અમેરિકાથી ડિપોર્ટ કરેલા 33 ગુજરાતી સહિત 205 ભારતીયોને લઈને યુએસ આર્મીનું વિમાન અમૃતસર પહોંચ્યુ

usArmyPlain

અમેરિકાથી ડિપોર્ટ કરાયેલા 33 ગુજરાતી સહિત 205 ભારતીય નાગરિકો અમૃતસર એરપોર્ટ પર પહોંચી ગયા છે. આમાં ૧૩ બાળકોનો પણ સમાવેશ થાય છે. બધાને યુએસ લશ્કરી વિમાન C-17 દ્વારા મોકલવામાં આવ્યા છે. તે બધા ડંકી રૂટ દ્વારા અમેરિકા ગયા હતા અને તેમાંથી મોટાભાગના પંજાબના છે.

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સ સામે કડક કાર્યવાહી શરૂ કરી દીધી છે. ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સને તેમના દેશમાં પાછા મોકલવામાં આવી રહ્યા છે. બુધવારે બપોરે, 205 ગેરકાયદેસર ભારતીય ઇમિગ્રન્ટ્સને લઈને એક યુએસ લશ્કરી વિમાન અમૃતસરના શ્રી ગુરુ રામદાસ જી આંતરરાષ્ટ્રીય વિમાનમથક પર ઉતર્યું. અમેરિકાથી જે ભારતીયો પરત આવી રહ્યા છે તેમાં 33 ગુજરાતીઓ હોવાનું સામે આવ્યું છે. જેમાં સૌથી વધુ મહેસાણા અને ગાંધીનગરના 12-12 લોકો, સુરતના 4, અમદાવાદના 2 અને ખેડા, વડોદરા અને પાટણના 1-1 વ્યકિતઓ છે.

C-17 વિમાને 4 ફેબ્રુઆરીના રોજ ભારતીય સમય મુજબ સવારે 3 વાગ્યે ટેક્સાસના સાન એન્ટોનિયોથી ઉડાન ભરી હતી અને બુધવારે સવારે અમૃતસરમાં ઉતરાણ કરવાનું હતું, પરંતુ ઉતરાણમાં વિલંબ થયો હતો. મીડિયાએ એક વરિષ્ઠ અધિકારીને ટાંકીને જણાવ્યું હતું કે ગેરકાયદેસર સ્થળાંતર કરનારાઓમાં સૌથી વધુ સંખ્યા ગુજરાત, હરિયાણા અને પંજાબના છે. આ પછી મહારાષ્ટ્ર અને ઉત્તર પ્રદેશના લોકો હતા.

સૂત્રોના જણાવ્યા અનુસાર, ફ્લાઇટમાં 205 ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સ હતા, જે મુખ્યત્વે પંજાબ અને પડોશી રાજ્યોના હતા, જેમના હાથ અને પગમાં હાથકડી લગાવવામાં આવી હતી. અનેક મીડિયા રિપોર્ટ્સમાં જણાવાયું છે કે દેશનિકાલ કરાયેલા લોકોમાં 79 પુરુષો, 25 મહિલાઓ અને 13 બાળકોનો સમાવેશ થાય છે.

પંજાબના NRI બાબતોના મંત્રી કુલદીપ સિંહ ધાલીવાલે યુએસ સરકારના તેમને દેશનિકાલ કરવાના નિર્ણય પર નિરાશા વ્યક્ત કરતા કહ્યું કે, દેશના અર્થતંત્રમાં યોગદાન આપનારા આ વ્યક્તિઓને કાયમી રહેઠાણ મળવું જોઈતું હતું.

ધાલીવાલે કહ્યું કે ઘણા ભારતીયો વર્ક પરમિટ પર અમેરિકામાં પ્રવેશ્યા હતા, જે પાછળથી સમાપ્ત થઈ ગયા હતા, જેના કારણે તેઓ ગેરકાયદેસર ઇમિગ્રન્ટ બન્યા હતા. તેમણે અમેરિકામાં રહેતા પંજાબીઓની ચિંતાઓ અંગે ચર્ચા કરવા માટે આવતા અઠવાડિયે વિદેશ મંત્રી એસ જયશંકરને મળવાની યોજના વિશે પણ વાત કરી હતી. આ ઉપરાંત, તેમણે પંજાબીઓને ગેરકાયદેસર વિદેશ યાત્રા ટાળવા અપીલ કરી હતી.

ખરેખરમાં, ટ્રમ્પે અમેરિકાના ઇતિહાસમાં સૌથી મોટું ડિપોર્ટેશન કરવાનું વચન આપ્યું હતું. આ પછી, ઇમિગ્રેશન અને કસ્ટમ્સ એન્ફોર્સમેન્ટ (ICE) એ 15 લાખ ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સની યાદી તૈયાર કરી, જેમાં 18,000 ભારતીયોનો પણ સમાવેશ થાય છે.

ગયા મહિને ડોનાલ્ડ ટ્રમ્પે યુએસ પ્રમુખ તરીકે શપથ લીધા ત્યારથી, યુએસ કાયદા અમલીકરણ એજન્સીઓએ ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સ પર કાર્યવાહી વધારી દીધી છે. “ગધેડા માર્ગે” અથવા અન્ય ગેરકાયદેસર માધ્યમોથી અમેરિકામાં પ્રવેશેલા ઘણા પંજાબીઓને હવે મોટી રકમ ખર્ચ્યા પછી દેશનિકાલ થવાનો ભય છે.