કુવૈત અગ્નિકાંડઃ મૃતકોના પરિવારજનોને પીએમ રિલીફ ફંડમાંથી 2 લાખ રૂપિયાની સહાય, મૃતદેહોને એરફોર્સના વિમાનથી વતન લવાશે

kuwait-fire-modi

કેરળ સરકાર દ્વારા મૃતકોનાં પરિવારજનોને 5-5 લાખ રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવશે

કુવૈતના મંગફ શહેરમાં બુધવારે સવારે એક બહુમાળી ઈમારતમાં લાગેલી આગમાં 41 ભારતીયોના મોત થયા છે. જો કે, આ ભયાનક આગમાં કુલ 49 વિદેશી કામદારોના મોત થયા છે. ઘાયલ થયેલા 50 લોકોમાં મોટાભાગના પણ ભારતીયો જ છે. આગ સૌ પ્રથમ ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલા કિચનમાં લાગી હતી અને ત્યાર બાદ આખી ઈમારત આગની ઝપેટમાં આવી ગઈ હતી.

આ આગની ઘટનાએ દેશ સહિત સમગ્ર વિશ્વને હચમચાવી નાખ્યું છે. કુવૈતના અમીર શેખ મેશાલ અલ-અહમદ અલ-જાબેર અલ-સબાહે અધિકારીઓને આગની તપાસ કરવાનો આદેશ આપ્યો હતો અને કહ્યું હતું કે જેણે આ દુર્ઘટના સર્જી તેમને જવાબદાર ગણવામાં આવશે. કુવૈતના ગૃહમંત્રી શેખ ફહદ અલ-યુસેફે આ ઘટના માટે બિલ્ડિંગના માલિકને જવાબદાર ઠેરવ્યા છે અને તેની ધરપકડના આદેશ આપ્યા છે.

https://x.com/indembkwt/status/1800832583141613809

આ આગની ઘટનાને લઈને પીએમ મોદીએ ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી. આ બેઠકમાં વિદેશ મંત્રી સહિત પીએમઓના અધિકારીઓ હાજર રહ્યા હતા. પીએમ મોદીએ આ ઘટના પર કહ્યું કે કુવૈત શહેરમાં આગની ઘટના ખૂબ જ દુઃખદ છે. હું મૃતકના પરિવાર અને મિત્રો પ્રત્યે સંવેદના વ્યક્ત કરું છું. હું ઘાયલ લોકોના ઝડપથી સ્વસ્થ થવાની કામના કરું છું. પીએમ મોદીએ બચાવ કામગીરીની સમીક્ષા પણ કરી હતી અને પીએમ રિલીફ ફંડમાંથી મૃતકોના પરિવારજનોને 2 લાખ રૂપિયાની સહાયની જાહેરાત કરવામાં આવી હતી. પીએમ મોદીના આદેશ બાદ વિદેશ રાજ્ય મંત્રી કીર્તિ વર્ધન સિંહ કુવૈત પહોંચી ગયા છે.

કુવૈત આગમાં માર્યા ગયેલા ભારતીયોના મૃતદેહોને પરત લાવવા માટે ભારતીય વાયુસેનાનું વિમાન C-130J મોકલવામાં આવ્યું હતું. ઘણા મૃતદેહોની ઓળખ થઈ શકી નથી. વિદેશ રાજ્યમંત્રી કીર્તિ વર્ધન સિંહ કુવૈત પહોંચી ગયા છે. ઘાયલ ભારતીયોની ખબર પૂછવા માટે તેઓ જાબેર હોસ્પિટલ પહોંચ્યા હતા અને દાખલ કરાયેલ 6 ઘાયલોને મળ્યા, જેમની હાલતમાં હાલ સુધારો થઈ રહ્યો છે. તેમણે તેમને ભારત સરકાર તરફથી શક્ય તમામ મદદની ખાતરી આપી હતી.

વિદેશ મંત્રી જયશંકરે પણ જીવ ગુમાવનારા લોકોના પરિવારો પ્રત્યે ઊંડી સંવેદના વ્યક્ત કરી છે. ભારતીય દૂતાવાસે ઇમરજન્સી હેલ્પલાઇન નંબર +965-65505246 પણ જારી કર્યો છે. કેરળ સરકારે કુવૈત દુર્ઘટનાને ધ્યાનમાં રાખીને ઈમરજન્સી કેબિનેટ બેઠક બોલાવી છે. બેઠકમાં મૃતદેહોને પરત લાવવા અને રાહત પ્રયાસોનું સંકલન કરવા ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકની અધ્યક્ષતા મુખ્યમંત્રી પિનરાઈ વિજયને કરી હતી.

કેરળ સરકારે નિર્ણય લીધો છે કે રાજ્યના આરોગ્યપ્રધાન વીણા જ્યોર્જ કુવૈત જશે અને લોકોની સારવાર અને મૃતકોના મૃતદેહોને ભારત પરત લાવવાના પ્રયાસોનું સંકલન કરશે.

કેરળ સરકારે માર્યા ગયેલા રાજ્યના લોકોને વળતરની જાહેરાત કરી છે. કેરળ સરકારનું કહેવું છે કે મૃતકોના પરિવારજનોને 5-5 લાખ રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવશે. વાસ્તવમાં, કુવૈતમાં લાગેલી આગમાં કેરળના 24 લોકોનાં મોત થયા છે. ઘણા મૃતદેહોની ઓળખ થઈ રહી નથી. ડીએનએ ટેસ્ટ રિપોર્ટ આવ્યા બાદ જ તે મૃતદેહો ભારત લાવવામાં આવશે.