અયોધ્યાના ભવ્ય રામમંદિરમાં બિરાજમાન રામલલાની મૂર્તિ બનાવનાર અરુણ યોગીરાજ કોણ છે તે જાણો

yogiraj

કેદારનાથમાં સ્થાપિત આદિ શંકરાચાર્યની પ્રતિમા તેમજ દિલ્હીમાં ઈન્ડિયા ગેટ પાસે સ્થાપિત સુભાષ ચંદ્ર બોઝની પ્રતિમા પણ અરુણ યોગીરાજે બનાવી છે.


મૂર્તિકાર અરુણ યોગીરાજ કર્ણાટકના મૈસૂરના રહેવાસી છે. તેમની પાંચ પેઢી મૂર્તિ બનાવવાનું કામ કરતી આવી છે. તેમના પિતા યોગીરાજ શિલ્પી પણ ખૂબ જ સારા મૂર્તિકાર છે તેઓ અરુણના પિતા, ગાયત્રી અને ભુવનેશ્વરી મંદિર માટે પણ કામ કરી ચુક્યા છે. તેમજ તેમના દાદા બસવન્ના શિલ્પીએ વાડિયાર ઘરાનાના મહેલોમાં પોતાની કલા રજૂ કરેલી છે. આથી કહી શકાય કે તેઓ પ્રખ્યાત શિલ્પકારોના પરિવારમાંથી આવે છે.

અરુણ યોગીરાજે જ ભગવાન રામલલ્લાના બાળ સ્વરૂપની મૂર્તિ બનાવી છે. તેમનો પરિવાર વર્ષોથી મૂર્તિ નિર્માણની કામગીરી સાથે સંકળાયેલ છે. અરુણ યોગીરાજ 11 વર્ષની ઉંમરથી જ આ કામ કરે છે. MBAની ડિગ્રી હાંસલ કર્યાં બાદ તેમણે કેટલાક દિવસ ખાનગી કંપનીમાં નોકરી પણ કરી. પરંતુ ત્યારબાદ વર્ષ 2008માં નોકરી છોડીને મૂર્તિકલાની કામગીરી સાથે જોડાઈ તેમાં કારકિર્દીની શરૂઆત કરી હતી.

અરુણ યોગીરાજે રામલલ્લાની મૂર્તિ ઉપરાંત અન્ય અનેક મૂર્તિ બનાવી છે. આ માટે તેમની ખૂબ જ પ્રશંસા પણ થઈ છે. અરુણ યોગીરાજે સુભાષ ચંદ્ર બોઝની 30 ફૂટ ઊંચી પ્રતિમા બનાવી છે જે હાલ ઈન્ડિયા ગેટ પર સ્થાપિત છે. નેતાજી સુભાષ ચંદ્ર બોઝની 125મી જન્મજયંતિ પહેલા પીએમ મોદીએ સ્વતંત્રતા સંગ્રામમાં તેમના યોગદાન બદલ ઈન્ડિયા ગેટ પર તેમની પ્રતિમા સ્થાપિત કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. અરુણ યોગીરાજે સુભાષ ચંદ્ર બોઝની 30 ફૂટ ઊંચી પ્રતિમા બનાવીને વડાપ્રધાન મોદીની આ ઈચ્છા પૂરી કરી હતી. તેમણે પીએમ મોદીને સુભાષ ચંદ્ર બોઝની બે ફૂટ ઊંચી પ્રતિમા પણ સોંપી હતી, જેના માટે વડાપ્રધાને તેમનો આભાર વ્યક્ત કર્યો હતો.

આ ઉપરાંત અરુણ યોગીરાજે કેદારનાથમાં આદિ શંકરાચાર્યની 12 ફૂટ ઊંચી પ્રતિમા પણ બનાવી હતી. મૈસૂર જિલ્લાના ચૂંચનકટ્ટે ખાતે 21 ફૂટ ઊંચી હનુમાન પ્રતિમા, ડૉ. બી.આર. આંબેડકરની 15 ફૂટ ઊંચી પ્રતિમા, મૈસૂરમાં સ્વામી રામકૃષ્ણ પરમહંસની સફેદ અમૃતશિલા પ્રતિમા, નંદીની 6 ફૂટ ઊંચી એકપાત્રી પ્રતિમા, માયસૂર દેવની 6 ફૂટ ઊંચી પ્રતિમા, રાજા જયચામરાજેન્દ્ર વોડેયરની 14.5 ફૂટ ઊંચી સફેદ અમૃતશિલા પ્રતિમા અને અન્ય ઘણી પ્રતિમાઓ અરુણ યોગીરાજ દ્વારા બનાવવામાં આવી હતી.

અરુણ યોગીરાજને પહેલા પણ ઘણી સંસ્થાઓ સમ્માનિત કરી ચુકી છે. મૈસૂરના શાહી પરિવારે પણ તેમના યોગદાન માટે વિશેષ સમ્માન આપ્યું છે.

નોંધનીય છે કે ભવ્ય રામમંદિર માટે ત્રણ મૂર્તિઓનું નિર્માણ મૂર્તિકારો ગણેશ ભટ્ટ, યોગીરાજ અને સત્યનારાયણ પાંડેયે ત્રણ પથ્થરોથી કર્યું છે. તેમાં સત્યનારાયણ પાંડેયની મૂર્તિ શ્વેત સંગેમરમરની છે, જ્યારે બાકીને બે મૂર્તિઓ કર્ણાટકના વાદળી પથ્થરની છે. તેમાં ગણેશ ભટ્ટની પ્રતિમા દક્ષિણ ભારતીય શૈલીમાં બની હતી. આ કારણે અરુણ યોગીરાજની મૂર્તિને પસંદ કરવામાં આવી છે. અરુણ યોગીરાજ ગત 6 માસથી દરરોજ 12 કલાક કામ કરીને રામલલાની મૂર્તિ તૈયાર કરી રહ્યા હતા.