ધોળકા હાઇવે પર બોલેરો કાર અને ડમ્પર વચ્ચે અકસ્માત, પાંચ લોકોના ઘટનાસ્થળે જ મોત, બે લોકો ગંભીર ઇજાગ્રસ્ત

Dholka Highway Accident

વહેલી સવારે ધોળકા હાઈવે પર પુલેન સર્કલ નજીક પાર્ક કરેલા ડમ્પર સાથે બોલેરો કાર અથડાઈ

અમદાવાદના ધોળકા પાસે બોલેરો કાર અને ડમ્પર વચ્ચેના ગમખ્વાર અકસ્માતમાં પાંચ શ્રમજીવીઓના કમકમાટીભર્યા મોત થયા છે. અમદાવાદ જિલ્લાના ધોળકાની પોલન ચોકડી નજીક આ અકસ્માત સર્જાયો હતો જેમાં બોલેરો કાર રસ્તા પર પાર્ક કરાયેલ ડમ્પર સાથે અથડાઈ હતી, જેથી મોટો અકસ્માત સર્જાયો હતો.

આજે વહેલી સવારે ધોળકા હાઈવે પર પુલેન સર્કલ નજીક એક પાર્ક કરેલા ડમ્પર સાથે અચાનક જ બોલેરો કારની ટક્કર થઈ હતી. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ બોલેરોમાં 7 શ્રમિકો સવાર હતા જે પોતાના કામ અર્થે ધાનપુર જઈ રહ્યા હતા.
હાલ આ શ્રમજીવીઓ ક્યાં હતા તેની માહિતી મેળવવામાં આવી રહી છે. સાથે જ તેમના પરિવારજનો સાથે સંપર્ક કરવામાં આવી રહ્યો છે.

આ ઘટનામાં પાંચ શ્રમજીવી મોતને ભેટ્યા છે. તમામ મૃતકો મધ્યપ્રદેશના પીટોલના શ્રમજીવીઓ હતા. આ ભયાનક અકસ્માતમાં એક મહિલા અને એક બાળક સહિત પાંચ લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. જ્યારે અન્ય બે લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા.

અકસ્માતની જાણ થતાં જ પોલીસ તેમજ 108ની કરતા ઘટના સ્થળે પહોંચીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. ઈજાગ્રસ્તોની તાત્કાલિક 108માં સારવાર શરુ કરવામાં આવી હતી, ત્યારબાદ તેમને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. હાલ ધોળકા ટાઉન પોલીસ ઘટનાની આગળની કાર્યવાહી હાથ ધરી રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર બોલેરોમાં સવાર શ્રમિકો મૂળ મધ્યપ્રદેશના વતની છે.