રિઝર્વ બેંકે UPI સંબંધિત નવી સેવા શરૂ કરવાની જાહેરાત કરી
જેની પાસે બેંક અને UPI ખાતું છે તે UPI સર્કલ બનાવી શકે છે, જે લોકો આમાં જોડાશે તેઓ UPI પેમેન્ટ કરી શકશે.
ભારતમાં ડિજિટલ અર્થવ્યવસ્થાને આગળ લઈ જવામાં સૌથી ઉપયોગી સાધન સાબિત થયેલી UPI સેવા હવે વધુ મજેદાર બનવા જઈ રહી છે. હવે તમે એક જ UPI IDનો ઉપયોગ એક કરતા વધુ મોબાઈલમાં કરીને પેમેન્ટ કરી શકો છો. રિઝર્વ બેંકે UPI સંબંધિત નવી સેવા શરૂ કરવાની જાહેરાત કરી છે, જેના દ્વારા હવે સમગ્ર પરિવાર એકસાથે UPIનો ઉપયોગ કરી શકશે.
રિઝર્વ બેંકના ગવર્નર શક્તિકાંત દાસે MPCની બેઠક બાદ જારી નિવેદનમાં UPIની નવી સેવા વિશે માહિતી આપી હતી. તેમણે જણાવ્યું કે MPCએ UPI દ્વારા ટેક્સ પેમેન્ટની મર્યાદા 1 લાખ રૂપિયાથી વધારીને 5 લાખ રૂપિયા કરવાનો નિર્ણય લીધો છે. આ સિવાય ડેલિગેટેડ UPI પેમેન્ટ શરૂ કરવાનો પણ નિર્ણય લેવામાં આવ્યો છે.
સરકારે UPI એપમાં એક નવું ફીચર ‘UPI સર્કલ Delegate Payment સર્વિસ’ લોન્ચ કર્યું છે. જેના દ્વારા તમે તમારી UPI એપ્લિકેશનમાં અન્ય વ્યક્તિઓને એડ કરી શકો છો. તેમાં એડ કરેલ તમામ લોકો તમારા બેંક ખાતામાંથી UPI ચુકવણી કરી શકશે. તેના દ્વારા વધુમાં વધુ 15 હજાર રૂપિયા સુધીનું ટ્રાન્ઝેક્શન કરી શકાય છે.
કેવી રીતે કામ કરશે ?
ધારો કે અત્યારે તમારી પાસે UPI ખાતું છે, જેની સાથે તમારું બેંક ખાતું જોડાયેલ છે. તમે માતાપિતા છો અને તમારા બાળકની કૉલેજ ફી અને અન્ય જરૂરી ખર્ચાઓ ચૂકવો છો. અથવા તો તમે એવા બિઝનેસ ઓનર છો જે તેના કર્મચારીઓને નાની રકમ રોકડમાં આપવા માંગતા નથી. તો તમે UPI સર્કલ દ્વારા અન્ય વ્યક્તિને એક લિમીટ સુધી તેમારા બેંક એકાઉન્ટનું એક્સેસ આપી UPI પેમેન્ટ કરવાની સુવિધા આપી શકો છો. તમે જે વ્યક્તિને UPI સર્કલમાં જોડશો તે વ્યક્તિ સેકન્ડરી યુઝર હશે અને તમે પ્રાઈમરી યુઝર હશો.
ફુલ ડેલિગેશન અને પાર્શિયલ ડેલિગેશન વચ્ચે શું ફરક?
ફુલ ડેલિગેશન હેઠળ, પ્રાઈમરી યુઝર તેના તમામ સેકન્ડરી યુઝરને એક લિંમીટ સુધી સુધી ટ્રાન્ઝેક્શન કરવા માટે મંજૂરી આપે છે. UPI સર્કલમાં તેની મેક્સિમમ લિમીટ 15,000 રૂપિયા છે. જો કે, તે એક સમયે વધુમાં વધુ રૂ. 5000 સુધીનું ટ્રાન્ઝેક્શન કરી શકશે.
પાર્શિયલ ડેલિગેશનમાં, પ્રાઈમરી યુઝર તેના સેકન્ડરી યુઝરને ચુકવણી પ્રક્રિયા શરૂ કરવાની મંજૂરી આપે છે. જો કે, પેમેન્ટ ત્યારે જ થશે જ્યારે પ્રાઈમરી યુઝર UPI પિન નાંખે. આમાં, ચુકવણીની મેક્સિમમ લિમીટ સંપૂર્ણ ટ્રાન્ઝેક્શન એટલે કે રૂ. 15,000 જેટલી છે.
- પ્રાઈમરી યુઝર જેની પાસે બેંક અને UPI ખાતું છે તે UPI સર્કલ બનાવી શકે છે. જે લોકો આમાં જોડાશે તેઓ UPI પેમેન્ટ કરી શકશે.
- આ સુવિધા દ્વારા, વિવિધ સ્થળોએ રહેતા લોકો એક જ ખાતામાંથી UPI પેમેન્ટ કરી શકશે. ઈમરજન્સીની સ્થિતિમાં અથવા એકાઉન્ટના અભાવે તમે તેનો મહત્તમ લાભ મેળવી શકો છો.
- પ્રાઈમરી યુઝર પાસે તમામ સેકન્ડરી યુઝર પરનો સંપૂર્ણ નિયંત્રણ હશે. તેની મંજુરી વિના કોઈપણ સેકન્ડરી યુઝર પેમેન્ટ કરી શકશે નહીં.
- સેકન્ડરી યુઝર માટે બેંક ખાતું હોવું જરૂરી નથી, જેમની પાસે બેંક એકાઉન્ટ નથી તે પણ ઉપયોગ કરી શકશે.
- સેકન્ડરી યુઝર માત્ર વેપારી અને પર્સનલ ટ્રાન્ઝેક્શન જ કરી શકે છે. ઓટો-પે અથવા લાઈટ ટ્રાન્ઝેક્શન UPI સર્કલ દ્વારા કરી શકાતા નથી.
- UPI સર્કલમાં પ્રાઈમરી યુઝર તરીકે, તમે બધા સેકન્ડરી યુઝર માટે અલગ-અલગ પેમેન્ટ લિમિટ સેટ કરી શકો છો.
- સરકારે તેને તમામ UPI એપ્સ માટે બનાવ્યું છે. જો તે તમારી એપ્લિકેશનમાં ઉપલબ્ધ નથી, તો તે ટૂંક સમયમાં અપડેટ કરવામાં આવશે.