BZ ગ્રુપના 6 હજાર કરોડ રૂપિયાના કૌભાંડનો માસ્ટર માઈન્ડ ભૂપેન્દ્ર ઝાલા મહેસાણાથી ઝડપાયો

bhupendraZala

BZ ગ્રુપના કરોડો રૂપિયાના કૌભાંડની તપાસ કરી રહેલી CID ક્રાઈમની ટીમને આજે મોટી સફળતા હાથ લાગી છે. છેલ્લા 1 મહિનાથી ફરાર ભૂપેન્દ્રસિંહ ઝાલાને પોલીસે મહેસાણાના દવાડા ગામની સીમમાંથી ઝડપી લીધો છે.

પ્રાપ્ત વિગતો મુજબ, ગુનો નોંધાયા બાદ ભૂગર્ભમાં ઉતરી ગયેલા ભૂપેન્દ્રસિંહ ઝાલાને ઝડપી પાડવા માટે CID ક્રાઈમની ટીમ સતત શોધખોળ કરી રહી હતી. આ દરમિયાન મહેસાણાના દવાડા ગામેથી ભૂપેન્દ્ર ઝાલાની ધરપકડ કરવામાં આવી છે. ત્યાંથી તેને ગાંધીનગર લાવવામાં આવ્યો હતો. તેમજ તેની પૂછપરછ પણ કરવામાં આવી છે. આરોપી તેના સમાજના લોકોના સંપર્કમાં હતો જેમના કોલ ટ્રેસ કરતા તેનું લોકેશન મળ્યું હતું અને સાંજે 4 વાગ્યે દવાડાથી ઝડપી લેવામાં આવ્યો હતો.

પોલીસની ધરપકડથી બચવા માટે ભૂપેન્દ્રસિંહ ઝાલાએ આગોતરા જામીન માટે અરજી પણ કરી હતી. જો કે ગ્રામ્ય કોર્ટ દ્વારા તેની અરજી ફગાવી દેવામાં આવી હતી. જે બાદ છેલ્લા એક મહિનાથી ભૂગર્ભમાં ઉતરી ગયેલો ભૂપેન્દ્રસિંહ ઝાલા નેપાળથી દુબઈ થઈને કેરેબિયન દેશોમાં ભાગી ગયો હોવાની આશંકા સેવાઈ હતી. આથી કૌભાંડના માસ્ટરમાઈન્ડને ઝડપી પાડવા માટે પોલીસે લુકઆઉટ નોટિસ પણ જાહેર કરવાથી લઈને ટેક્નિકલ સર્વેલન્સના આધારે તપાસ હાથ ધરી હતી.

હકીકતમાં ઉત્તર ગુજરાત અને રાજસ્થાનમાં પોન્ઝી સ્કીમ ચલાવી 6 હજાર કરોડ રુપિયાનું સામ્રાજ્ય ઊભું કરનાર ભાજપના કાર્યકર અને મહાકૌભાંડી ભૂપેન્દ્રસિંહ ઝાલાએ BZ ફાઈનાન્સિયલ સર્વિસના ઓઠા હેઠળ પોન્ઝી સ્કીમ શરૂ કરી હતી. જેમાં રોકાણ કરવા પર 3 વર્ષમાં બમણા નાણાં તેમજ રોકાણ સામે ઊંચા વ્યાજની લાલચ આપીને ગુજરાતના અલગ-અલગ જિલ્લાઓમાંથી લોકો પાસેથી 6 હજાર કરોડ જેટલી માતબર રકમની ઉચાપત કરી હોવાનો આરોપ છે. આ કેસની તપાસ કરી રહેલી CID ક્રાઈમની ટીમે મુખ્ય એજન્ટ મયુર દરજી સહિત 7 જેટલા એજન્ટોની ધરપકડ કરી હતી. આ એજન્ટો દ્વારા ભૂપેન્દ્ર ઝાલા પોતાની સ્કીમમાં રોકાણ લાવતો હતો. આટલું જ નહીં, કરોડોનું રોકાણ લાવનાર એજન્ટોને ભૂપેન્દ્રસિંહ ઝાલા લક્ઝરી કાર ભેટમાં આપતો હતો.

