વડોદરા પોલીસે બોટ સંચાલકો સામે ફરિયાદ દાખલ કરી; શિક્ષિકાઓ સહિત 16ના મોત
મૃતકના પરિવારજનને પીએમઓએ 2 લાખ તેમજ રાજ્ય સરકારે 4 લાખ રૂપયા અને ઈજાગ્રસ્તોને રૂ. 50,000 રૂપયાની સહાય કરવાની જાહેરાત કરી
વડોદરાના હરણી તળાવમાં વિદ્યાર્થીઓને લઈને જતી એક હોડી પલટી મારી જવાની ઘટનામાં કુલ 14 મોત થયા છે, જેમાં 12 વિદ્યાર્થી અને બે શિક્ષક હોવાના અહેવાલ છે. જ્યારે 10 બાળકો અને 2 શિક્ષકોનો રેકક્યૂ કરાયું છે. હાલ ફાયર બ્રિગેડ અને સ્થાનિક તરવૈયાઓની મદદથી બચાવ અભિયાન ચાલી રહ્યું છે. બચી ગયેલા વિદ્યાર્થીઓને તાત્કાલિક હોસ્પિટલ ખસેડાયા છે. આ બોટમાં સ્કૂલના વિદ્યાર્થીઓ અને શિક્ષક સહિત 27 લોકો સવાર હતાં. આ દુર્ઘટનામાં જાન ગુમાવનાર પ્રત્યેક મૃતકના પરિવારજનને રાજ્ય સરકારે 4 લાખ રૂપિયા અને ઈજાગ્રસ્તોને રૂ. 50,000 રૂપિયાની સહાય કરવાની જાહેરાત કરી છે. આ સિવાય પીએમઓ તરફથી મૃતકના પરિવારજનને 2 લાખ રૂપિયા તેમજ ઈજાગ્રસ્તોને રૂ. 50,000 રૂપિયાની સહાય કરવાની જાહેરાત કરી છે.
મેજર કોલ જાહેર કરાતા ફાયર બ્રિગેડના જવાનો તાબડતોડ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને બચાવ કામગીરી હાથ ધરી છે હાલ શિક્ષિકાઓ અને બાળકો સહિત 14ના મોત નીપજયા હોવાની પ્રાથમિક માહિતી મળી છે. દરમિયાન આ ઘટનાને લઈ વડોદરા પોલીસે બોટ સંચાલકો સામે ફરિયાદ દાખલ કરી છે. ગૃહ પ્રધાન હર્ષ સંઘવી વડોદરા પહોંચ્યા છે.
દૂર્ઘટનામાં ડૂબી ગયેલ મૃતક વિદ્યાર્થીઓ અને શિક્ષિકાઓની ઓળખ થઈ રહી છે જેમના નામ નીચે મુજબ છે.
મૃતક શિક્ષિકાઓઃ
છાયા પટેલ, ફાલ્ગુની સુરતી
મૃતક વિદ્યાર્થીઓઃ
સકીના શેખ, મુઆવજા શેખ, આયત મન્સૂરી, અયાન મોહમ્મદ ગાંધી, રેહાન ખલીફા, વિશ્વા નિઝામ, જુહાબિયા સુબેદાર, આયેશા ખલીફા, નેન્સી માછી, હેત્વી શાહ, રોશની સૂરવે.
આ ઘટનાના પગલે પીએમ મોદી, અમિત શાહ, રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહીત અનેક લોકોએ દુ:ખ વ્યક્ત કર્યું છે.
તેમણે લખ્યું છે કે ‘વડોદરાના હરણી તળાવમાં બોટ પલટી જતાં બાળકોના ડૂબવાની ઘટના અત્યંત હૃદયવિદારક છે. જીવ ગુમાવનાર નિર્દોષ બાળકોના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરું છું. દુ:ખની આ ઘડીમાં તેમના પરિવારજનો પ્રત્યે આત્મીય સંવેદના વ્યક્ત કરું છું. પરમકૃપાળુ પરમાત્મા તેમને આ દુ:ખ સહન કરવાની શક્તિ આપે. તંત્ર દ્વારા હાલ બચાવ કામગીરી ચાલુ છે. દુર્ઘટનાનો ભોગ બનનારને રાહત સારવાર મળે તે માટે તંત્રને સૂચના અપાઈ છે.
જ્યારે દુઃખદ ઘટના અંગે મંત્રી ઋષિકેશ પટેલએ પ્રતિક્રિયા આપી છે. જેમાં તેમણે જણાવ્યું કે, ખૂબ જ દુઃખદ ઘટના છે. જે લોકોના મરણ થયેલ છે તેમના પરિવારજનોને સાંત્વના છે. તેમજ આ દુર્ઘટનામાં કસૂરવારો સામે પગલા લેવામાં આવશે. આ સાથે જ તેમણે કહ્યું કે, સરકારે ખૂબ ગંભીરતાથી આ ઘટનાને લીધી છે અને જરૂરી સૂચનાઓ આપવામાં આવી છે.
આ ઘટનાને મામલે રાજ્યના શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ્લ પાનસેરિયાએ જણાવ્યું છે કે, જે જવાબદારો છે તેમને છોડવામાં આવશે નહીં. તેમજ સાંત્વના વ્યક્ત કરી છે. સરકારે ખૂબ ગંભીરતાથી આ ઘટનાને લીધી છે અને જરૂરી સૂચનાઓ આપવામાં આવી છે.
આ મામલે વડોદરાના વિપક્ષના નેતા અમી રાવતે આક્રોશ વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું હતું કે ‘આ પહેલા પણ સૂરસાગર તળાવમાં આવી ઘટના બની હતી. આવી ઘટનાઓમાંથી શીખ લેવાની જરૂર છે. તમામ વિદ્યાર્થીઓને તમે જોઈ શકો છો કે તેઓ લાઈફ જેકેટ વિના જ હોડીમાં બેસાડી દેવાયા હતા.’
તેમણે કહ્યું હતું કે ‘આ ગંભીર દુર્ઘટના નહીં પણ ગંભીર બેદરકારી છે અને તે બદલ સદોષ માનવવધનો ગુનો દાખલ કરવામાં આવે. આ દુર્ઘટનામાં જવાબદાર અધિકારીઓ સામે કડકમાં કડક પગલાં લેવામાં આવે.’