નરોડા-કૃષ્ણનગરમાં આતંક મચાવનાર કુખ્યાત ધમા બારડને ક્રાઈમ બ્રાન્ચની ટીમે કેવડિયા કોલોની પાસેની હોટલમાંથી ઝડપ્યો

dhama-barad

જે સ્થળે આતંક મચાવતો તે સમગ્ર વિસ્તારમાં હાથ જોડીને પોતાના કૃત્ય બદલ લોકોની માફી માંગી

અમદાવાદના નરોડા અને કૃષ્ણનગર વિસ્તારમાં આતંક મચાવનારા ધમા બારડને ગઈકાલે નર્મદા જિલ્લાના કેવડિયા કોલોની સ્થિત હોટલમાંથી ક્રાઈમ બ્રાન્ચની ટીમે ઝડપી પાડ્યો હતો. નર્મદા જિલ્લાના કેવડિયા કોલોની પાસે આવેલી હોટલમાં સંતાઈને બેઠેલા ધમા બારડ સોમવારે દબોચી લેવામાં આવ્યો છે.

સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ગત 6ઠ્ઠી સપ્ટેમ્બરની મોડી રાત્રે બૂટલેગર કિશોર લંગડાનો પુત્ર અજીતસિંહ પોતાની હોટલ બંધ કરીને કૃષ્ણનગર શ્યામ વિહાર ફ્લેટ નજીક કારમાં આવી રહ્યો હતો ત્યારે એક કારમાં આવેલા શખ્સોએ ડીપર કેમ મારે છે? એમ કહી માર માર્યો હતો અને પછી એક બીજી મોટરકારમાં આવેલા શખ્સોએ તેનું અપહરણ કરી લઈ જઇ ફરીથી માર માર્યો હતો. બીજી તરફ બૂટલેગર પિતા કિશોરભાઇને જાણ થતાં બારડ અને તેની ગેંગને શોધવા માટે અડધી રાત્રે નરોડા અને કૃષ્ણનગર વિસ્તારને બાનમાં લીધો હતો. ખુલ્લી તલવારો અને દંડા લઈને આવેલા લોકોએ વાહનોમાં તોડફોડ કરીને આતંક મચાવ્યો હતો. બારડની ગેંગના વાહનોમાં ભારે તોડફોડ કરી હતી. નરોડા પોલીસે સાત લોકોની ધરપકડ કરી હતી. જ્યારે ફરાર થઈ ગયેલા ધમા બારડની શોધખોળ માટે તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા. જોકે, સમગ્ર ઘટનાના સીસીટીવી સાથેના ફૂટેજ સોસયલ મિડિયામાં વાયરલ થતાં પોલીસ કમિશનરે આ મામલે કાર્યવાહીની સૂચના આપી હતી.

ગઈકાલે રાતે લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમે ચોક્કસ બાતમીના આધારે કેવડિયા કોલોની પાસે આવેલી હોટલમાં છુપાઈને બેઠેલા ધમા બારડને દબોચી લીધો હતો. જે બાદ આજે સવારે કૃષ્ણનગર પોલીસે ધમા બારડને પોતાની સાથે રાખીને ઘટનાની શરૂઆતથી અંત સુધીના સ્થળે લઈ જઈને રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતુ. આ દરમિયાન ધમા બારડ પોલીસ આગળ ઘૂંટણિયે પડ્યો હતો. આટલું જ નહીં, ધમા બારડ વ્યવસ્થિત ચાલી પણ નહતો શકતો અને લથડિયા ખાતો હતો. જે બાદ આજે ઘટના સ્થળે રિકન્સ્ટક્શન માટે પોલીસ લઈને આવી ત્યારે સમગ્ર વિસ્તારમાં ધમા બારડ હાથ જોડીને પોતાના ગુનાની લોકો સામે માફી માંગતો જોવા મળ્યો હતો.

ધમા બારડ વિરુદ્ધ 22થી પણ વધુ ગુના કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં નોંધાઈ ચૂક્યા છે ત્યારે નરોડા પોલીસ સ્ટેશનમાં પણ પ્રોહિબિશન, મારમારી, લૂંટ, ફાયરિંગ, સહિતના ગુનાઓ નોંધાયા છે. અમદાવાદ પોલીસ દ્વારા ધમા બારડને કોર્ટમાં રજૂ કરીને રિમાન્ડની માંગણી કરવામાં આવી છે.