ICCએ આજે T20 ખેલાડીઓની લેટેસ્ટ રેન્કિંગ જાહેર કરી
બેટ્સમેનોની લીસ્ટમાં ભારતીય ટીમના રિંકુ સિંહે મોટી છલાંગ લગાવી છે. તે 46 ક્રમ ઉપર આવીને સંયુક્ત રીતે 59મા સ્થાને પહોંચી ગયો છે. તેના ખાતામાં કુલ 464 રેટિંગ પોઈન્ટ્સ છે. સાઉથ આફ્રિકા સામે રમાયેલી બીજી મેચમાં ફિફ્ટી ફટકારવાનો રિંકુને લાભ મળ્યો છે. રોહિત શર્મા, શુભમન ગિલ અને અફીફ હુસેનના પણ આટલા જ પોઈન્ટ્સ છે.

ટીમ ઈન્ડિયાના સ્ટાર બેટ્સમેન સૂર્યકુમાર ટી20 રેન્કિંગમાં ટોચ પર યથાવત છે. તેનો રેન્કિંગ પોઈન્ટ વધી ગયો છે. સૂર્યકુમારને 10 પોઈન્ટ્સનો ફાયદો થયો છે. આ લીસ્ટમાં 865 રેટિંગ પોઈન્ટ્સ સાથે તે ટોપ પર છે. તેને પણ સાઉથ આફ્રિકા સામે રમાયેલી બીજી મેચમાં ફિફ્ટી ફટકારવાનો લાભ મળ્યો છે. સૂર્યકુમારે બીજી મેચમાં 36 બોલમાં 5 ચોગ્ગા અને 3 છગ્ગાની મદદથી 56 રન બનાવ્યા હતા. માર્કરામ 758 રેટિંગ પોઈન્ટની સાથે ત્રીજા નંબરે છે. જ્યારે બાબર આઝમ ચોથા નંબરે તો રિલે રોસોવ પાંચમા નંબરે છે. સાઉથ આફ્રિકાના બેટ્સમેન રીઝા હેન્ડ્રીક્સને એક સ્થાનનો ફાયદો થતા તે 674 રેટિંગ પોઈન્ટ્સ સાથે આઠમાં સ્થાને આવી ગયો છે. ટોપ-10માં સૂર્યકુમાર ઉપરાંત ઋતુરાજ ગાયકવાડનું નામ પણ સામેલ છે તે 681 રેટિંગ પોઈન્ટ્સ સાથે સાતમાં નંબરે યથાવત છે.
બોલર્સનાં લીસ્ટની વાત કરીએ તો ભારતીય સ્પિનર રવિ બિશ્નોઈ ટોપ પર યથાવત છે. પરંતુ તેને 7 અંકનું નુકસાન થયું છે. બિશ્નોઈના 692 પોઈન્ટ્સ થઇ ગયા છે. અફઘાનિસ્તાનનો દિગ્ગજ સ્પિનર રાશિદ ખાનના પણ 692 પોઈન્ટ્સ છે. હાલમાં ટી20 રેન્કિંગમાં ટોચ પર પહોંચનાર સ્પિન બોલર રવિ બિશ્નોઈને સાઉથ આફ્રિકા સામે રમાયેલી બીજી T20I મેચમાં પ્લેઇંગ ઈલેવનમાં સામેલ કરવામાં આવ્યો ન હતો.
ઓલરાઉન્ડર્સની યાદીમાં બાંગ્લાદેશનો શાકિબ અલ હસન 272 પોઈન્ટની સાથે ટોપ પર છે જ્યારે માર્કરામ 212 પોઈન્ટની સાથે બીજા નંબરે છે.