મોકામાના પૂર્વ ધારાસભ્ય અનંત સિંહ પર 60-70 રાઉન્ડ ફાયરિંગ, ગેંગસ્ટર સોનુ-મોનુએ કર્યું ફાયરિંગ

anantSingh

બુધવારે સાંજે બિહારના પટના જિલ્લાના મોકામા વિસ્તારમાં ભૂતપૂર્વ ધારાસભ્ય અનંત સિંહ પર ગોળીબારની ઘટના સામે આવી છે. પ્રારંભિક અહેવાલો મુજબ, મોકામા વિસ્તારમાં સોનુ-મોનુ ગેંગ દ્વારા અનંત સિંહના કાફલા પર 60-70 રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું.આ હુમલામાં મોકામાના ભૂતપૂર્વ ધારાસભ્ય માંડ માંડ બચી ગયા છે. ઘટના બાદ નૌરંગા ગામ પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયું છે.

એવું કહેવાય છે કે સોનુ-મોનુ ગેંગે ગામના એક પરિવારને માર માર્યો હતો અને તેમને ઘરમાંથી બહાર કાઢી મૂક્યા હતા. મોકામાના ભૂતપૂર્વ ધારાસભ્ય, જે મોકામા વિસ્તારના નૌરંગા જલાલપુર ગામની મુલાકાતે હતા. તેઓ ગામનાં લોકો દ્વારા મળેલ ફરિયાદોનું નિરાકરણ લાવવા ત્યાં પહોંચ્યા હતા. અનંત સિંહને પોતાના વિસ્તારમાં આવતા જોઈને સોનુ અને મોનુ ગેંગે તેને રોકવા માટે ગોળીબાર શરૂ કરી દીધો. ત્યારબાદ બંને ભાઈઓ ભાગી ગયા હતા. હાલમાં ગામમાં ભારે તણાવ છે અને પોલીસ ફોર્સ તૈનાત છે.

પોલીસના જણાવ્યા અનુસાર, અનંત સિંહ પોતાના સમર્થકો સાથે આ ગામમાં પહોંચ્યા હતા અને એક ઘર પર ગોળીબાર કર્યો હતો. અનેક રાઉન્ડ ગોળીઓ ચલાવવામાં આવી હતી. ઘટનાસ્થળે પોલીસ દળો તૈનાત કરવામાં આવ્યા છે. ગોળીબાર કરનારાઓની ઓળખ કરવામાં આવી રહી છે. પોલીસ આ કેસમાં આગળની કાર્યવાહી કરી રહી છે.

તમને જણાવી દઈએ કે અનંત સિંહ અને સોનુ મોનુ શરૂઆતથી જ એકબીજાના દુશ્મન હતા. અનંત સિંહ જેલમાંથી મુક્ત થયા પછી, સોનુ-મોનુ અને પૂર્વ ધારાસભ્ય વચ્ચેના સંબંધોમાં સુધારો થયો હતો, પરંતુ આજે બુધવારે ફરી એકવાર વર્ચસ્વને લઈને ઘટના બની છે. આ ગેંગ વોર પાછળનું કારણ હજુ સુધી બહાર આવ્યું નથી. પોલીસ સમગ્ર મામલાની તપાસ કરી રહી છે.

ગેંગસ્ટરમાંથી રાજકારણી બનેલા સિંહે ઘણી વખત મોકામા વિધાનસભા બેઠકનું પ્રતિનિધિત્વ કર્યું હતું. બે વર્ષ પહેલાં તેમના પૂર્વજોના નિવાસસ્થાનમાંથી એક AK-47 રાઇફલ, દારૂગોળો અને બે હેન્ડ ગ્રેનેડ મળી આવ્યા બાદ દાખલ કરાયેલા કેસને લગતા જૂન 2022 માં પસાર થયેલા દોષિત ઠેરવવાના પ્રથમ આદેશ બાદ તેમને ગેરલાયક ઠેરવવામાં આવ્યા છે.

અનંત સિંહની પત્ની નીલમ દેવી 2020 માં આરજેડી ટિકિટ પર મોકામાથી ધારાસભ્ય બની હતી. હાલમાં નીલમ દેવી જેડીયુને ટેકો આપી રહી છે.