ભગવાન રામની શોભાયાત્રા દરમિયાન કેટલાક અસામાજિક તત્ત્વો દ્વારા પથ્થરમારો કરવામાં આવ્યો
અયોધ્યામાં રામલલ્લાની પ્રાણપ્રતિષ્ઠાની સમગ્ર દેશમાં આજે ઉજવણી કરવામાં આવી રહી છે. સમગ્ર દેશ આજે રામભક્તિના રંગમાં રંગાયો છે. ઠેર ઠેર શોભાયાત્રા કાઢીને આ પ્રસંગની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે કેટલાક અસામાજિક તત્વો આ પ્રસંગે શાંતિ ભંગ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. વડોદરાના પાદરા તાલુકાના ભોજ ગામે આવી જ એક ઘટના સામે આવી છે.
મળેલ માહિતી મુજબ વડોદરામાં આજે રામની શોભાયાત્રા કાઢવામાં આવી હતી. તે દરમ્યાન આ શોભાયાત્રા ઉપર પથ્થરમારોાની ઘટનાં બની હોવાનાં સમાચાર મળી રહ્યા છે. પાદરા તાલુકાના ભોગ ગામે રામજીની શોભાયાત્રા દરમિયાન અસામાજિક તત્ત્વો દ્વારા પથ્થરમારો કરવામાં આવ્યો છે. આ પથ્થરમારાની ઘટનામાં આશરે 5 થી વધુ મહિલાઓ ઈજાગ્રસ્ત થઈ હોવાનું જાણવા મળી રહ્યું છે. જોકે ઘટનાની જાણ થતા ભોજ ગામે પોલીસનો કાફલો ઘટના સ્થળે ખડકી દેવામાં આવ્યો છે. પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરીને બંને જૂથના લોકોને સમજાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
આપને જણાવી દઈએ કે ગઈકાલે મહેસાણાનાં ખેરાલુમાં પણ શોભાયાત્રા પર પથ્થરમારાની ઘટના બની હતી. જેના વીડિયો પણ સામે આવ્યા હતા. ધાબા પરથી કેટલીક મહિલાઓ સહિત અમુક લોકો પથ્થરમારો કરતા વીડિયોમાં નજરે પડે છે. આ ઘટના બાદ પોલિસ દ્વારા કાર્યવાહી કરી આરોપીઓ વિરુધ્ધ ફરિયાદ પણ દાખલ કરવામાં આવી છે.