અમદાવાદમાં આસારામ આશ્રમનો કબજો લેશે ગુજરાત સરકાર, જાણો શું છે માસ્ટર પ્લાન?

asaramAshram

બળાત્કારના કેસમાં આજીવન કેદની સજા ભોગવી રહેલા આસારામને અમદાવાદના મોટેરામાં આવેલ તેમનો આશ્રમ ગુમાવવો પડે તેમ લાગી રહ્યુ છે. હાલમાં જ્યાં આસારામનો આશ્રમ છે, તે જગ્યા પર 2036માં વિશ્વભરના રમતવીરો ઓલિમ્પિક ગેમ રમતા હોય તેવુ શક્ય બની શકે છે.

બળાત્કારના કેસમાં આજીવન કેદની સજા ભોગવી રહેલા આસારામને અમદાવાદના મોટેરામાં આવેલ તેમનો આશ્રમ ગુમાવવો પડે તેમ લાગી રહ્યુ છે. હાલમાં જ્યાં આસારામનો આશ્રમ છે, તે જગ્યા પર 2036માં વિશ્વભરના રમતવીરો ઓલિમ્પિક ગેમ રમતા હોય તેવુ શક્ય બની શકે છે. ગુજરાતના અમદાવાદમાં વિશ્વની સૌથી મોટી રમતગમતની સ્પર્ધા ઓલમ્પિક યોજવા માટે તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. આ માટે તૈયાર કરાયેલા માસ્ટર પ્લાનના દાયરામાં આસારામનો આશ્રમ પણ સામેલ છે. ઓલિમ્પિક 2036ની તૈયારીઓ માટે મોટેરામાં ત્રણ આશ્રમની જમીન સંપાદિત કરવામાં આવશે.

ટાઈમ્સ ઓફ ઈન્ડિયાએ સૂત્રોને ટાંકીને એક અહેવાલમાં જણાવ્યું છે કે સરકાર અમદાવાદના મોટેરા સ્થિત આસારામના આશ્રમનો કબજો લઈ શકે છે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમ નજીક આવેલા ત્રણ આશ્રમો દૂર કરીને ત્યાં સરદાર પટેલ સ્પોર્ટ્સ એન્ક્લેવ, ઓલિમ્પિક વિલેજ અને અન્ય રમતગમત સુવિધાઓ વિકસાવી શકાય છે.

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ‘સંત શ્રી આસારામ આશ્રમ’ ઉપરાંત, ભારતીય સેવા સમાજ અને સદાશિવ પ્રજ્ઞા મંડળને પણ સ્થાનાંતરિત કરી શકાય છે. સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે કે આ આશ્રમોની જમીન સંપાદન કરવા અને આ ટ્રસ્ટોને વૈકલ્પિક જગ્યાઓ અથવા વળતર આપવાની પ્રક્રિયા ચાલી રહી છે. રહેણાંક વિસ્તારોનો પણ માસ્ટર પ્લાનમાં સમાવેશ કરવામાં આવ્યો છે અને રહીશોનું સ્થળાંતર કરવામાં આવશે.

અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર અને અમદાવાદ જિલ્લા કલેક્ટર સહિત ત્રણ સભ્યોની સમિતિ માસ્ટર પ્લાન માટે જમીન સંપાદન પ્રક્રિયામાં રોકાયેલી છે. કમિટી નક્કી કરશે કે જમીન માટે વળતર આપવું કે અન્ય જગ્યાએ આપવું.

૮૬ વર્ષીય આસારામને ૩૧ માર્ચ સુધી વચગાળાના જામીન પર મુક્ત કરવામાં આવ્યા છે. અગાઉ તેઓ રાજસ્થાનની જોધપુર જેલમાં બંધ હતા. ગુજરાતના એક બળાત્કાર કેસમાં સુપ્રીમ કોર્ટે આસારામને વચગાળાના જામીન પર મુક્ત કર્યા છે. આ કેસમાં, સેશન્સ કોર્ટે જાન્યુઆરી 2023 માં તેમને દોષિત ઠેરવ્યા હતા અને આજીવન કેદની સજા ફટકારી હતી.

ગુજરાતના અમદાવાદમાં 2036 ઓલિમ્પિક ગેમ્સની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. આ માટે સરદાર પટેલ સ્પોર્ટ્સ એન્ક્લેવ બનાવવામાં આવશે. ઓલિમ્પિક વિલેજ અને અન્ય રમતગમતની સુવિધાઓ પણ બનાવવામાં આવશે. આ બધું નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પાસે લગભગ 650 એકર જમીન પર બનાવવામાં આવશે.