કેદારનાથ યાત્રા થઈ આસાનઃ સોનપ્રયાગથી કેદારનાથ સુધી બનશે રોપ-વે, 9 કલાકની યાત્રા 36 મિનિટમાં પૂરી થશે, કેબિનેટે આપી મંજૂરી

kedarnathRopeway

ગોવિંદઘાટથી હેમકુંડ સાહિબ સુધી 12.4 કિમીનાં રોપ-વેને પણ મંજૂરી મળી

કેન્દ્રીય મંત્રીમંડળે આજે રાષ્ટ્રીય રોપ-વે વિકાસ કાર્યક્રમ – પર્વતમાલા પરિયોજના હેઠળ ઉત્તરાખંડના સોનપ્રયાગથી કેદારનાથ સુધીના 12.9 કિમી લાંબા રોપ-વે પ્રોજેક્ટના વિકાસને મંજૂરી આપી છે. તેનાથી કેદારનાથ પહોંચવામાં સરળતા રહેશે. કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું, “આનો મોટો ફાયદો એ થશે કે હાલમાં 8-9 કલાક લેતી આ મુસાફરી 36 મિનિટમાં પૂર્ણ થશે… તેમાં 36 લોકોની બેઠક ક્ષમતા હશે…” કેબિનેટે કેદારનાથ રોપ-વે પ્રોજેક્ટ માટે 4081 કરોડ રૂપિયાની મંજૂરી આપી છે.

કેદારનાથ ધામ ભગવાન શિવના 12 જ્યોતિર્લિંગોમાંનું એક છે. તે સમુદ્ર સપાટીથી 3,584 મીટરની ઊંચાઈએ આવેલું છે. હાલ કેદારનાથ જવા માટે આશરે 9 કલાક જેટલો લાગે છે. કેદારનાથ મંદિર સુધીની યાત્રા ગૌરીકુંડથી 16 કિમીનું મુશ્કેલ ચઢાણ છે. હાલમાં તે પગપાળા, પાલખી, ટટ્ટુ અને હેલિકોપ્ટર દ્વારા કરવામાં આવે છે. એકવાર રોપવે બની ગયા પછી આ મુસાફરીમાં 36 મિનિટનો સમય લાગશે.

કેદારનાથમાં બનનારા રોપવેને પબ્લિક પ્રાઈવેટ પાર્ટનરશિપમાં વિકસાવવાની યોજના છે અને તે સૌથી અદ્યતન ટ્રાઈ-કેબલ ડિટેચેબલ ગોંડોલા ટેક્નોલોજી પર આધારિત હશે. આ દ્વારા દર કલાકે 1800 યાત્રાળુઓ અને દરરોજ 18 હજાર યાત્રાળુઓને કેદારનાથ લઈ જવામાં આવશે. સોનપ્રયાગથી કેદારનાથ રોપવે પ્રોજેક્ટને ડિઝાઇન, બિલ્ડ, ફાઇનાન્સ, ઓપરેટ અને ટ્રાન્સફર (DBFOT) મોડ પર વિકસાવવામાં આવશે.

હેમકુંડ રોપ-વે પ્રોજેક્ટને પણ મંજૂરી

આ સાથે અન્ય પ્રોજેક્ટ હેમકુંડ રોપ-વે માટે પણ કેબિનેટ પાસેથી મંજૂરી મળી ગઈ છે. જે અંતર કાપવામાં 9 કલાકનો સમય લાગતો હતો તે આ પ્રોજેક્ટ પૂર્ણ થયા બાદ માત્ર અડધો કલાકનો સમય લાગશે. આ પ્રોજેક્ટથી હેમકુંડ જવાનું પણ સરળ બનશે. હેમકુંડ પ્રોજેક્ટ માટે રૂ. 2730 કરોડની મંજૂરી મળી છે.

ગોવિંદઘાટથી હેમકુંડ સાહિબ સુધી 12.4 કિમીનો રોપવે બનાવવામાં આવશે. આના પર 2,730.13 કરોડ રૂપિયા ખર્ચ થશે. આ રોપવે દર કલાકે 1100 મુસાફરો અને દરરોજ 11,000 મુસાફરોને લઈ જશે. હેમકુંડ સાહિબ ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં આવેલું છે. સમુદ્ર સપાટીથી તેની ઊંચાઈ 15 હજાર ફૂટ છે. અહીં સ્થાપિત ગુરુદ્વારા મે થી સપ્ટેમ્બર દરમિયાન વર્ષમાં લગભગ 5 મહિના માટે ખુલ્લું રહે છે. દર વર્ષે લગભગ 2 લાખ યાત્રાળુઓ હેમકુંડ સાહિબ દર્શન કરવા જાય છે.