IPL ઇતિહાસમાં સૌથી ઝડપી સદી ફટકારનાર ભારતીય ખેલાડી અને સૌથી યુવા ખેલાડી બન્યો વૈભવ સૂર્યવંશી
બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે 14 વર્ષના વૈભવ સૂર્યવંશીને 10 લાખ રૂપિયાના ઈનામની જાહેરાત કરી છે. બિહારના વતની 14 વર્ષીય વૈભવે સોમવારે જયપુરના સવાઈ માનસિંહ સ્ટેડિયમમાં ગુજરાત ટાઇટન્સ સામે માત્ર 35 બોલમાં સદી ફટકારી ઇતિહાસ રચ્યો હતો. આ મેચમાં વૈભવે ઘણા રેકોર્ડ બનાવ્યા હતા.
વૈભવ સૂર્યવંશીના શાનદાર પરફોર્મન્સ બાદ આજે મંગળવારે બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે તેમને અભિનંદન આપ્યા અને રાજ્ય સરકાર તરફથી 10 લાખ રૂપિયાના ઈનામની જાહેરાત પણ કરી છે.
નીતિશ કુમારે કહ્યું કે….
બિહારના વૈભવ સૂર્યવંશીને અભિનંદન અને શુભકામનાઓ, જે IPLના ઇતિહાસમાં સૌથી નાની ઉંમરે (14 વર્ષ) સદી ફટકારનાર ખેલાડી બન્યો. પોતાની મહેનત અને પ્રતિભાથી તે ભારતીય ક્રિકેટ માટે એક નવી આશા બની ગયો છે. બધાને તેના પર ગર્વ છે. હું 2024માં વૈભવ સૂર્યવંશી અને તેમના પિતાને મળ્યો હતો અને તે સમયે મેં તેમને ઉજ્જવળ ભવિષ્યની શુભેચ્છા પાઠવી હતી.
IPLમાં તેના શાનદાર પ્રદર્શન પછી મેં તેને ફોન પર અભિનંદન પણ આપ્યા હતા. બિહારના યુવા ક્રિકેટર વૈભવ સૂર્યવંશીને પણ રાજ્ય સરકાર દ્વારા 10 લાખ રૂપિયાનું ઈનામ આપવામાં આવશે. હું ઈચ્છું છું કે વૈભવ ભવિષ્યમાં ભારતીય ટીમ માટે નવા રેકોર્ડ બનાવે અને દેશનું ગૌરવ વધારે.
T20 સદી ફટકારનાર સૌથી યુવા ખેલાડી અને IPL ઇતિહાસમાં સૌથી ઝડપી સદી ફટકારનાર ભારતીય ખેલાડી બનીને ઇતિહાસ રચ્યો હતો. તેણે અહીં માત્ર 35 બોલમાં પોતાની સદી પૂરી કરી હતી. 38 બોલમાં 101 રનની તેની વિસ્ફોટક ઇનિંગે રાજસ્થાન રોયલ્સે 8 વિકેટથી જીત મેળવી અને યુસુફ પઠાણનો 15 વર્ષ જૂનો રેકોર્ડ તોડી નાખ્યો.
જયપુરના સવાઈ માનસિંહ સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં રાજસ્થાનનો વિજય થયો. IPL-18 ની 47મી મેચમાં રાજસ્થાન રોયલ્સએ ગુજરાત ટાઇટન્સને 8 વિકેટથી હરાવ્યું હતુ. 210 રનનો લક્ષ્યાંક 16મી ઓવરમાં જ 2 વિકેટ ગુમાવીને પુરો કરી લીધો હતો.
વૈભવ સૂર્યવંશીએ 35 બોલમાં 7 ચોગ્ગા અને 11 છગ્ગાની મદદથી સદી ફટકારી હતી. તેણે IPLમાં બીજી સૌથી ઝડપી સદી ફટકારી હતી. વૈભવ સૂર્યવંશી IPLમાં સૌથી ઓછા બોલમાં સદી ફટકારનાર ભારતીય બેટ્સમેન બન્યો. એટલું જ નહીં, વૈભવ સૂર્યવંશી T20 ફોર્મેટમાં સદી ફટકારનાર સૌથી યુવા બેટ્સમેન બન્યો.
એક ઇનિંગમાં સૌથી વધુ છગ્ગા ફટકારનાર ખેલાડી
વૈભવ રાજસ્થાન માટે એક ઇનિંગમાં સૌથી વધુ 11 છગ્ગા ફટકારનાર ખેલાડી પણ બન્યો. તેણે 2018માં બેંગ્લોર સામે સંજુ સેમસનનો 10 છગ્ગાનો રેકોર્ડ તોડ્યો હતો.