અકસ્માત બાદ લાગેલી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં અંદર બેઠેલા લોકોને બહાર નીકળવાનો મોકો જ ના મળ્યો
રાજકોટના સરધાર-ભાડલા રોડ પર આજે બે વચ્ચે જોરદાર ટક્કર થયા બાદ બંને કારમાં આગ ફાટી નીકળતા માતા-પુત્રી સહિત ચાર લોકોના મોત થયા છે. ગણતરીની સેકન્ડોમાં જ આગ વિકરાળ બનતા કારમાં સવાર ચારના મોત થયા છે.
રાજકોટના સરધાર-ભાડલા રોડ પર આજે સાંજે 4 વાગ્યાની આસ પાસ અલ્ટો અને હોન્ડા સિટી કાર વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. બંને કાર સામ-સામે ધડાકાભેર ટકરાયા બાદ બન્ને કારમાં આગ ભભૂકી ઉઠી હતા. થોડીક જ સેકન્ડમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા કારમાં સવાર લોકોને બહાર નીકળવાનો મોકો જ મળ્યો ન હતો. જેના કારણે કારમાં સવાર ચાર લોકો ભડથું થયા હતા. જ્યારે ત્રણ લોકો ઘાયલ થતા તેઓને સારવાર માટે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા છે. ઘટનાની જાણ આસપાસના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં લોકો ઘટનાસ્થળે પહોંચ્યા હતા.
પ્રાપ્ત વિગતો મુજબ, આજે બપોરના સમયે અકસ્માતનો ભોગ બનનારી બે કાર પૈકી એક કાર રાજકોટ તરફ આવી રહી હતી, જ્યારે બીજી કાર ભાવનગર તરફ જઈ રહી હતી. આ દરમિયાન સરધાર ગામ નજીક અચાનક બન્ને કારો વચ્ચે ભીષણ ટક્કર થઈ હતી. આ ટક્કર એટલી ભયાનક હતી કે, બન્ને કારો તરત જ રોડ પર આગના ગોળામાં ફેરવાઈ ગઈ હતી.
ગોંડલમાં રહેતા પરિવારના લોકો ગોંડલના ભંડારિયા ગામે લગ્નપ્રસંગ હોય ત્યાં હાજરી આપવા ગયા હતા. ત્યાંથી પરત ફરતી સમયે અકસ્માત નડ્યો હોવાનું સામે આવ્યું છે.
મૃતક –
(૧) નિરુબેન અતુલભાઈ મકવાણા, 35, રે. ગોંડલ
(૨) હેતવી અતુલભાઈ મકવાણા, 3 વર્ષ, રે. ગોંડલ
(૩) હેમાંશી શાહીલ સરવૈયા, 22, રે. ગોંડલ વિજય નગર
(૪) મિત અશોકભાઈ સાકરીયા, 12, રે. ગોંડલ
ઇજાગ્રસ્ત
(૧) શાહીલ સરવૈયા, 22 વર્ષ, રે. ગોંડલ
(૨) હિરેન અતુલ મકવાણા, 15 વર્ષ, રે. ગોંડલ
(૩) નિતુબેન અશોકભાઈ સાકરીયા, 40, રે. ગોંડલ