરૂર હતી. કેપ્ટન ટેમ્બા બાવુમા, જેમણે માર્કરામને સારો સાથ આપ્યો હતો, તે ચોથા દિવસના પહેલા સત્રમાં વધુ સમય સુધી ક્રીઝ પર ટકી શક્યો નહીં અને 66 રન બનાવીને આઉટ થયો. ઓસ્ટ્રેલિયાએ ચુસ્ત બોલિંગ કરી. દક્ષિણ આફ્રિકાની ટીમ થોડી મુશ્કેલીમાં મુકાયેલી દેખાતી હતી પરંતુ અંતે લક્ષ્ય સુધી પહોંચી ગઈ. બેડિંગહામ અને વેરેનની જોડીએ ટીમને લક્ષ્ય સુધી પહોંચાડી.
લોર્ડ્સમાં બીજો સૌથી મોટો રન ચેઝ
લોર્ડ્સમાં ટેસ્ટ ઇતિહાસમાં આ બીજો સૌથી મોટો રન ચેઝ છે. આ મેચ પહેલા અહીં ચોથી ઇનિંગમાં 200 થી વધુ રનનો સ્કોર ફક્ત ચાર વખત જ પીછો કરવામાં આવ્યો હતો. હવે દક્ષિણ આફ્રિકાએ પણ આ સિદ્ધિ મેળવી છે. આ મેદાન પર સૌથી મોટા રન ચેઝનો રેકોર્ડ વેસ્ટ ઇન્ડીઝના નામે છે. 1984માં વેસ્ટ ઇન્ડીઝે ઇંગ્લેન્ડ સામે ચોથી ઇનિંગમાં 342 રનના લક્ષ્યનો પીછો કર્યો હતો. 2004માં ન્યૂઝીલેન્ડ સામે ઇંગ્લેન્ડે ફક્ત 282 રન બનાવીને જીત મેળવી હતી.