સુરતના કાપોદ્રામાં આવેલા અનભ ડાયમંડમાં પાણી પીધા બાદ 118 જેટલા રત્નકલાકારોની તબિયત લથડી હતી. ત્યારબાદ તમામ રત્નકલાકારોને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ લઇ જવાયા હતા. જેમાંથી 104 રત્નકલાકરોને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. જ્યારે હજુ 4 ICUમાં અને 12 કારીગરો ઓબ્ઝર્વેશન હેઠળ છે. ઘટના અંગે તપાસ કરતા જાણવા મળ્યુ હતું કે પીવાના પાણીના કુલરમાં સેલફોસ (અનાજમાં નાખવાની જંતુનાશક ગોળીઓનું પાઉચ)ની પડીકી ભેળવી દેવામાં આવી હતી.
આ સમગ્ર મામલાની જાણ થતા પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોચ્યા હતા અને તપાસ હાથ ધરી છે. આ મામલે કાપોદ્રા પોલીસે રત્નકલાકારોની સામૂહિક હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. તો બીજી તરફ ગત રાતે શિક્ષણમંત્રી પ્રફુલ પાનસેરિયાએ કિરણ હોસ્પિટલમાં દાખલ રત્નકલાકારોને મળીને ખબર અંતર પૂછ્યા હતા. તેમણે કહ્યું કે, આ ઘટનામાં જવાબદારને છોડવામાં આવશે નહીં.
શિક્ષણમંત્રી પ્રફુલ પાનસેરિયાએ જણાવ્યું હતું કે બધા રત્નકલાકારો સેફ છે બધાનું સ્વાસ્થ્ય સારું છે, બે કર્મચારીને આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યા છે તે પણ સ્વસ્થ છે, હું આશા રાખું છું અને ઈશ્વરને પ્રાર્થના કરું છું કે આવતી કાલ સુધીમાં તમામ લોકોને હોસ્પિટલમાંથી ડીસ્ચાર્જ કરવામાં આવશે. જે બદમાશે આ કૃત્ય કર્યું છે તે અંગે પોલીસ તપાસ કરી રહી છે. જે બદમાશે આ કૃત્ય કર્યું છે તે ખુબ જ ડેન્જર બાબત છે 118 જેટલા રત્નકલાકારો આજે હોસ્પિટલમાં દાખલ છે જેણે આ કર્યું છે તેને સજા ભોગવવી જ પડશે, પોલીસ કામગીરી કરી રહી છે હાલ તમામ રત્નકલાકારોનું સ્વાસ્થ્ય સારું છે.

પોલીસ દ્વારા હત્યાના પ્રયાસ BNS 109 (1)ની કલમ હેઠળ ગુનો નોંધીને તપાસ હાથ ધરવામાં આવી છે. જે જગ્યા પર ફિલ્ટર હતું ત્યાં સીસીટીવી નથી. કારખાનાથી વાકેફ હોય એ વ્યક્તિ એટલે કે કારખાના કારીગર દ્વારા જ આ કૃત્ય કરવામાં આવ્યું હોય એવી આશંકા છે, જેથી પોલીસ FSLની સાથે ટીમ બનાવીને અસરગસ્ત 118 સહિત કારખાનામાં બેસતા તમામ રત્નકલાકારોનાં નિવેદન નોંધશે.
કિરણ હોસ્પિટલના ડો. મેહુલ પંચાલે જણાવ્યું હતું કે 104 દર્દીઓ અમારી કિરણ હોસ્પિટલમાં દાખલ છે આ તમામ દર્દીઓને અમે તાત્કાલિક સારવાર આપી છે બધા દર્દીઓ હાલ આઉટ ઓફ ડેન્જર છે 104 દર્દીમાંથી 102 દર્દી વોર્ડમાં એડમીટ છે. અને બે દર્દીઓ જેમના નામ રવી કિરણ પ્રજાપતિ અને જયદીપ બારીયા આઈસીયુમાં સારવાર હેઠળ છે.
ડાયમંડ હોસ્પિટલના એડમિનીસ્ટ્રર ડોકટર હરેશ પાઘડાલએ જણાવ્યું હતું કે અમારી હોસ્પિટલમાં અત્યારે 14 રત્નકલાકારો દાખલ છે જે અનભ જેમ્સમાંથી આવેલા છે ગઇકાલે 4 લોકોને આઈસીયુમાં દાખલ કરેલા હતા તેમનું બીપી ને એવું ડાઉન હતું હાલ બધા સ્ટેબલ છે અને કંડીશન સારી છે. આજે લગભગ ડીસ્ચાર્જ કરવામાં આવશે.
