વડાપ્રધાન મોદીએ વડોદરામાં યોજ્યો રોડ-શો, સમગ્ર રૂટ પર દેશભક્તિનો માહોલ જોવા મળ્યો

pmModiVadodara

વડોદરામાં રોડ શો દરમિયાન ભારતીય સેનાના અધિકારી કર્નલ સોફિયા કુરેશીના પરિવારના સભ્યોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર ફૂલો વરસાવ્યા હતા

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના બે દિવસના પ્રવાસે છે. ‘ઓપરેશન સિંદૂર’ પછી આ તેમની ગુજરાતની પહેલી મુલાકાત છે. તેઓ આજે અને કાલે ગુજરાતમાં રહેશે. સવારે તેઓ વડોદરા પહોંચ્યા હતા. વડોદરામાં પીએમ મોદીએ પોતાનો પહેલો રોડ શો યોજ્યો હતો. આ રોડ શોમાં ફૂલોનો વરસાદ કરવામાં આવ્યો હતો. ‘ભારત માતા કી જય’ના નારાથી સમગ્ર રૂટ ગુંજી ઉઠ્યો હતો

વડોદરામાં પીએમ નરેન્દ્ર મોદીના રોડ શોમાં આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ સહિત ઘણા લોકો હાજર રહ્યા હતા. રોડ શોમાં વિદ્યાર્થીઓ, મહિલાઓથી માંડીને મોટી સંખ્યામાં જનમેદની ઉમટી હતી. રોડ શોના સમગ્ર રૂટ પર દેશભક્તિનો માહોલ જોવા મળ્યો હતો. પીએમ મોદીએ રોડ શો દરમિયાન લોકોનું અભિવાદન ઝીલ્યું હતું. આ સમય દરમિયાન વિદ્યાર્થીઓએ આતંકવાદ પર ભારતના હુમલાની પ્રશંસા કરી હતી.

આ રોડ શોમાં હાજરી આપવા આવેલી વિદ્યાર્થિની દીપાએ જણાવ્યું હતું કે, અમે ખૂબ ખુશ છીએ કે પીએમ મોદી નાગરિકોને મળવા આવ્યા. અમને ઓપરેશન સિંદૂરનો ઉત્સાહ વધારતા આનંદ થાય છે. ભારતે પાકિસ્તાનમાં નાગરિકોને નિશાન બનાવ્યા નથી. અમે માનવતા માટે ઉભા છીએ. અમે આતંકવાદ સામે ઉભા છીએ.

વડોદરામાં રોડ શો દરમિયાન ભારતીય સેનાના અધિકારી કર્નલ સોફિયા કુરેશીના પરિવારના સભ્યોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર ફૂલો વરસાવ્યા હતા.

કર્નલ સોફિયા કુરેશીની જુડવા બહેન શૈના સુનસારાએ કહ્યું, ‘હું પોતે એક મહિલા છું, હું અનુભવી શકું છું કે વડા પ્રધાન મોદીએ મહિલાઓને કેટલું ઊંચું સ્થાન આપ્યું છે.’ સોફિયા કુરેશી મારી જુડવા બહેન છે. આ ખૂબ જ પ્રોત્સાહક છે. હવે સોફિયા ફક્ત મારી બહેન નથી, હવે તે આખા દેશની બહેન બની ગઈ છે.

“વડાપ્રધાનને રૂબરૂ જોવું એ ખૂબ જ ગર્વની ક્ષણ હતી,” કર્નલ સોફિયા કુરેશીના ભાઈ મોહમ્મદ સંજય કુરેશીએ કહ્યું. પોતાની બહેન સોફિયા કુરેશી વિશે તેમણે કહ્યું, ‘સોફિયાને આ તક આપવા બદલ હું આપણા સંરક્ષણ દળનો આભાર માનું છું. જ્યારે કોઈ સ્ત્રી સ્ત્રીઓ સાથે થયેલા અન્યાયનો બદલો લે છે, તેના કરતાં વધુ સારી ક્ષણ બીજી કોઈ નથી. અમે દુશ્મનોને કહ્યું કે અમારી સ્ત્રીઓ કોઈપણ પુરુષોથી ઓછી નથી.

વડાપ્રધાન મોદીએ ટ્વીટ કરી વડોદરાવાસીઓનો આભાર માન્યો

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વડોદરામાં યોજાયેલા રોડ શો બાદ ટ્વીટ(X) પોસ્ટ કરીને વડોદરાવાસીઓનો આભાર માન્યો હતો. અને લખ્યું હતું કે, સાંસ્કૃતિક વારસાથી સમૃદ્ધ આ શહેરમાં આવીને અનહદ આનંદ થયો. આજનો રોડ શો એક શાનદાર રોડ શો રહ્યો ! શહેરીજનોએ આટલી વિશાળ સંખ્યામાં – અને તે પણ સવારે આવીને જે આશીર્વાદ આપ્યા તે બદલ સૌનો હૃદયપૂર્વક આભાર.