થોડા સમય અગાઉ CID ક્રાઈમ દ્વારા આ કૌભાંડને લઈને ચોંકાવનારા ખુલાસા કરવામાં આવ્યા હતા. જેમાં ભૂપેન્દ્ર ઝાલાની ચાર કંપનીના 16 બેંક એકાઉન્ટમાં રોકાણકારોએ રૂ. 360.72 કરોડનું રોકાણ કર્યું હોવાનું સામે આવ્યું હતુ. જે પૈકી એક જ બ્રાન્ચમાં 52 કરોડ રોકવામાં આવ્યા હતા. જે બાદ CID ક્રાઈમની ટીમે ભૂપેન્દ્ર ઝાલા અને જેલમાં બંધ તેના એજન્ટ મયુર દરજીની કરોડોની સંપતી જપ્ત કરી હતી.

દુબઈ-ગિફ્ટ સિટીમાં ઓફિસ ખોલવાની હતી
સ્કીમમાં જોડાયેલા લોકો કહી રહ્યા છે કે, આ ફંડમાંથી જે પણ મોટી માત્રામાં કમાણી થતી હતી તે પૈકીની સૌથી વધારે રકમની કમાણી ક્રિપ્ટો કરન્સીમાંથી થતી હતી. ભૂપેન્દ્રસિંહ ઝાલાનો ધંધો એટલો ફુલ્યોફાલ્યો હતો કે થોડા સમય પહેલાં જ આણંદમાં જ બ્રાન્ચ ખોલી છે તેમજ પોતાની નવી ઓફિસ દુબઈમાં ખોલવાની તૈયારી કરી રહ્યો હતો. આ ઉપરાંત મળતી માહિતી મુજબ ગિફ્ટ સિટીમાં પણ એક નવી ઓફિસ ખોલવાની ભૂપેન્દ્ર ઝાલા તૈયારી કરતો હતો.

ક્રિકેટરોએ પણ કર્યું હતું રોકાણ
ઝાલાની ઝપેટમાં ભારતીય ક્રિકેટરો પણ આવ્યા હોવાનું સામે આવ્યું હતું. BZ ગ્રુપમાં ક્રિકેટરોએ પણ પૈસાનું રોકાણ કર્યું હોવાનું બહાર આવ્યું હતું. ભારતનાના જાણીતા ક્રિકેટરોએ ઝાલાની સ્કીમમાં લાખો રૂપિયાનું રોકાણ કર્યું હતું. સીઆઈડીની તપાસના ક્રિકેટરોએ પૈસા રોક્યાનું ખૂલ્યું છે. પોલીસ સૂત્રો પાસેથી માહિતી મુજબ અંદાજે 5 જેટલા ક્રિકેટરોએ BZ ગ્રુપમાં રોકાણ કર્યું હતું અને ક્રિકેટરોના નામ પણ સામે આવ્યા છે. 

ભૂપેન્દ્ર ઝાલાના નામે 18થી વધુ કોલેજો
સૌથી મોટી વાત એ છે કે મહાકૌભાંડી ભૂપેન્દ્રના નામે 18થી વધુ કોલેજો ચાલી રહી છે અને કોલેજ સિવાય પણ ભૂપેન્દ્ર ઝાલા અનેક મિલકતોનો માલિક છે. લોકો સાથે કૌભાંડ કરનાર ભૂપેન્દ્ર ઝાલા વૈભવી જીવન જીવી રહ્યો હતો. આ પહેલા ખુલાસો થયો હતો કે ઝાલા સોનાનું મોબાઈલ કવર રાખતો હતો. ક્રાઈમ બ્રાન્ચ દ્વારા આ કેસમાં તપાસ કરવામાં આવી રહી છે.