ખેડા જિલ્લાકક્ષાની યોગ દિવસની ઉજવણીમાં 2000 જેટલા લોકો યોગાભ્યાસ કરી નિરામય જીવન જીવવા માટ કટિબદ્ધ થયા

Kheda District Level Yoga Day Celebration

સાંસદ દેવુસિંહ ચૌહાણે જિલ્લાવાસીઓને આંતરાષ્ટ્રીય યોગ દિવસની શુભેચ્છાઓ પાઠવી

ખેડા સાંસદ દેવુસિંહ ચૌહાણની મુખ્ય ઉપસ્થિતિમાં નડિયાદ સ્પોર્ટસ કોમ્પલેક્ષ ખાતે જિલ્લા કક્ષાનો આંતરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવણી કાર્યક્રમ યોજાયો હતો. જેમાં જિલ્લા કલેકટર શ્રી અમિત પ્રકાશ યાદવ તથા જિલ્લાના તમામ ઉચ્ચ અધિકારીઓ સહિત અંદાજિત 2000 જેટલા લોકોએ જોડાઈને યોગાભ્યાસ કર્યા હતા. યોગ દિવસ ઉજવણી કાર્યક્રમ અંતર્ગત ઉપસ્થિત સૌએ 45 મિનટ સુધી તાડાસન, અર્ધચક્રાસન સહિત વિવિધ આસનો, પ્રાણાયમ અને ધ્યાન કરી નિરામય જીવનની દિશામાં આગળ વધવા કટિબદ્ધ થયા હતા.

જિલ્લા કક્ષાની યોગ દિવસ ઉજવણી ના કાર્યક્રમ અંતર્ગત શ્રીનગરથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને નડાબેટથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના કાર્યક્રમનું જીવંત પ્રસારણ નિહાળવામાં આવ્યું હતું.

સ્વયં અને સમાજ માટે યોગ થીમ અંતર્ગત યોજાયેલ આંતરરાષ્ટ્રીય યોગ દિવસના કાર્યક્રમ પ્રસંગે ખેડા જિલ્લા સાસંદ દેવુસિંહ ચૌહાણે 10માં આંતરાષ્ટ્રીય યોગ દિવસની સૌને શુભેચ્છાઓ આપી હતી. સાંસદએ જણાવ્યું હતું કે યોગ પરંપરા ભારતીય સંસ્કૃતિની અમૂલ્ય વિરાસત છે. નિરંતર યોગાભ્યાસ દ્વારા તન, મનની તંદુરસ્તી સાથે સમાજ-ઉત્કર્ષની દિશામાં આગળ વધવા દેવુસિંહે ઉપસ્થિત સૌને અપીલ કરી હતી. સાથે જ, યોગ પરંપરાને આંતરાષ્ટ્રીય સ્તરે ખ્યાતિ અને ગૌરવ અપાવવાના વડાપ્રધાનના સફળ પ્રયત્નને તેમણે બિરદાવ્યો હતો. વધુમાં, તેમણે ઉમેર્યુ હતું કે આજે ગુજરાત રાજ્ય યોગ બોર્ડના માધ્યમથી રાજ્યના છેવાડાના માણસ સુધી યોગ અને નિરામય જીવનનો સંદેશો પહોંચાડવા મક્કમતાથી કાર્ય કરી રહી છે. ત્યારે સરકારના જનઆરોગ્યની સુખાકારીના ઉત્તમ પ્રયાસમાં તમામને ઉત્સાહપુર્વક સહભાગી થવા સાંસદ દેવુસિંહ ચૌહાણે અપીલ કરી હતી.

આ કાર્યક્રમમાં જિલ્લા કલેકટર શ્રી અમિત પ્રકાશ યાદવ, જિલ્લા વિકાસ અધિકારી શ્રી એસ. ડી. વસાવા, જિલ્લા પોલીસ અધિક્ષક રાજેશ ગઢીયા, નડિયાદ નગર પાલિકા પ્રમુખ મતી કિન્નરીબેન શાહ, જિલ્લા પોલીસ અધિક્ષક (એસઆરપીએફ) અતુલ બંસલ, અધિક નિવાસી કલેક્ટરશ્રી ભરત જોષી, એપીએમસી ચેરમેન અપૂર્વ પટેલ, જિલ્લાના તમામ ઉચ્ચ અધિકારીઓ, પોલીસ જવાનો, શાળા-કોલેજના યુવાનો, સ્પોર્ટસ કોમ્પલેક્ષના રમતવીરો, યોગ માસ્ટર ટ્રેનર્સ, ગૃહિણીઓ સહિત મોટી સંખ્યામાં નગરજનો સહભાગી થયા હતા.

નોંધનીય છે કે આજે આંતરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવણી કાર્યક્રમ અંતર્ગત ખેડા જિલ્લામાં જિલ્લામાં તમામ તાલુકાઓ અને નગરપાલિકામાં પણ સમાંતરે યોગ દિવસ ઉજવણીના કાર્યક્રમ યોજાયા હતા.