નાગપુર રમખાણોના માસ્ટરમાઇન્ડ ફહીમ ખાનનું ઘર તોડી પડાયુ, મહારાષ્ટ્રમાં પહેલીવાર થઈ બુલડોઝર કાર્યવાહી

fahimkhanHome

નાગપુરમાં હિંસાના માસ્ટરમાઇન્ડ ફહીમ ખાનના ગેરકાયદેસર બાંધકામ પર મહાનગરપાલિકાએ બુલડોઝર ચલાવી દેવાયુ છે. દેવેન્દ્ર ફડણવીસની જાહેરાત પછી મ્યુનિસિપલ કોર્પોરેશને એક્શન લેતા ફહીમને 24 કલાકની નોટિસ આપી અને તેના ઘરનો આગળનો ભાગ તોડી પાડ્યો. મહારાષ્ટ્રમાં પહેલી વાર બુલડોઝર કાર્યવાહી થઈ છે.

નાગપુરમાં ઔરંગઝેબની કબર હટાવવાના વિરોધમાં થયેલ હિંસાના માસ્ટરમાઈન્ડ ફહીમ ખાન પર કાર્યવાહી કરતા તેના ગેરકાયદે બાંધકામ પર દેવેન્દ્ર ફડણવીસ સરકારે બુલડોઝર ચલાવ્યુ છે. સોમવારે સવારે, ફહીમ ખાનના બે માળના ઘરનો આગળનો દબાણ વાળો ભાગ તોડી પાડવામાં આવ્યો હતો. મ્યુનિસિપલ કોર્પોરેશને ફહીમના પરિવારને ગેરકાયદેસર કબજો દૂર કરવા માટે 24 કલાકની નોટિસ આપી હતી. સમયગાળો પૂરો થયા પછી મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમે તેના ઘર પર બુલડોઝર ચલાવ્યું હતુ.

૧૭ માર્ચે નાગપુરના ઘણા ભાગોમાં રમખાણો ફાટી નીકળ્યા. હિંસા વધતી અટકાવવા માટે સરકારે કર્ફ્યુ લાદ્યો. જ્યારે પોલીસે કેસની તપાસ શરૂ કરી, ત્યારે ખબર પડી કે આ હિંસા આકસ્મિક નહોતી પરંતુ તે એક સુનિયોજિત કાવતરું હતું. ત્યારબાદ તપાસમાં જાણવા મળ્યું કે આ હિંસાનો માસ્ટરમાઇન્ડ માઇનોરિટી ડેમોક્રેટિક પાર્ટીનો નેતા ફહીમ ખાન છે. ફહીમે સોશિયલ મીડિયા પર ઘણી ઉશ્કેરણીજનક પોસ્ટ કરી લોકોને હિંસા માટે ઉશ્કેર્યા હતા જેના પછી રમખાણો ફાટી નીકળ્યા હતા.

ઉત્તર પ્રદેશના સીએમ યોગી આદિત્યનાથની જેમ મહારાષ્ટ્રના સીએમ દેવેન્દ્ર ફડણવીસે પણ તોફાનીઓના ઘરો પર બુલડોઝર ચલાવવામાં આવશે તેવી જાહેરાત કરી હતી. આ ઉપરાંત, તેમણે એવી પણ જાહેરાત કરી કે રમખાણોમાં થયેલા નુકસાનની ભરપાઈ આરોપીઓ પાસેથી કરવામાં આવશે. તેમની જાહેરાત પછી, નાગપુર મ્યુનિસિપલ કોર્પોરેશન (NMC) એ સંજય બાગ કોલોનીમાં ફહીમ ખાનના ઘરને નોટિસ ફટકારી હતી. નોટિસમાં જણાવવામાં આવ્યું હતું કે તેમનું ઘર પર ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવ્યુ છે. 24 કલાકની અંદર તેને દૂર કરવાનું કહેવામાં આવ્યું હતું.

સવારે અધિકારીઓ અને પોલીસ JCB લઈને પહોંચ્યા
સોમવારે સવારે 10 વાગ્યા પહેલા સંજય બાગ કોલોનીમાં ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. અધિકારીઓની એક ટીમ જેસીબી લઈને પહોંચી અને ફહીમ ખાનના બે માળના ઘરને તોડી પાડવાનું કામ શરૂ થયું. મહારાષ્ટ્રમાં આ પહેલી વાર છે જ્યારે BMCએ રમખાણના આરોપીની મિલકત પર આવી(બુલડોઝર) કાર્યવાહી કરી છે.

ફહીમ ખાન પર શું આરોપ છે?
સાયબર સેલના ડીસીપી લોહિત મટાણીએ જણાવ્યું હતું કે 38 વર્ષીય ફહીમ શમીમ ખાને લોકોને ઉશ્કેર્યા હતા અને ભીડ એકઠી કરી હતી. ફહીમ ખાન માઇનોરિટી ડેમોક્રેટિક પાર્ટીના નેતા છે. તેણે ઔરંગઝેબ વિરુદ્ધ વિરોધનો એક વીડિયો એડિટ કરીને શેર કર્યો, જેના કારણે નાગપુરમાં રમખાણો ફાટી નીકળ્યા. ફહીમ ખાને હિંસક વીડિયોની પણ પ્રશંસા કરી હતી. ૧૯ માર્ચે તેની ધરપકડ કરવામાં આવી હતી. કોર્ટે તેને 21 માર્ચ સુધી પોલીસ કસ્ટડીમાં મોકલી દીધો હતો.