લદ્દાખને છઠી અનુસૂચીમાં સામેલ કરવા અને રાજ્યનો દરજ્જો આપવા સહિતની અન્ય માંગોને લઈને આંદોલન ચાલી રહ્યું છે. આ શ્રેણીમાં વાંગચુકે 21 દિવસના ઉપવાસ રાખ્યા હતા. લેહમાં મંગળવારે પર્યાવરણવિદ સોનમ વાંગચુકે પોતાના 21 દિવસીય જળવાયુ ઉપવાસ પૂર્ણ કર્યા. નાની બાળકીના હાથે જ્યૂસ પીને તેમણે ઉપવાસ પૂર્ણ કર્યો. આ દરમિયાન હજારોની સંખ્યામાં લોકો આંદોલન સ્થળે પહોંચ્યા અને માંગોના સમર્થનમાં ખુબ નારેબાજી કરી. સોનમ વાંગચુકે કહ્યું કે, હવે મહિલાઓ અનશન શરૂ કરશે અને ત્યારબાદ ફરીથી તેને અન્ય લોકોની સાથે આગળ વધારાશે. આ અનશન ત્યાં સુધી શરૂ રહેશે, જ્યાં સુધી તેમની માંગો પૂર્ણ નહીં કરવામાં આવે. આ દરમિયાન તેમને દેશભરથી લોકોનું સમર્થન મળ્યું.
સોનમ વાંગચુક બાદ હવે લેહમાં બૌદ્ધ, મુસ્લિમ (શિયા, સુન્ની) અને ઈસાઈ સંગઠનોની મહિલા પ્રતિનિધિ અનશન શરૂ કરવા જઈ રહી છે. કારગિલમાં પણ કારગિલ ડેમોક્રેટિક એલાયન્સ તરફથી અનશન કરાઈ રહ્યું છે. ત્યાં પણ મોટી સંખ્યામાં લોકો અનશનમાં સામેલ થઈ રહ્યા છે.