‘કમળ’ સામે ‘ગુલાબ’ કરમાયુઃ વાવમાં કોંગ્રેસના ગુલાબસિંહને હરાવી સ્વરૂપજી ઠાકોરની 2442 મતથી જીત

swaroopji-thakor-vav

વાવ બેઠક પર ભાજપનો ભગવો લહેરાયોઃ બનાસકાંઠાની વાવ વિધાનસભાની પેટાચૂંટણીનું પરિણામ આવી ગયું છે. કોંગ્રેસના ગુલાબસિંહને હરાવીને ભાજપના સ્વરૂપજી ઠાકોરે 2442 મતથી જીત મેળવી છે. વાવના ઇતિહાસમાં પ્રથમવાર કોઇ ઉમેદવારે આટલી ઓછી લીડથી જીત મેળવી છે.

વાવ વિધાનસભાની પેટાચૂંટણીમાં આ વખતે ભાજપે છેલ્લે છેલ્લે બાજી મારીને કોંગ્રેસનો ગઢ છીનવી લીધો છે. પાલનપુરના જગાણા સ્થિત સરકારી ઈજનેરી કોલેજ ખાતે મતગણતરી હાથ ધરાઇ હતી, જેમાં 23 રાઉન્ડની આ મતગણતરીમાં 20 રાઉન્ડ સુધી આગળ રહેલા કોંગ્રેસના ગુલાબસિંહ રાજપૂતને પછાડીને ભાજપના સ્વરૂપજી ઠાકોરે જીત મેળવી છે. પરિણામ બાદ સ્વરૂપજીનું સ્વરૂપ ભાજપમાં મોટું થઈ ગયું. જીત બાદ તેમણે મતદારોનો આભાર માન્યો. 

લોકોનો જનાદેશ અમે સ્વીકારીએ છીએ : ગુલાબસિંહ

કોંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહ રાજપૂતે પોતાની હાર અંગે જે કારણ આપ્યું એ પણ ચોંકાવનારું છે. તેમનું કહેવું છે કે, ‘ભાભરમાં અમારી ગણતરી કરતા ભાજપને થોડા વધુ વોટ મળ્યા, નોટામાં વધુ વોટ પડ્યા નહીંતો હું નંબર વન હતો. અમારી તુટીને કારણે આ પરિણામ આવ્યું, જ્યાં અમારી ખામી રહી હશે તેને દૂર કરવાના પગલા ભરીશું, લોકોનો જનાદેશ અમે સ્વીકારીએ છીએ.’

ગુલાબસિંહની હારે બનાસકાંઠા જિલ્લામાં યોજાયેલી છેલ્લી ચાર પેટાચૂંટણીનો રાજકીય ઇતિહાસ યથાવત્ રાખ્યો છે. બનાસકાંઠામાં છેલ્લી ચાર પેટાચૂંટણીનાં પરિણામોનો ઇતિહાસ જોઇએ તો જે પક્ષનો સાંસદ બને છે તે પક્ષ તે વિસ્તારની વિધાનસભા બેઠક ગુમાવે છે. આ વખતે 2024ની લોકસભાની ચૂંટણીમાં વાવના કૉંગ્રેસનાં ધારાસભ્ય ગેનીબેન લોકસભા જીત્યાં, પરંતુ ખાલી થયેલી વાવ વિધાનસભા બેઠક કોંગ્રેસે ગુમાવી છે.