મહારાષ્ટ્રના જલગાંવમાં બુધવારે એક મોટી ટ્રેન દુર્ઘટના બની. અહીં પરધાડે રેલવે સ્ટેશન પર પુષ્પક એક્સપ્રેસમાં આગ લાગવાની અફવા ફેલાઈ હતી, જેના કારણે ટ્રેનમાં મુસાફરી કરી રહેલા મુસાફરો એટલા ડરી ગયા કે તેઓ ટ્રેનમાંથી નીચે કૂદવા લાગ્યા. મુસાફરો હજુ પાટા પર જ હતા. તેવામાં બાજુના ટ્રેક પર આવેલી કર્ણાટક સંપર્ક ક્રાંતિ એક્સપ્રેસે ટ્રેનમાંથી કૂદી પડેલા લોકોને કચડી નાખ્યા હતા. મીડિયા રિપોર્ટ મુજબ 8-10 લોકોના મોત થયા છે. કહેવામાં આવી રહ્યું છે કે અફવા સાંભળીને લગભગ 30 થી 40 લોકો ટ્રેનમાંથી નીચે કૂદી પડ્યા હતા. મંત્રી ગિરીશ મહાજન થોડીવારમાં ઘટનાસ્થળે પહોંચી જશે.

એવું કહેવામાં આવી રહ્યું છે કે B4 બોગીમાં સ્પાર્કિંગ થતાં પુષ્પક એક્સપ્રેસને રોકી દેવામાં આવી હતી. આ દરમિયાન, એક અફવા ફેલાઈ ગઈ કે ટ્રેનમાં આગ લાગી હોવાથી તેને રોકવામાં આવી છે. લોકો ઝડપથી ટ્રેનમાંથી કૂદી પડ્યા અને પાટા પર આવી ગયા. તે જ સમયે, મનમાડથી ભુસાવલ જતી કર્ણાટક એક્સપ્રેસ બીજા ટ્રેક પરથી પસાર થઈ. જેથી આ મુસાફરો કર્ણાટક એક્સપ્રેસની ઝપેટમાં આવી ગયા. જેમાં 8-10 લોકોના મોત થયાના અહેવાલ છે.
રેલવે અધિકારીઓએ પણ આ ઘટનાની પુષ્ટિ કરી છે. મધ્ય રેલ્વેના ભુસાવલ વિભાગના સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું કે આ દુર્ઘટના જલગાંવના પચોરા તાલુકાના પરધડે ગામ પાસે બની હતી. જે જગ્યાએ ઘટના બની ત્યાં એક તીવ્ર વળાંક હતો, જેના કારણે ટ્રેક પર બેઠેલા મુસાફરો ટ્રેનના આગમનનો ખ્યાલ ન મેળવી શક્યા.