રત્નકલાકાર નટવરભાઈએ જણાવ્યું હતું કે સવારમાં બધાએ પાણી પીધું હતું. જેમાં વાસ આવી હતી. જેથી અમે શેઠને વાત કરી હતી અને તપાસ કરી તો અંદર પાણીમાં દવા હતી અને અમુક કારીગરોને ચક્કર આવતા હતા, શ્વાસ લેવામાં તકલીફ અને પેટમાં લોચા વળતા હતા. પછી શેઠે તમામને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલમાં એડમીટ કરી દીધા હતા. હાલ બધાની તબિયત સારી છે. વધુમાં જણાવ્યું હતું કે શરુઆતમાં કોઈને માથું દુખતું હતું અને કોઈને ચક્કર આવતા હતા. સવારે 10 વાગ્યે ખબર પડી હતી અને બપોરે એડમિટ થઇ ગયા હતા.

ડીસીપી આલોક કુમારએ જણાવ્યું હતું કે કાપોદ્રા પોલીસ સ્ટેશન વિસ્તારમાં મીલેનીયમ કોમ્પ્લેક્સમાં અનભ જેમ્સ નામની કંપની છે જેમાં પાણીની ટાંકીમાં કોઈ અસામાજિક તત્વએ સેલ્ફોસની પડીકી અંદર નાંખી દીધી હતી સેલ્ફોસના પેકેટમાં બહાર અને અંદર એમ બે પેકેટ હોય છે, જો કે અંદર નું પેકેટ ફાટ્યું ના હતું જયારે કારીગરોએ ફરિયાદ કરી તો માલિકે તમામને હોસ્પિટલ ખસેડ્યા હતા, હાલ કોઈ જાનહાની થઇ નથી, આ ખુબ જ સીરીયસ ઘટના છે આ મામલે અમે તપાસ કરી રહ્યા છીએ, ફોરેન્સિકની ટીમ પણ અમે બોલાવી છે, સીસીટીવી ફૂટેજ પણ ચકાસવામાં આવી રહ્યા છે અને જેણે પણ આ કર્યું હશે તેના વિરુદ્ધ ગુનો દાખલ કરીને કડક કાર્યવાહી કરીશું.
વધુમાં જણાવ્યું હતું કે શંકાસ્પદ જણાયેલા ચારથી પાંચ જેટલા કારીગરની કાપોદ્રા પોલીસ દ્વારા પૂછપરછ કરવામાં આવી છે. આ સાથે જ ટીમો બનાવીને વધુ તપાસ ચાલી રહી છે. અનભ જેમ્સના કારીગરોના લિસ્ટ પ્રમાણે પણ તપાસ કરવામાં આવી રહી છે. આ સાથે જ અનભ જેમ્સની અંદર આવેલા ડીલર અને સબ ડીલરની પણ તપાસ કરવામાં આવી રહી છે, જેના માટે ત્રણ ટીમ બનાવવામાં આવી છે. અત્યારસુધીની પૂછપરછ હજુ કંઈ નક્કર વાત સામે આવી નથી. અત્યારસુધીમાં 50 જેટલાં નિવેદન પણ લેવામાં આવ્યાં છે.
કાપોદ્રા ચાર રસ્તા પાસે જીવરાજભાઈ શામજીભાઈ ગાબાણીનું અનભ ડાયમંડના નામે કારખાનું આવેલું છે. ગત રોજ સવારે સાડાઆઠ વાગ્યે રાબેતા મુજબ 120થી વધુ કર્મચારીઓ નોકરીએ આવ્યા હતા. નોકરી પર આવ્યાના એકાદ કલાક એટલે કે સાડા 9 વાગ્યા આસપાસ સંખ્યાબંધ રત્નકલાકારોને ચક્કર આવવા લાગ્યા હતા, એ સાથે શ્વાસ લેવામાં પણ તકલીફ પડતી હોવાની ફરિયાદ કરી હતી. ચક્કર આવવાની ફરિયાદ સાથે આ કારખાનામાં નોકરી કરતાં 118 કરતાં વધુ રત્નકલાકારોની હાલત કથળતાં મામલો ગંભીર બન્યો હતો.
મેનેજરના ભાણિયા નિકુંજ નામના યુવકે સુપરવિઝન કરતાં મામા કાંતિભાઈને પીવાના પાણીના ફિલ્ટરમાંથી દુર્ગંધ આવતી હોવાની ફરિયાદ કરતાં પેઢીના મેઇન મેનેજર હરેશભાઈએ પાણીનું ફિલ્ટર ચેક કરાવ્યું હતું. કૂલરની અંદરથી જે વસ્તુ મળી હતી એ જોતાં જ બધાની જાણે આંખો ફાટી ગઈ હતી. પાણીની અંદર સેલ્ફોસનું પાઉચ તરી રહ્યું હતું. ઉપરનું પ્લાસ્ટિક ફાટેલું હતું અને અંદર કાગળમાં પેક ગોળીઓ પાણીમાં ભળી ગયાની શંકા સાથે જ અફરાતફરી મચી ગઈ હતી. કોઈએ આ રત્નકલાકારોની સામૂહિક હત્યા કરવાના ઈરાદે અનાજમાં જીવાત પડતી રોકવા વપરાતી આ ગોળીનું પાઉચ પાણીમાં ભેળવી દીધું હોવાની વાતે આખા કારખાનામાં ગભરાટ ફેલાઈ ગયો હતો.