કોપીરાઈટ કેસમાં સાત દિવસમાં રૂ. એક લાખનો દંડ ભરવો પડશે, નહીંતર જવું પડશે જેલ
કોર્ટના પ્રતિબંધ છતાં “ચાર ચાર બંગડીવાળી ગાડી” ગીત ગાતાં કિંજલને લાગ્યો ઝટકો, કોર્ટે સબક શીખવાડવા માટે કર્યો આદેશ
ગુજરાતની લોકપ્રિય ગાયિકા કિંજલ દવેને ‘ચાર ચાર બંગડીવાળી ગાડી’ ગીત ગાવા બદલ એક લાખ રૂપયાનો દંડ કોર્ટે ફટકાર્યો છે. કિંજલ દવે સામે કોર્ટના આદેશની અવગણના કરવા મામલે “રેડ રીબન એન્ટરટેઈમેન્ટ પ્રા.લિ” તરફથી કેસ દાખલ કરાયો હતો. જેમાં કોર્ટે તેને એક લાખ રૂપયાનો દંડ ફટકાર્યો હતો અને 7 દિવસમાં રૂપિયા ન ચૂકવે તો સાત દિવસની જેલની સજા ભોગવવા કોર્ટે નિર્દેશ આપ્યો છે.
ઉલ્લેખનિય છે કે એક સમયે ખૂબ જ પ્રસિદ્ધ થયેલા ‘ચાર બંગડીવાળી ગાડી’ ગીતને કારણે ચર્ચામાં આવેલી લોકગાયિકા કિંજલ દવેને હવે આ જ ગીત ભારે પડી ગયું છે. તાજેતરના કેસમાં સિવિલ કોર્ટે તેને 1 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો હતો. ચાર બંગડીવાળી ગીત જ ગાવા બદલ સેશન્સ કોર્ટે તેને આ દંડ ફટકાર્યો હતો. કિંજલ દવેએ તેની ભૂલ બદલ કોર્ટમાં બિનશરતી માફી પણ માંગી. ખુદ કિંજલ દવેએ તેની ઉલટતપાસમાં કબૂલ્યું છે કે, તેણે ૨૦૨૩ની નવરાત્રિમાં આ ગીત ૨૦થી ૨૫ વખત ગાયુ છે. કિંજલ દવેએ એવો બચાવ કર્યો કે, તેણે આ ગીત ભારતની બહાર ગાયુ છે, તેથી કોર્ટનો પ્રતિબંધ તેવા કિસ્સામાં લાગુ ના પડે. કોર્ટે તેના આ બચાવને ફગાવી દીધી હતી.
ચાર-ચાર બંગડીવાળી ગાડી ગીતના કોપી રાઈટ વિવાદમાં ગાયિકા કિંજલ દવેને આ ગીત લાઇવ, પબ્લિકમાં કે સોશિયલ મીડિયામાં ગાવા પર સિવિલ કોર્ટે પ્રતિબંધ ફરમાવ્યો હતો. તેમ છતાં ગત નવરાત્રિમાં કિંજલ દવેએ આ ગીત કેનેડા, લાઇવ પરફોર્મન્સ કર્યુ હતું. તેમજ યુ-ટ્યુબ અને પબ્લિકમાં ગીત ગાતાં તેની વિરુદ્ધ કોર્ટના હુકમના તિરસ્કાર કરવા બદલ ફરિયાદી રેડ રિબન એન્ટરટેઈન્મેન્ટ તરફથી કોર્ટમાં અરજી કરાઈ હતી. જેમાં સિટી સિવિલ સેશન્સ જજ ભાવેશ અવાશિયાએ કિંજલ દવેના આ કૃત્યને અદાલતી તિરસ્કાર સમાન ગણાવી 7 દિવસમાં ફરિયાદીને રૂ. 1 લાખ દંડ પેટે ચૂકવવાનો આદેશ કર્યો છે. 7 દિવસમાં રૂપિયા નહીં ચૂકવાય તો 7 દિવસની સાદી કેદ ભોગવવા કોર્ટે નિર્દેશ કર્યો છે. કોર્ટે સબક શીખવાડવા માટે ગાયિકા કિંજલ દવેને રૂપિયા એક લાખનો દંડ ફટકાર્યો છે. અદાલતી તિરસ્કારના કૃત્યની કોર્ટે ગંભીર નોંધ લીધી છે. કિંજલ દવેના બચાવને કોર્ટે ફગાવ્યો, માફી માંગવી પડી પણ કોર્ટે કિંજલની ખાલી માફી ના સ્વીકારી, હવે દંડની રકમ ભરવી પડશે. જો સાત – દિવસમાં દંડની રકમ નહી ભરે તો કિંજલ દવેને એક સપ્તાહની સાદી કેદ ભોગવવા – પણ કોર્ટે સૂકમમાં ઠરાવ્યું હતું.