IPLમાં બોલર્સને રાહત: BCCIએ બોલ પર થૂંક લગાવવા પરનો પ્રતિબંધ હટાવ્યો

cricketBall

ICCએ કોરોના રોગચાળા દરમિયાન સાવચેતી તરીકે બોલ પર થૂંક લગાવવાની વર્ષો જૂની પ્રથા પર પ્રતિબંધ મૂક્યો હતો.

IPL પહેલા ફાસ્ટ બોલર માટે ગુરુવારે BCCIએ સારા સમાચાર આપ્યાં છે. 22 માર્ચથી શરુ થઈ રહેલી IPLની આ સિઝનમાં બોલ પર થૂંક લગાવવા પરનો પ્રતિબંધ BCCIએ હટાવી લીધો છે. બોલર્સ હવે રિવર્સ સ્વિંગ માટે બોલ પર થૂંક લગાવી શકશે.

BCCIએ આ નિર્ણય આઈપીએલના મોટા ભાગના કેપ્ટનની સહમતિ બાદ લેવામાં આવ્યો છે. આ પ્રસ્તાવ પર બીસીસીઆઇમાં વિગતવાર ચર્ચા કરવામાં આવી છે. મુંબઈમાં આજે IPLની તમામ ટીમોના કૅપ્ટનનું ફોટોશૂટ હતું જેમાં દરમિયાન કૅપ્ટન સામે આ મામલે પ્રસ્તાવ મુકવામાં આવ્યો હતો. જેમાં દસેય ટીમના કેપ્ટનઓએ આ મુદ્દે સંમતિ આપી છે.

ભારતીય ફાસ્ટ બોલર મોહમ્મદ શમીએ ચેમ્પિયન્સ ટ્રોફી દરમિયાન તેના પર ખુલીને વાત કરી હતી. શમીએ કહ્યું હતું કે, હવે બોલ પર થૂંક લગાવવા પરના પ્રતિબંધને હટાવી દેવામાં આવવો જોઈએ. તે પહેલા BCCIએ આઈપીએલમાં આ પ્રતિબંધને હટાવી દીધો છે.

IPLને રોમાંચક બનાવવા માટે ઈમ્પેક્ટ પ્લેયરનો નિયમ લાવવામાં આવ્યો હતો અને BCCIએ નિર્ણય લીધો છે કે આ સિઝનમાં પણ આ નિયમ ચાલુ રહેશે. એટલે કે આ સિઝનમાં પણ ઈમ્પેક્ટ પ્લેયર નિયમનો ઉપયોગ કરવામાં આવશે.

ICCએ કોરોના રોગચાળા દરમિયાન સાવચેતી તરીકે બોલ પર થૂંક લગાવવાની વર્ષો જૂની પ્રથા પર પ્રતિબંધ મૂક્યો હતો. તેમજ વર્ષ 2022માં ICCએ આ પ્રતિબંધ કાયમી કરી દીધો હતો. IPL એ કોરોના પછી પણ આ પ્રતિબંધ કાયમી રાખ્યો હતો. પરંતુ હવે આ પ્રતિબંધ હટાવી દેવામાં આવ્યો છે.

ચેમ્પિયન્સ ટ્રોફીની પહેલી સેમિફાઇનલમાં ઓસ્ટ્રેલિયા સામે ટીમ ઇન્ડિયાની 4 વિકેટથી જીત બાદ પત્રકારો સાથે વાત કરતા શમીએ ICCને બોલ પર થૂંકના ઉપયોગ પરનો પ્રતિબંધ હટાવવા વિનંતી કરી હતી. શમીએ કહ્યું હતું કે અમે રિવર્સ સ્વિંગ કરાવવાનો પ્રયાસ કરી રહ્યા છીએ, પરંતુ બોલ પર થૂંકનો ઉપયોગ કરવાની મંજૂરી નથી. અમે અપીલ કરતા રહીએ છીએ કે અમને થૂંકનો ઉપયોગ કરવાની મંજૂરી આપવી જોઈએ, જેથી અમે રમતમાં રિવર્સ સ્વિંગ પાછું લાવી શકીએ અને રમત રસપ્રદ બને.તેમના નિવેદનને વર્નોન ફિલેન્ડર અને ટિમ સાઉથી જેવા ખેલાડીઓએ પણ સમર્થન આપ્યું હતું.