ડેરા મેનેજર રણજીત સિંહ હત્યા કેસમાં રામ રહીમ નિર્દોષ જાહેર કરાયો, હાઈકોર્ટે CBI કોર્ટના નિર્ણયને કર્યો રદ

ram-rahim

CBI કોર્ટે રામરહીમ અને અન્ય 4 આરોપીઓને આજીવન કેદની સજા સંભળાવી હતી

પંજાબ અને હરિયાણા હાઈકોર્ટે ડેરા મેનેજર રણજિત સિંહની હત્યાકાંડમાં ડેરા સચ્ચા સૌદા ચીફ રામરહીમને નિર્દોષ જાહેર કર્યો છે. CBI કોર્ટે રામરહીમ સહિત 5 આરોપીઓને આજીવન કેદની સજા સંભળાવી હતી. હાઈકોર્ટે CBI કોર્ટના આ નિર્ણયને રદ કર્યો છે. જો કે પત્રકાર હત્યા કેસ અને સાધ્વી રેપ કેસમાં રામરહીમ હજુ જેલમાં જ રહેશે.

ડેરા સચ્ચા સૌદાના પ્રમુખ ગુરમીત રામ રહીમને પંજાબ અને હરિયાણા હાઈકોર્ટે રણજીત સિંહ મર્ડર કેસમાં નિર્દોષ જાહેર કર્યો છે. હાઈકોર્ટે આ કેસમાં CBIની વિશેષ અદાલતે આપેલા ચુકાદાને રદ કર્યો હતો અને રામ રહીમ અને અન્ય ચારને નિર્દોષ જાહેર કર્યા છે. 18 ઓક્ટોબર, 2021ના રોજ પંચકુલાની વિશેષ CBI કોર્ટે રણજીત સિંહ હત્યા કેસમાં ડેરા સચ્ચા સૌદાના પ્રમુથ ગુરમીત રામ રહીમ અને અન્ય ચાર દોષિતોને આજીવન કેદની સજા સંભળાવી હતી.

ગુરમીત રામ રહીમ પર 31 લાખ રૂપિયાનો દંડ પણ લગાવવામાં આવ્યો છે. તમામ ગુનેગારોને વિવિધ કલમો હેઠળ સજા ફટકારવામાં આવી હતી. CBIએ ગુરમીત રામ રહીમને ફાંસીની સજાની માંગ કરી હતી, પરંતુ કોર્ટે તેને આજીવન કેદની સજા ફટકારી હતી. બીજી તરફ ગુરમીત રામ રહીમના વકીલ અજય વર્મને કહ્યું હતું કે, તેઓ આ નિર્ણયને પંજાબ અને હરિયાણા હાઈકોર્ટમાં પડકારશે.

ડેરા પ્રમુખ ગુરમીત રામ રહીમે સીબીઆઈ કોર્ટના નિર્ણયને હાઈકોર્ટમાં પડકાર્યો હતો. આજે હાઈકોર્ટના જસ્ટિસ સુરેશ્વર ઠાકુર અને જસ્ટિસ લલિત બત્રાની ડિવિઝન બેંચે તેમને નિર્દોષ જાહેર કર્યા હતા. પરંતુ રામ રહીમ પત્રકાર રામચંદ્ર છત્રપતિ હત્યા અને બળાત્કારના કેસમાં દોષી છે. આવી સ્થિતિમાં તે જેલમાંથી બહાર નહીં આવી શકે તે સ્પષ્ટ છે. રામ રહીમ હાલ રોહતકની સુનારિયા જેલમાં બંધ છે.

ઉલ્લેખનિય છે કે, 10 જુલાઈ 2002ના રોજ કુરુક્ષેત્રના ખાનપુર કોલિયામાં રણજીત સિંહની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી.