ડીસામાં ફટાકડાની ફેક્ટરીમાં પ્રચંડ વિસ્ફોટ બાદ આગ લાગતા 18 લોકોનાં મોત, તમામ મૃતકો મધ્યપ્રદેશના રહેવાસી

deesaFire

ફેક્ટરી માલિકે માત્ર ફટાકડા વેચાણ માટેની જ પરમિશન લીધી હતી, ફટાકડા બનાવવા માટે મંજૂરી લીધી ન હતી. આ મામલે સ્થાનિક પોલીસ અને વહીવટી તંત્ર દ્વારા વધુ તપાસ કરવામાં આવી રહી છે.

ડીસામાં આજે મોટી દુર્ઘટના બની છે. ડીસામાં ઢુંવા રોડ પર આવેલી ફટાકડા બનાવવાની એક ગેરકાયદે ફેક્ટરી અને ગોડાઉનમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. જેમાં 18 મજૂરોનાં મોત નીપજ્યા છે. બનાવની જાણ થતાં 108 એમ્બ્યુલન્સ, ઉચ્ચ અધિકારીઓ, ફાયર ફાઈટર, પોલીસ સહિતનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. જો કે, આગની ભયાનકતાના જોતા હજુ પણ મોતનો આંકડો વધવાની શક્યતા છે.

પ્રાથમિક માહિતી મુજબ, દીપક ટેડર્સ નામની ફેક્ટરીમાં ફટાકડા બનાવવાના દારૂગોળામાં પ્રચંડ વિસ્ફોટ થતાં આગ લાગી હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. વિસ્ફોટ એટલો પ્રચંડ હતો કે, બાજુમાં આવેલું ગોડાઉન ધરાશાયી થતાં 200 મીટર દૂર સુધી કાટમાળ ફેલાયો હતો. જ્યારે ફેક્ટરીમાં કામ કરી રહેલા મજૂરોનાં શરીરના ટુકડા થઈ ગયા હતા અને દૂર-દૂર સુધી ફેંકાયાં હતા. હાલ SDRFની ટીમે પણ ઘટનાસ્થળે પહોંચી રેસ્ક્યૂની કામગીરી હાથ ધરી છે. FSLની ટીમ દ્વારા પણ વિસ્ફોટ અંગે તપાસ હાથ ધરવામાં આવી છે.

ફેક્ટરીમાં બ્લાસ્ટ અને આગની ઘટનામાં તમામ મૃતકો મધ્યપ્રદેશના રહેવાસી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર આ મજૂરો બે દિવસ પહેલા જ અહીં મજૂરી કામ માટે આવ્યા હતા અને ફટાકડા બનાવવાનું કામ કરતા હતા. આ દરમિયાન બ્લાસ્ટ થતાં તેઓના મોત નિપજ્યા છે. હાલ મૃતકોની ઓળખ માટે કાર્યવાહી શરુ કરવામાં આવી છે. મૃત્યુઆંક વધવાની પણ શક્યતા છે.

https://twitter.com/jsuryareddy/status/1907007288629735656

જે ફેક્ટરીમાં દૂર્ઘટના સર્જાઈ તે કંપની ખૂબચંદ સિંધી નામના વ્યક્તિની છે. આ ગેરકાયદેસર ફેક્ટરી હોવાનુ સામે આવ્યુ છે. આ ફટાકડાની ફેક્ટરીમાં તેઓ વિસ્ફોટક પદાર્થ લાવીને ફટાકડા બનાવતા હતા. ફેક્ટરી માલિકે માત્ર ફટાકડા વેચાણ માટેની જ પરમિશન લીધી હતી, ફટાકડા બનાવવા માટે મંજૂરી લીધી ન હતી. આ મામલે સ્થાનિક પોલીસ અને વહીવટી તંત્ર દ્વારા વધુ તપાસ કરવામાં આવી રહી છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દુઃખ વ્યક્ત કર્યું
રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ડીસાની ઘટનાને લઈને દુઃખ વ્યક્ત કર્યું છે. તેમણે ‘X’ પર લખ્યું છે કે, ડીસામાં ફટાકડાના ગોડાઉનમાં વિસ્ફોટ થવાથી આગ લાગવાના લીધે અને સ્લેબ ધરાશાયી થવાના લીધે શ્રમિકોના મૃત્યુની ઘટના હૃદયદ્રાવક છે. દુ:ખની આ ઘડીમાં મારી આત્મીય સંવેદના મૃતકોના સ્વજનોની સાથે છે. આ દુર્ઘટનામાં રાહત-બચાવ અને સારવારની કામગીરીને લઈને હું વહીવટીતંત્ર સાથે સતત સંપર્કમાં છું.’

