2700 કરોડના મની લોન્ડરિંગ મામલે ગુજરાત, રાજસ્થાન અને દિલ્હીમાં EDના દરોડા

EDraidOnNexaEvergreen

બેંક કરતા ડબલ વ્યાજનું રિટર્ન, દર અઠવાડિયે ખાતામાં વ્યાજના પૈસા, નવા ગ્રાહક લાવવા પર કમિશન, ધોલેરા શહેરમાં પ્લોટ વગેરે જેવા વચનો આપીને લોકોને લલચાવ્યા હતા. જેમણે પણ તેમની યોજના વિશે સાંભળ્યું, તેઓ લલચાયા અને તેમનો ભોગ બન્યા.

2700 કરોડ રૂપિયાના મની લોન્ડરિંગ કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ ()ની અલગ અલગ ટીમે આજે ગુરુવારે રાજસ્થાન, ગુજરાત અને દિલ્હીમાં લગભગ 24 સ્થળે દરોડા પાડી રહી છે. તપાસ એજન્સીનાં સૂત્રોના જણાવ્યા અનુસાર, આ દરોડા નેક્સા એવરગ્રીન નામના પ્રોજેક્ટમાં છેતરપિંડીની તપાસ સાથે સંબંધિત છે.

મળતી માહિતી મુજબ, આ દરોડા નેક્સા એવરગ્રીન નામના પ્રોજેક્ટમાં છેતરપિંડીની તપાસ સાથે સંબંધિત છે. રાજસ્થાનના સિકર, જયપુર, જોધપુર, ઝુનઝુનુ, ગુજરાતના અમદાવાદ અને દિલ્હીમાં દરોડા પાડવામાં આવી રહ્યા છે. આ કેસમાં રાજસ્થાન પોલીસે ઘણા લોકો સામે FIR પણ દાખલ કરી હતી. મની લોન્ડરિંગ એક્ટ હેઠળ સર્ચ-ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે.

ઠગોએ બેંક કરતા ડબલ વ્યાજનું રિટર્ન, દર અઠવાડિયે ખાતામાં વ્યાજના પૈસા, નવા ગ્રાહક લાવવા પર કમિશન, ધોલેરા શહેરમાં પ્લોટ વગેરે જેવા વચનો આપીને લલચાવ્યા હતા. જેમણે પણ તેમની યોજના વિશે સાંભળ્યું, તેઓ લલચાયા અને તેમનો ભોગ બન્યા. લગભગ 70 હજાર લોકોએ આશરે 2700 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું હતું.

કંપની દ્વારા પ્રોજેક્ટમાં રોકાણ કરનારાઓને ખાતરી આપવામાં આવી હતી કે તેમને ચોક્કસ સમયગાળા પછી ફ્લેટ, જમીન અથવા ઊંચા દરે તેમના પૈસા પાછા મળશે.

કંપનીમાં જે લોકો 50 હજાર રૂપિયાનું પાંચ વર્ષ માટે રોકાણ કરે તેમને દર અઠવાડિયે 1352 રૂપિયાનું વ્યાજ આપવાની જાહેરાત કરાઇ હતી. તેવી જ રીતે 1 લાખ રૂપિયાનું પાંચ વર્ષ માટે રોકાણ કરવા પર અઠવાડિયે 2704 રૂપિયા વ્યાજ આપવાની લાલચ આપી રોકાણકારોને ફસાવ્યા હતા.

રૂપિયાનું રોકાણ કર્યા પછી કંપની અઠવાડિયાના દર મંગળવારે સીધા ખાતામાં રિટર્ન ટ્રાન્સફર કરતી હતી. સોમવારે રાત્રે 12 વાગ્યાથી ખાતામાં રૂપિયા આવવાનું શરૂ થઈ જતું હતું. જ્યારે લોકોમાં આત્મવિશ્વાસ જાગ્યો ત્યારે ઘણા લોકોએ પોતાની જમીન વેચીને કંપનીમાં રૂપિયા રોકાણ કરવાનું શરૂ કર્યું હતું.

નેક્સા એવરગ્રીન કંપની 17 એપ્રિલ 2021ના ​​રોજ અમદાવાદમાં નોંધાઈ હતી. રજિસ્ટ્રાર ઓફ કંપનીઝ અમદાવાદના રેકોર્ડ દર્શાવે છે કે આ કંપની રિયલ એસ્ટેટ કામકાજ માટે નોંધાયેલી હતી. કંપનીના માલિકો સુભાષ બિજારનિયા અને રણવીર બિજારનિયાએ ગુજરાતમાં ધોલેરા સ્માર્ટ સિટી પ્રોજેક્ટના નામે રોકાણના નામે લોકો પાસેથી રૂપિયા લીધા હતા. કંપનીના માલિકોએ અન્ય કેટલાક લોકો સાથે મળી 15થી વધુ કંપનીઓ અલગ અલગ નામોથી બનાવી હતી અને HDFC, AU Small, ICICI, Equitas, IDFC સહિત ઘણી બેંકોમાં ખાતા ખોલાવ્યા હતા. જે કંપનીઓના નામે ખાતા ખોલવામાં આવ્યા હતા તેના માલિકો પણ અલગ અલગ હતા.

નેક્સા એવરગ્રીન ઉપરાંત, નેક્સા એવરગ્રીન ડેવલપર્સ, નેક્સા એવરગ્રીન બિલ્ડર્સ, નેક્સા એવરગ્રીન ધોલેરા, ધોલેરા બિલ્ડર્સ, ધોલેરા એવરગ્રીન ડેવલપર, એવરગ્રીન બિલ્ડર ડેવલપર, ધોલેરા ડેવલપર જેવી ઘણી કંપનીઓ ખોલવામાં આવી હતી. આ કંપનીઓના જુદા-જુદા ડિરેક્ટર હતા, મોટાભાગના પ્રોજેક્ટ્સ અને કંપનીઓના નામ ધોલેરા સિટીના નામ પર રાખવામાં આવ્યા હતા.