રવિવારે ઇસ્ટર નિમિત્તે પોપ ફ્રાન્સિસે વેટિકનની બાલ્કનીમાંથી લોકોને શુભેચ્છા પાઠવી હતી. આ દરમિયાન તેઓ વ્હીલચેર પર જોવા મળ્યા હતા.
ખ્રિસ્તીઓના ધર્મ ગુરુ પોપ ફ્રાન્સિસનું આજે સવારે નિધન થયું છે. સ્થાનિક સમય મુજબ સવારે 7:35 વાગ્યે તેમણે અંતિમ શ્વાસ લીધા. તેઓ 88 વર્ષના હતા અને લાંબા સમયથી કિડનીની બીમારીથી પીડાતા હતા.
કાર્ડિનલ કેવિન ફેરેલે આજે વેટિકન ટીવી પર પોપના નિધનની જાહેરાત કરી હતી. કેટલાક સમયથી તેમને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી હતી. તેમને 14 ફેબ્રુઆરીના રોજ રોમની જેમેલી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમને ન્યુમોનિયા અને એનિમિયાની પણ સારવાર ચાલી રહી હતી. ફેફસાના ચેપને કારણે તેમને 5 અઠવાડિયા સુધી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
સારવાર દરમિયાન કેથોલિક ચર્ચના હેડક્વાટર વેટિકને કહ્યું હતું કે પોપના બ્લડ ટેસ્ટ રિપોર્ટમાં કિડની ફેઇલ હોવાના લક્ષણો જોવા મળ્યા હતા. સાથે જ, પ્લેટલેટ્સ પણ ઘટી ગયા હોવાની જાણકારી મળી હતી.
રવિવારે ઇસ્ટર નિમિત્તે પોપ ફ્રાન્સિસે વેટિકનની બાલ્કનીમાંથી લોકોને શુભેચ્છા પાઠવી હતી. આ દરમિયાન તેઓ વ્હીલચેર પર જોવા મળ્યા હતા.
પોપ ફ્રાન્સિસના નિધન પર પીએમ મોદીએ શોક વ્યક્ત કર્યો
પીએમ મોદીએ X પર પોસ્ટ કરીને લખ્યું કે પોપ ફ્રાન્સિસના નિધનથી મને ખૂબ જ દુઃખ થયું છે. આ દુઃખની ઘડીમાં વિશ્વભરના કેથોલિક સમુદાય પ્રત્યે મારી હૃદયપૂર્વકની સંવેદના. પોપ ફ્રાન્સિસને વિશ્વભરના લાખો લોકો હંમેશા કરુણા, નમ્રતા અને આધ્યાત્મિક હિંમતના પ્રતીક તરીકે યાદ રાખશે.
કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધીએ પોપના નિધન પર શોક વ્યક્ત કર્યો
પ્રિયંકા ગાંધીએ ટ્વિટર પર લખ્યું, “પોપ ફ્રાન્સિસનું નિધન સમગ્ર વિશ્વ માટે એક ખોટ છે. તેઓ ખરેખર પ્રેમ અને કરુણાના પ્રતિક હતા. તેઓ સત્ય માટે ઉભા રહ્યા, નિર્ભયતાથી અન્યાય સામે અવાજ ઉઠાવ્યો અને વિશ્વાસપૂર્વક ગરીબો અને હાંસિયામાં ધકેલાઈ ગયેલા લોકોની સંભાળ રાખી. તેઓ વિશ્વભરના લાખો લોકો માટે પ્રેરણા હતા જેઓ વધુ શાંતિપૂર્ણ અને કરુણાપૂર્ણ વિશ્વની આશા રાખે છે અને પ્રયત્ન કરે છે. તેમના આત્માને શાંતિ મળે.”
કોણ છે પોપ ફ્રાન્સિસ
પોપ ફ્રાન્સિસનો જન્મ 17 ડિસેમ્બર1936 ના રોજ આર્જેન્ટિનાના બ્યુનસ આયર્સમાં થયો હતો. તેમનું નામ જોર્જ મારિયો બર્ગોલિયો હતું. તેઓ પોપ બનનાર પ્રથમ જેસુઈટ હતા. 1958 માં તેઓ ખ્રિસ્તી ધર્મની એક પરંપરા જેસુઈટ્સમાં જોડાયા અને ધાર્મિક શિક્ષણ આપવાનું શરૂ કર્યું. તેઓ 1969માં પાદરી બન્યા. તેઓ પહેલા એવા લેટિન ધર્મગુરુ હતા, જેઓ પોપ પદ પર પહોંચ્યા હતા. પોપ ફ્રાન્સિસે આ પદ પર 12 વર્ષ સુધી અનેક મહત્વના કાર્યો કર્યા. આ સમય દરમિયાન તેમનો ધર્મ પ્રત્યેનો ઝુકાવ વધ્યો અને તેઓ ચર્ચમાં જોડાયા. ધર્મના માર્ગ પર આવતા પહેલા, જોર્જ મારિયો બર્ગોલિયોએ કેમિકલ ટેકનિશિયન તરીકે પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી અને લાંબા સમય સુધી ફૂડ પ્રોસેસિંગ ઉદ્યોગમાં કામ કર્યું હતું.