દક્ષિણ આફ્રિકાએ સેમિફાઇનલ મેચમાં અફઘાનિસ્તાનને 9 વિકેટે હરાવીને T20 વર્લ્ડ કપની ફાઇનલમાં જગ્યા બનાવી લીધી
પ્રથમ વખત છે કે આફ્રિકાની ટીમ T20 વર્લ્ડ કપની ફાઇનલમાં પહોંચી છે, આ સાથે ટીમે ઇતિહાસ પણ રચ્યો છે.
દક્ષિણ આફ્રિકાએ T20 વર્લ્ડ કપ 2024ની ફાઈનલ માટે પોતાનું નામ નોંઘાવી લીધું છે. ગુરુવારે રમાયેલી સેમિફાઇનલ મેચમાં અફઘાનિસ્તાનને 9 વિકેટે હરાવીને T20 વર્લ્ડ કપની ફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે. તમને જણાવી દઈએ કે આ પ્રથમ વખત છે જ્યારે આફ્રિકાની ટીમ ટી20 વર્લ્ડ કપની ફાઇનલમાં પહોંચી છે, આ સાથે ટીમે ઇતિહાસ પણ રચ્યો છે. પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી અફઘાન ટીમ માત્ર 56 બોલમાં જ તુટી પડી હતી જેના જવાબમાં આફ્રિકન ટીમે સરળતાથી લક્ષ્યનો પીછો કરી લીધો હતો.
આફ્રિકા તરફથી રીઝા હેન્ડ્રિક્સે 29 રન બનાવ્યા હતા. જ્યારે કેપ્ટન એડમ મેકક્રમે 23 રન બનાવ્યા હતા. આ બંને ખેલાડીઓ અંત સુધી અણનમ રહ્યા અને માત્ર 8.5 ઓવરમાં લક્ષ્યનો પીછો કરી લીધો. ટીમની શરૂઆત ખૂબ જ ખરાબ રહી હતી. ક્વિન્ટન ડી કોક માત્ર 5 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો ત્યારે તેને ફઝલહક ફારૂકીએ પોતાનો શિકાર બનાવ્યો હતો.
આ સાથે અફઘાનિસ્તાનના કેપ્ટન રાશિદ ખાને ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો જે પાછળથી ખોટો સાબિત થયો હતો. ટીમના બેટ્સમેનો ખરાબ રીતે ફ્લોપ રહ્યા હતા અને કોઈપણ ખેલાડી સારુ પ્રદર્શન કરી શક્યો નહોતો. અઝમતુલ્લા ઉમરઝાઈ બે અંક સુધી પહોંચનાર એકમાત્ર ખેલાડી હતો, તેણે 10 રન બનાવ્યા હતા. જ્યારે રહેમાનુલ્લા ગુરબાઝ, નૂર અહેમદ અને મોહમ્મદ નબી પોતાનું ખાતું પણ ખોલાવી શક્યા નથી. આ કારણે અફઘાનિસ્તાનની ટીમ પૂરી 20 ઓવર પણ ન રમી શકી અને માત્ર 56 રન બનાવી શકી. આ T20 વર્લ્ડ કપ સેમિફાઇનલમાં કોઈપણ ટીમ દ્વારા બનાવવામાં આવેલો સૌથી ઓછો સ્કોર છે.
બીજી તરફ દક્ષિણ આફ્રિકાના બોલરોનું પ્રદર્શન પ્રશંસનીય રહ્યું હતું. માર્કો જેસને 3 ઓવરમાં 16 રન આપીને 3 વિકેટ લીધી હતી. તબરેઝ શમ્સીએ પણ ત્રણ વિકેટ પોતાના નામે કરી હતી. કાગીસો રબાડા અને એનરિક નોરખિયાએ 2-2 વિકેટ લીધી હતી.