દેશ સાથે દગો કરનારાઓની યાદીમાં હવે ગુજરાતના સહદેવ સિંહ ગોહિલનું નામ પણ સામેલ થઈ ગયું છે. તેના પર BSF અને ભારતીય નૌકાદળ સંબંધિત સંવેદનશીલ માહિતી પાકિસ્તાનને મોકલવાનો આરોપ છે.
દેશ સાથે દગો કરનારાઓની યાદીમાં વધુ એક નામનો ઉમેરો થયો છે. ગુજરાત ATS દ્વારા પાકિસ્તાન માટે જાસૂસી કરતી વ્યક્તિની કચ્છના દયાપર ખાતેથી ધરપકડ કરવામાં આવી છે. આ વ્યક્તિનું નામ સહદેવસિંહ ગોહિલ છે, જે કોન્ટ્રેક્ટ બેઝ મલ્ટીપર્પઝ હેલ્થવર્કર તરીકે કાર્યરત હતો. તે પાકિસ્તાનને ભારતીય નૌકાદળ સંબંધિત સંવેદનશીલ માહિતી આપતાં ઝડપાયો છે.
ગુજરાત ATSના એસપી કે. સિદ્ધાર્થે ધરપકડની પુષ્ટિ કરી અને કહ્યું કે ગુજરાત ATSએ કચ્છના સહદેવ સિંહ ગોહિલની ધરપકડ કરી છે. તે કોન્ટ્રેક્ટ બેઝ મલ્ટીપર્પઝ હેલ્થવર્કર છે. તેમણે કહ્યું કે, અમને માહિતી મળી હતી કે તે એક પાકિસ્તાની એજન્ટ સાથે BSF અને ભારતીય નૌકાદળ સંબંધિત માહિતી શેર કરી રહ્યો હતો. તે પાકિસ્તાનને BSF અને નેવીના પ્રોજેક્ટના ફોટા અને વીડિયો મોકલતો હતો.
11 દિવસના રિમાન્ડ મંજૂર
કચ્છના માતાના મઢમાં હંગામી હેલ્થવર્કર તરીકે કામ કરતા અને પાકિસ્તાન માટે જાસૂસી કરનાર સહદેવસિંહ ગોહિલને નલિયા કોર્ટમાં આજે(24 મે) રજૂ કરવામાં આવ્યો હતો. જ્યાં 14 દિવસ રિમાન્ડની માગ કરાઈ હતી પરંતુ કોર્ટે 11 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.
અદિતિ ભારદ્વાજ નામની મહિલાના સંપર્કમાં
ATS અનુસાર, ગોહિલને 1 મેના રોજ પ્રાથમિક પૂછપરછ માટે બોલાવવામાં આવ્યો હતો, જ્યાં એવું બહાર આવ્યું હતું કે તે જૂન-જુલાઈ 2023માં વોટ્સએપથી અદિતિ ભારદ્વાજ નામની મહિલાના સંપર્કમાં આવ્યો હતો. તેની સાથે વાત કર્યા પછી તેને ખબર પડી કે તે પાકિસ્તાની એજન્ટ છે. તેણે નિર્માણાધીન અથવા નવા બનેલા BSF અને ભારતીય નૌકાદળના સ્થળોના ફોટોગ્રાફ્સ અને વીડિયો માંગ્યા હતા. જે પછી તેણે વોટ્સએપ દ્વારા ફોટા અને વીડિયો શેર કરવાનું શરૂ કર્યું.
૪૦ હજાર રૂપિયા માટે જાસૂસી કરી?
ગુજરાત ATSના એસપી કે. સિદ્ધાર્થે જણાવ્યું હતું કે, વર્ષ 2025 ની શરૂઆતમાં, ગોહિલે પોતાના આધાર કાર્ડનો ઉપયોગ કરીને એક સિમ કાર્ડ ખરીદ્યું હતું અને અદિતિ ભારદ્વાજ માટે તે નંબર પર એક વોટ્સએપ એકાઉન્ટ પણ ખોલ્યું હતું. આ પછી, આ નંબર પરથી BSF અને IAF ઈન્ફ્રાસ્ટ્રક્ચર સંબંધિત તસવીરો અને વીડિયો શેર કરવામાં આવ્યા હતા, જેનો ઉપયોગ પાકિસ્તાની એજન્ટો દ્વારા કરવામાં આવી રહ્યો હતો. ATSએ એ પણ પુષ્ટિ આપી કે ગોહિલને કોઈ અજાણ્યા વ્યક્તિએ 40,000 રૂપિયા આપ્યા હતા. એવું માનવામાં આવે છે કે આ વ્યક્તિ જાસૂસી નેટવર્કનો પણ ભાગ હોઈ શકે છે.
ફોન FSLમાં મોકલવામાં આવ્યો
ગુજરાત ATSના એસપી કે. સિદ્ધાર્થે વધુમાં કહ્યું કે, ગોહિલનો ફોન FSLમાં મોકલવામાં આવ્યો હતો. આરોપીએ કેટલાક વીડિયો ડિલિટ મારી દીધા છે, જેને પરત મેળવવા કાર્યવાહી ચાલુ છે. અદિતિ ભારદ્વાજના નામે વોટ્સએપ નંબર પાકિસ્તાનથી ઓપરેટ થઈ રહ્યા હતા. ગોહિલ અને પાકિસ્તાની એજન્ટ વિરુદ્ધ ભારતીય દંડ સંહિતા (BNS)ની કલમ 61 અને 148 હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.