https://twitter.com/Bhupendrapbjp/status/1907012209563050065

દૂર્ઘટના સમયે ફેકટરીમાં કેટલા મજૂરો હાજર હતા તે અંગે કોઇ સત્તાવાર માહિતી હાલ પ્રાપ્ત થઇ રહી નથી. પરંતુ પ્રાથમિક અહેવાલમાં 18 જેટલા મજૂરોના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા છે. અને પાંચ જેટલા મજૂરોને સારવાર અર્થે ડીસા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ડીસાના ધારાસભ્ય પ્રવીણ માળી, ડીસા નાયબ કલેક્ટર નેહા પંચાલ, ડીસા ડી.વાય.એસ.પી સી.એલ. સોલંકી, મામલતદાર વિપુલ બારોટ સહિત તંત્રના અધિકારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા.

બનાસકાંઠાના કલેક્ટર મિહિર પટેલે જણાવ્યું હતું કે, આજે સવારે ડીસા ખાતે ઇન્ડસ્ટ્રિયલ વિસ્તારમાં એક ફટાકડા બનાવવાની ફેક્ટરીમાં પ્રચંડ વિસ્ફોટ થયો હોવાના સમાચાર મળ્યા હતા. આ બ્લાસ્ટના કારણે ફેક્ટરીનો સ્લેબ તૂટી પડ્યો હતો. ફેક્ટરીમાં કામ કરતાં મજૂરોના પરિવારો પણ અહીં જ રહે છે. હાલ ડીસા નગરપાલિકાની ફાયર ફાઇટરની ટીમે આગ પર કાબૂ મેળવી લીધો છે.

https://twitter.com/ANI/status/1906967907298660570

ડીસાના એસ.ડી.એમ નેહા પંચાલે જણાવ્યું હતું કે, પ્રાથમિક માહિતી મુજબ, એક બ્લાસ્ટનો અવાજ સંભળાયો. જેના કારણે એક ધાબું પડી ગયું. જેમાં કેટલાક લોકો દટાઇ ગયા હતા. તે તમામ લોકોને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. હાલ 6 લોકો સારવાર હેઠળ છે. જેમાંથી 3 લોકો 40 ટકાથી વધુ દાઝ્યા છે. અત્યારે મોતનો ચોક્કસ આંકડો કહી શકાય તેમ નથી.

ડીસાના ધારાસભ્ય પ્રવીણ માળીએ જણાવ્યું હતું કે, પ્રાથમિક દૃષ્ટિએ માહિતી મળી તે મુજબ બોઇલર ફાટવાના કારણે આ ઘટના ઘટી છે. જેમાં બિલ્ડિંગ ધરાશાયી થયું છે. અને તેની નીચે કેટલાક લોકો દટાયેલા છે. જેમાંથી કેટલાકને બહાર કાઢવામાં આવ્યા છે. પાંચ લોકોને રેસ્ક્યૂ કરીને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. તેઓની સારવાર ચાલી રહી છે. આરોગ્ય વિભાગ, વહીવટી તંત્ર, નગરપાલિકા અને ફાયર આ બધી જ ટીમો હાલ કામ કરી રહી છે.