સેન્સેક્સ 1,079 પોઇન્ટ ઉછળ્યો, સોનાના ભાવમાં 700 રૂપિયાનો ઘટાડો, ભાવ 90,550 થયો

sensex-gold

17 માર્ચથી શેરબજારમાં શાનદાર તેજી જોવા મળી છે અને આ છ સેશનમાં સેન્સેક્સ 4,100 પોઇન્ટ એટલે કે 5 ટકા જ્યારે નિફ્ટી 1,260 પોઇન્ટ એટલે કે 5.5 ટકા તેજી નોંધાવી, સોનાના ભાવમાં કડાકો

વૈશ્વિક બજારોમાં US અને યુરોપિયન બજારોમાં તેજીમય વલણ રહેતા શેરબજારમાં આજે 1,000 પોઇન્ટથી વધુની તેજી જોવા મળી છે. તો બીજી તરફ જ્વેલર્સ અને સ્ટોકિસ્ટ્સ તરફથી મોટાપાયે વેચવાલીના દબાણ વચ્ચે આજે રાષ્ટ્રીય રાજધાની દિલ્હી ખાતે સોનાના ભાવમાં કડાકો બોલાઈ ગયો છે અને ગોલ્ડ રૂપિયા 700 ગગડી 91,000ની સપાટી ગુમાવી 90,550 રહ્યું છે.

દિલ્હી ખાતે 10 ગ્રામદીઠ સોનુ (99.9) રૂપિયા 700 ઘટી રૂપિયા 90,550 રહ્યું હતું. જ્યારે સોનુ (99.5) રૂપિયા 700 તૂટી રૂપિયા 90,100 રહ્યું હતું. જ્યારે ચાંદી કિલોનો ભાવ દિલ્હી ખાતે રૂપિયા 200ના સામાન્ય સુધારા સાથે રૂપિયા 1,00,500 રહી હતી.

BSE સેન્સેક્સ 1,078.87 પોઇન્ટ એટલે કે 1.40 ટકા વધી 77,984.38ની છેલ્લા છ સપ્તાહની ઊંચી સપાટીએ બંધ આવ્યો છે. ઈન્ટ્રા-ડેમાં સેન્સેક્સ 1,201.72 પોઇન્ટ એટલે કે 1.56 ટકા વધી 78,107.23 બોલાયો હતો.

નિફ્ટી પણ 307.95 પોઇન્ટ એટલે કે 1.32 ટકા વધી 23,658.35 રહ્યો છે. ઈન્ટ્રા-ડેમાં બેન્ચમાર્ક 358.35 પોઇન્ટ હાઈ બનાવી 23,708.75 રહ્યો છે.

છેલ્લા છ સેશન દરમિયાન એટલે કે 17 માર્ચથી શેરબજારમાં શાનદાર તેજી જોવા મળી છે અને આ છ સેશનમાં સેન્સેક્સ 4,100 પોઇન્ટ એટલે કે 5 ટકા જ્યારે નિફ્ટી 1,260 પોઇન્ટ એટલે કે 5.5 ટકા તેજી નોંધાવી છે.

સેન્સેક્સ પેકમાં NPTC, કોટક મહિન્દ્રા બેન્ક, સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા, ટેક મહિન્દ્રા, પાવર ગ્રિડ, બજાજ ફિનસર્વ, એક્સિસ બેન્ક, HCL ટેક, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના શેરોમાં આકર્ષક ખરીદી જોવા મળતી હતી. જ્યારે ટાઈટન, ઈન્ડસઈન્ડ બેન્ક, ઝોમેટો, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, ભારતી એરટેલ, નેસ્લે ઈન્ડિયા તથા ઈન્ફોસિસમાં એકંદરે ઘટાડા તરફી વલણ રહ્યું હતું.