બંગડીઓ પહેરવા તૈયાર રહેજો… પદ્મિની બાએ સંકલન સમિતિના સભ્યોને આપી ચેતવણી, રાહુલ પાસે પણ માફી મંગાવી જોઈએ

padminiba

જો આંદોલન નિષ્ફળ ગયું અને ભાજપ જીતી ગયો તો સંકલન સમિતિના સભ્યો સમજી લે કે પાંચેય સભ્યોને હું બંગડી પહેરાવીશ

ક્ષત્રિય સમાજની બેન-દીકરીઓ અંગે પરશોત્તમ રૂપાલાની ટિપ્પણીથી નારાજ ક્ષત્રિય સમાજનાં આંદોલનને વેગ આપવા માટે ઉપવાસ કરનાર પદ્મિની બા વાળાએ હવે ક્ષત્રિય સમાજની સંકલન સમિતિના સભ્યો સામે જ આંગળી ચીંધી છે. આજે ક્ષત્રિય મહિલા આગેવાન પદ્મિનીબા વાળાએ પત્રકાર પરિષદમાં ક્ષત્રિય સંકલન સમિતિ સામે ગંભીર આરોપ લગાવ્યા હતા અને કહ્યું હતું કે, ક્ષત્રિય સંકલન સમિતિ કોંગ્રેસની B ટીમ છે.

પદ્મિની બાએ સંકલન સમિતિ પર આક્ષેપ કરતા કહ્યું હતું કે જે લોકો સમાજનો ઝંડો લઈને નીકળ્યા છે તેમણે રાહુલ ગાંધી પાસે માફી મંગાવી જોઈએ. રુપાલા ત્રણ વખત માફી માંગે તો રાહુલ ગાંધી પાસે પણ માફી મંગાવો. આ સાથે જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના પણ તેમણે વખાણ કર્યા હતા અને કહ્યું હતું કે આજે હિન્દુત્વ ને લઈને મોદી સાહેબે કરેલા કામ ભૂલવા ન જોઈએ.

પદ્મિની બાએ ચોખ્ખા શબ્દોમાં કહ્યું કે સંકલન સમિતિ ફક્ત સમાજને ગેરમાર્ગે દોરવાનું કામ કરી રહ્યા છે. ચાર-પાંચ લોકો જ પોતાની ઈચ્છા અનુસાર સમિતિનું સંચાલન કરી રહ્યા છે. ગામે-ગામે ક્ષત્રિયો હેરાન થઈ રહ્યા છે. ચૂંટણી બાદ આ સમિતિનું કોઈ મહત્ત્વ નહીં રહે. હું આ આંદોલનમાં સંકલન સમિતિની સાથે નથી. આજે પદ્મિનીબા વાળાએ પ્રધાનમંત્રીના વખાણ કર્યા હતા અને સંકલન સમિતિના સભ્યોને બંગડી પહેરાવવાની વાતો કરી રહ્યા છે.

પદ્મિની બા વાળાએ સંકલન સમિતિ સામે જ સવાલો ઊઠાવવાની શરૂઆત કરી છે. પદ્મિની બાએ આકરો સવાલ કરતાં પૂછ્યું કે શું કોઈ મને કહેશે કે જ્યારે રૂપાલા ફોર્મ ભરી રહ્યા હતા ત્યારે આ લોકો ક્યાં જઈને સૂઇ ગયા હતા? પોતાના આકરા મિજાજ અનુસાર જ તેમણે સંકલન સમિતિના સભ્યો સામે ચેતવણી ઉચ્ચારી હતી. તેમણે કહ્યું કે જો રાજપૂતોની આબરુ જશે તો સંકલન સમિતિના સભ્યો બંગડીઓ પહેરવા તૈયાર રહે. ક્ષત્રિય મહિલા અગ્રણી પદ્મિની બાએ પોતાના નિવેદન દરમિયાન જણાવ્યું હતું કે, જો આંદોલન નિષ્ફળ ગયું અને ભાજપ જીતી ગયો તો તે પી ટી જાડેજા, રમજુ જાડેજા અને કરણસિંહને બંગડી પહેરાવશે. પદ્મિની બાએ જો આંદોલન નિષ્ફળ જાય તો સંકલન સમિતિના પાંચ સભ્યોને બંગડી પહેરાવવાની વાત કરી હતી. તેમણે ત્રણ લોકોના સ્પષ્ટ નામ આપ્યા હતા. ક્ષત્રિય સમાજની સંકલન સમિતિમાં પી.ટી જાડેજા, રમજુ જાડેજા, કરણ સિંહ સહિત અન્ય દિગ્ગજ આગેવાનો સામેલ છે.

નોંધનીય છે કે, ક્ષત્રિય સમાજનાં આદોલનમાં ચારેકોરથી ભાજપને હરાવવા માટે પ્રયાસ કરી રહ્યો છે ત્યારે ભાજપને તેનાથી કોઇ વધારે ફેર ન પડતો હોય તેવું દેખાઈ રહ્યું છે.