તારીખ 4 એપ્રિલ 2024 થી 30 એપ્રિલ 2024 સુધી પોલીસ ભરતીના ફોર્મ ઓનલાઈન ભરી શકાશે
ગુજરાત પોલીસમાં નોકરી માટે તૈયારી કરતા ઉમેદવારો માટે મહત્વના સમાચાર આવ્યા છે. રાજ્યમાં થોડા દિવસ પહેલા ગુજરાત સરકાર દ્વારા 12,472 જગ્યાઓ પર પોલીસ ભરતીની જાહેરાત કરવામાં આવી હતી. આજ રોજ ગુજરાત પોલીસ વિભાગની પો.સ.ઇ. કેડરની બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેકટર તથા લોકરક્ષક કેડરની બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ, હથિયારી પોલીસ કોન્સ્ટેબલ, હથિયારી પોલીસ કોન્સ્ટેબલ (એસ.આર.પી.એફ.) અને જેલ સિપોઇ વર્ગ-3 સંવર્ગની કુલ: 12472 ભરતી માટે ઓનલાઇન અરજીઓ મંગાવવામાં માટે ફોર્મ ભરવાની તારીખ જાહેર કરાઈ છે. જે મુજબ તારીખ 4 એપ્રિલ 2024ના દિવસે બપોરે 3 વાગ્યાથી ઓનલાઈન અરજી કરી શકાશે.
પોલીસ વિભાગમાં મોટી ભરતીઓ માટે વિસ્તૃત વિગત સાથે નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે. આગામી ૪ એપ્રિલ થી ૩૦ એપ્રિલ દરમિયાન પોલીસ ભરતી ને લઈ અરજી કરી શકાશે. પોલીસ બોર્ડ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, ભરતી નિયમો અને પરીક્ષા નિયમોની પ્રવર્તમાન જોગવાઇઓ મુજબ લાયકાત પરિપૂર્ણ કરતા અને ઇચ્છા ધરાવતા ઉમેદવારોએ તા.04/04/2024 (બપોરના 15:00 કલાક)થી તા.30/04/2024 (રાત્રિના 23:59 કલાક સુધી) કાળજીપૂર્વક ઓનલાઈન અરજી કરવાની રહેશે.
ઓનલાઈન અરજી કેવી રીતે કરી શકાશે?
પોલીસ ભરતી બોર્ડ ધ્વારા ભરતી અંગેની તમામ સુચનાઓ (જાહેરાત) અને ઓનલાઇન અરજી સ્વીકારવાનો સમયગાળો હવે પછી https://ojas.gujarat.gov.in વેબસાઇટ ઉપર અપલોડ કરવામાં આવનાર છે. આ તમામ સુચનાઓ (જાહેરાત) કાળજીપુર્વક વાંચી નિયમોની પ્રવર્તમાન જોગવાઇઓ મુજબ લાયકાત પરીપૂર્ણ કરતા અને ઇચ્છા ધરાવતા ઉમેદવારોએ https://ojas.gujarat.gov.in વેબસાઇટ પર જઇ ઓનલાઇન અરજી કરવાની રહેશે.
લોકરક્ષક માટે ધોરણ-12 પાસ હોવું અનિર્વાય છે. જ્યારે બિન હથિયારી પોલીસ સબ ઈન્સપેક્ટર માટે ગ્રેજ્યુએટ ઉમેદવાર અરજી કરી શકશે. આ સાથે જ મહત્તમ ઉંમર લોકરક્ષક માટે 33 વર્ષ છે, જ્યારે પોલીસ સબ ઈન્સપેક્ટર માટે મહત્તમ ઉંમર 35 વર્ષ રાખવામાં આવી છે. જેમાં અનામત ઉમેદવાર માટે ઉંમર અંગે વિવિધ છૂટછાટ પણ આપવામાં આવી છે.
સબ-ઈન્સ્પેકટર સંવર્ગોની પરીક્ષા પહેલા (૧) શારીરિક કસોટી, (૨) પ્રિલીમ પરીક્ષા તથા (૩) મુખ્ય પરીક્ષા એમ ત્રણ તબક્કામાં લેવામાં આવતી હતી. જેના બદલે હવે (૧) શારીરિક કસોટી અને (૨) મુખ્ય પરીક્ષા એમ બે તબક્કામાં જ લેવામાં આવશે. પહેલા સબ-ઈન્સ્પેકટરની ભરતીમાં શારીરિક કસોટી લેવામાં આવતી હતી. જેમાં દોડના ગુણ આપવામાં આવતા હતા. જેના બદલે હવે દોડ ફક્ત નિયત સમયમાં પાસ કરવાની રહેશે તેના કોઈ ગુણ રહેશે નહિ.
પહેલા શારીરિક કસોટીમાં ઉમેદવારોના વજનને પણ ધ્યાને લેવામાં આવતું હતું જે રદ્ કરવામાં આવેલ છે. આ સિવાયના શારીરિક ધોરણો લોકરક્ષકની જેમ જ રાખવામાં આવેલ છે. આમ, શારીરિક કસોટી લોકરક્ષકની જેમ જ હવે ફક્ત ક્વોલીફાઈંગ રહેશે તેના કોઈ ગુણ આપવાના રહેશે નહિ અને શારીરિક કસોટીમાં ઉત્તીર્ણ થયેલ તમામ ઉમેદવારો ત્યારબાદની Main Examination માં ભાગ લઈ શકશે.