ટેસ્ટ મેચના પહેલા દિવસે ભારતે 6 વિકેટ ગુમાવીને 339 રન બનાવ્યા, હસન મહમૂદની 4 વિકેટ
ચેન્નાઈમાં બાંગ્લાદેશ સામેની પ્રથમ ટેસ્ટ મેચના પહેલા દિવસે ભારતે 6 વિકેટ ગુમાવીને 339 રન બનાવ્યા હતા. એક સમયે ટીમે 144 રનમાં 6 વિકેટ ગુમાવી દીધી હતી, પરંતુ અહીંથી રવિન્દ્ર જાડેજા અને રવિચંદ્રન અશ્વિને 195 રનની અણનમ ભાગીદારી કરી હતી. અશ્વિને હોમ ગ્રાઉન્ડ પર સદી ફટકારી હતી, જ્યારે જાડેજા 86 રન બનાવીને નોટઆઉટ રહ્યો હતો.
યશસ્વી જયસ્વાલે 56, રિષભ પંતે 39 અને કેએલ રાહુલે 16 રન બનાવ્યા હતા. રોહિત શર્મા અને વિરાટ કોહલી 6-6 રન બનાવીને આઉટ થયા હતા, જ્યારે શુભમન ગિલ પોતાનું ખાતું પણ ખોલી શક્યો નહોતો. બાંગ્લાદેશ તરફથી હસન મહમૂદે 4 વિકેટ લીધી હતી. મેહદી હસન મિરાજ અને નાહીદ રાણાને 1-1 સફળતા મળી હતી. આવતીકાલે સવારે 9:30 કલાકે બીજા દિવસની મેચનો પ્રારંભ થશે.
અશ્વિનની સદી અને જાડેજાની ફિફ્ટી
રવિચંદ્રન અશ્વિન 102 રન બનાવીને અણનમ પરત ફર્યો હતો. તેણે 74મી ઓવરના ત્રીજા બોલ પર સિંગલ લઈને પોતાની સદી પૂરી કરી. આ તેની ટેસ્ટ કારકિર્દીની છઠ્ઠી સદી છે. જાડેજા 86 રન બનાવીને નોટઆઉટ પરત ફર્યો હતો. જાડેજાની આ 21મી ટેસ્ટ ફિફ્ટી છે. તેણે 68મી ઓવરમાં હસન મહમૂદના પહેલા બોલ પર એક રન લઈને પોતાની અડધી સદી પૂરી કરી હતી.
અશ્વિન-જાડેજાની સદીની ભાગીદારી
રવિચંદ્રન અશ્વિન અને રવિન્દ્ર જાડેજાએ 7મી વિકેટ માટે અણનમ સદીની ભાગીદારી કરી છે. જાડેજાએ 62મી ઓવરમાં નાહિદ રાણાના બોલ પર સિંગલ લઈને સદીની ભાગીદારી કરી હતી. ટીમ ઈન્ડિયાએ 144 રનમાં છઠ્ઠી વિકેટ ગુમાવી દીધી હતી.
જયસ્વાલની 5મી અડધી સદી, પંત સાથે અડધી સદીની ભાગીદારી
ઓપનર યશસ્વી જયસ્વાલે 56 રનની ઇનિંગ રમી હતી. તેણે તેની ટેસ્ટ કારકિર્દીની 5મી ફિફ્ટી ફટકારી હતી. તેણે તસ્કીન અહેમદની બોલ પર ચોગ્ગો ફટકારીને પોતાની અડધી સદી પૂરી કરી હતી. યશસ્વીએ ઋષભ પંત સાથે અડધી સદીની ભાગીદારી કરી હતી.
પ્રથમ સત્રઃ ભારત-બાંગ્લાદેશ ટેસ્ટના પ્રથમ દિવસનું પ્રથમ સત્ર મિશ્ર રહ્યું હતું. પહેલા દિવસના પ્રથમ કલાકમાં બાંગ્લાદેશી પેસરોએ ઉછાળો અને સ્વિંગ કરીને ભારતીય બેટ્સમેનોને દબાણમાં મૂક્યા હતા. હસન મહમૂદે કેપ્ટન રોહિત શર્મા (6 રન), શુભમન ગિલ (0) અને વિરાટ કોહલી (6 રન)ને પેવેલિયન મોકલ્યા હતા. અહીં ભારતીય ટીમનો સ્કોર 35 રન હતો. આવી સ્થિતિમાં જયસ્વાલ અને પંતની ભાગીદારીએ ભારતને પુનરાગમન કરાવ્યું અને લંચ સુધી ટીમનો સ્કોર 88/3 હતો.
બીજું સત્ર: પ્રથમ દિવસનું બીજું સેશન બાંગ્લાદેશના નામે રહ્યું હતું. આ સેશનમાં 3 વિકેટ પડી હતી અને 88 રન થયા હતા, પરંતુ પ્રથમ સેશનમાં ભારત પંત-જયસ્વાલની ભાગીદારીના આધારે વાપસી કરવામાં સફળ રહ્યું હતું. ટી-બ્રેક સુધી ટીમ ઈન્ડિયાએ પ્રથમ દાવમાં 6 વિકેટે 176 રન બનાવ્યા હતા.
ત્રીજું સત્રઃ પ્રથમ દિવસનું ત્રીજું સેશન ભારતના નામે રહ્યું હતું. ટીમે આ સત્રમાં એકપણ વિકેટ ગુમાવ્યા વિના 163 રન બનાવ્યા હતા. અશ્વિને સદી અને જાડેજાએ અડધી સદી ફટકારી હતી.
ભારત: રોહિત શર્મા (કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, શુભમન ગિલ, વિરાટ કોહલી, કેએલ રાહુલ, ઋષભ પંત, રવિચંદ્રન અશ્વિન, રવિન્દ્ર જાડેજા, જસપ્રિત બુમરાહ, આકાશ દીપ અને મોહમ્મદ સિરાજ.
બાંગ્લાદેશ: નઝમુલ હસન શાંતો (કેપ્ટન), શાદમાન ઈસ્લામ, ઝાકિર હસન, મોમિનુલ હક, મુશફિકુર રહીમ, શાકિબ અલ હસન, લિટન દાસ (વિકેટકીપર), મેહિદી હસન મિરાજ, નાહીદ રાણા, હસન મહમૂદ, તસ્કીન અહેમદ.