વર્ષ ૨૦૧૭માં તેમણે લગ્ન કર્યા અને ઉજ્જૈન આશ્રમ વેચી દીધો અને પૈસા લઈને મુંબઈ જતા રહ્યા હતા. તેમના કાર્યોને કારણે તેમને હાંકી કાઢવામાં આવ્યા હતા. જો તેઓ સ્થાપક હોત, તો કિન્નર અખાડામાં રહ્યા હોત.
આચાર્ય મહામંડલેશ્વર લક્ષ્મી નારાયણ ત્રિપાઠી દ્વારા બોલીવુડ અભિનેત્રી મમતા કુલકર્ણીને કિન્નર અખાડાનાં મહામંડલેશ્વર બનાવ્યા બાદ કિન્નર અખાડામાં હોબાળો તેમજ વિરોધ શરૂ થયો હતો. અનેક સાધુ સંતોએ પણ પોતપોતાની પ્રતિક્રિયાઓ આપી હતી. તેવામાં હવે કિન્નર અખાડાના સ્થાપક ઋષિ અજય દાસ દ્વારા એક પત્ર જારી કરવામાં આવ્યો હતો. પત્રમાં જણાવ્યું હતું કે તેમણે લક્ષ્મીનારાયણ ત્રિપાઠીને કિન્નર અખાડાના આચાર્ય મહામંડલેશ્વર પદ પરથી હટાવી દીધા છે. સાથે જ મમતા કુલકર્ણીને પણ પદ પરથી દૂર કરી દીધી છે.
મહામંડલેશ્વર પદ પરથી હટાવવાનાં મામલે કિન્નર અખાડાનાં આચાર્ય મહામંડલેશ્વર લક્ષ્મી નારાયણ ત્રિપાઠીની પ્રતિક્રિયા સામે આવી છે. આચાર્ય મહામંડલેશ્વર લક્ષ્મીનારાયણ ત્રિપાઠીએ કહ્યું કે અજય દાસ કોઈ પદ પર નથી. તેમને તો પહેલાથી જ અખાડામાંથી હાંકી કાઢવામાં આવ્યા છે, તો તેઓ કયા અધિકારથી કાર્યવાહી કરી શકે?
આચાર્ય મહામંડલેશ્વર ડૉ. લક્ષ્મી નારાયણ ત્રિપાઠીએ કહ્યું કે મારું પદ કોઈ એક વ્યક્તિની નિમણૂક કે સંમતિ પર આધારિત નહોતું. ૨૦૧૫-૧૬ના ઉજ્જૈન કુંભમાં ૨૨ રાજ્યોમાંથી કિન્નેરોને બોલાવવામાં આવ્યા હતા અને અખાડો બનાવવામાં આવ્યો હતો. તમા મને આચાર્ય મહામંડલેશ્વર બનાવવામાં આવ્યા હતા. તે સમયે ઋષિ અજય દાસ અમારી સાથે હતા. વર્ષ ૨૦૧૭માં તેમણે લગ્ન કર્યા અને ઉજ્જૈન આશ્રમ વેચી દીધો અને પૈસા લઈને મુંબઈ જતા રહ્યા હતા. તેમના કાર્યોને કારણે તેમને હાંકી કાઢવામાં આવ્યા હતા. જો તેઓ સ્થાપક હોત, તો કિન્નર અખાડામાં રહ્યા હોત. તેઓ કમ્પ્યુટર બાબાના આશ્રમમાં શું કરી રહ્યા છે? હવે અમારા વકીલ ઋષિ અજય દાસ સાથે વાત કરશે. અમે તેમની સામે કાનૂની કાર્યવાહી પણ કરીશું.
મહામંડલેશ્વર લક્ષ્મી નારાયણ ત્રિપાઠી અને મમતા કુલકર્ણીને કિન્નર અખાડામાંથી હાંકી કાઢવા પર અખિલ ભારતીય અખાડા પરિષદે નારાજગી વ્યક્ત કરી છે. પરિષદના પ્રમુખ મહંત રવિન્દ્ર પુરીએ કહ્યું કે, હું પૂછવા માંગુ છું કે આચાર્ય લક્ષ્મી નારાયણ ત્રિપાઠીને હાંકી કાઢનાર તે (ઋષિ અજય દાસ) કોણ છે? બધા 13 અખાડાઓએ લક્ષ્મી નારાયણ ત્રિપાઠીને ટેકો આપ્યો છે. જુના અખાડાએ તેમની સાથે સ્નાન કરવાનું વચન આપ્યું હતું અને જુના અખાડા તેમને તેમની સાથે સ્નાન કરાવે છે.
મહંત રવિન્દ્ર પુરીએ કહ્યું, ‘હું કહેવા માંગુ છું કે લક્ષ્મી નારાયણ ત્રિપાઠી જુના અખાડાનો ભાગ છે. મેં તે વ્યક્તિ (ઋષિ અજય દાસ) નું નામ પહેલીવાર સાંભળ્યું છે જેમણે પત્ર જારી કરીને લક્ષ્મી નારાયણ ત્રિપાઠીને હટાવવાનું કહ્યું છે. તેઓ કિન્નર અખાડાના સ્થાપક બનવા માંગે છે. અમે બધા અખાડા લક્ષ્મી નારાયણ ત્રિપાઠી સાથે છીએ. આપણે બધા તેમને અને તેમની સાથે રહેલા સભ્યોને પણ ઓળખીએ છીએ. તેમણે (આચાર્ય લક્ષ્મી નારાયણ ત્રિપાઠી) જે પણ સંતો અને ઋષિઓ બનાવ્યા છે તેઓ સંન્યાસી છે. જ્યાં સુધી મુંડન કરાવવાની વાત છે, કિન્નર અખાડાના બધા સભ્યોએ પોતાના માથા મુંડન કરાવ્યા છે અને ગળામાં માળા પહેરી છે. આમની સાથે આવું કરવું એ અત્યાચાર છે. આપણે બધાને સાથે લઈને ચાલવું પડશે. આપણે જાતિથી ઉપર ઉઠીને કામ કરવું પડશે. જો આપણે સંન્યાસીઓ સમર્થન નહીં આપીએ, તો કિન્નર સમુદાય ક્યાં જશે. આ લોકો આપણા છે.’