ટાટા ગૃપની કંપની TCSના શેર બાયબેક 1 ડિસેમ્બરથી શરુ થશે, કંપની 4.09 કરોડ શેર બાયબેક કરશે

tcs

બોર્ડે એક શેરના ભાવ 4,150 રૂપિયા નક્કી કર્યા છે, 7 ડિસેમ્બર સુધી બાયબેક થશે

ટાટા ગ્રૂપની કંપની અને દેશની સૌથી મોટી આઈ.ટી. કંપની TCS એ શેર બાયબેક પર મોટું અપડેટ આપ્યું છે. એક્સચેન્જને આપવામાં આવેલી માહિતીમાં કંપનીએ કહ્યું હતું કે, કંપનીએ શેર બાયબેકની તારીખ નક્કી કરી છે. સ્ટોક માર્કેટને આપવામાં આવેલી માહિતી મૂજબ કંપનીના શેર બાયબેક 1 ડિસેમ્બર, 2023 થી શરૂ થશે જે 7 ડિસેમ્બરે બંધ થશે. આ માટે બોર્ડે એક શેરના ભાવ 4,150 રૂપિયા નક્કી કર્યા છે. આજે એટલે કે, મંગળવારે BSE પર શેર 3470.45 રૂપિયા પર બંધ થયો હતો. કંપની 17,000 કરોડ રૂપિયાના શેર બાયબેક કરશે. આ માટેની રેકોર્ડ ડેટ 25 નવેમ્બર, 2023 હતી. ટાટા ગ્રુપની કંપની 4.09 કરોડ શેર બાયબેક કરશે. TCS કુલ 1.12 ટકા ઈક્વિટી બાયબેક કરી રહી છે.

TCSનો અંદાજ છે કે બાયબેક સ્ટેન્ડઅલોન ધોરણે તેની EPS 58.52 રૂપિયાથી વધારીને 59.18 રૂપિયા કરશે, જ્યારે નેટવર્થ 49.89 ટકા વધીને 62.56 ટકા થશે. પ્રમોટર્સનું કુલ શેરહોલ્ડિંગ 72.3 ટકાની સરખામણીમાં હવે વધીને 72.41 ટકા થશે. ટાટા ગ્રૂપની બે હોલ્ડિંગ કંપનીઓ ટાટા સન્સ અને ટાટા ઈન્વેસ્ટમેન્ટ કોર્પોરેશને બાયબેકમાં ભાગ લેવા માટે રસ દર્શાવ્યો છે અને તેઓ વધારેમાં વધારે 2,96,15,048 ઇક્વિટી શેર માટે બિડ કરી શકે છે. કુલ બાયબેક 4,09,63,855 શેરનું છે.

તમામ પાત્ર શેરધારકો માટે ગુણોત્તર દરેક 209 શેર માટે 2 શેર નક્કી કરવામાં આવ્યો છે. 4,150 રૂપિયાની આ બાયબેક કિંમત BSE પર શુક્રવારના 3457.60 રૂપિયાના બંધ ભાવથી 20 ટકા પ્રીમિયમ પર છે. આજે BSE પર TCSનો શેર 0.37 ટકા એટલે કે 12.85 રૂપિયા વધીને 3470.45 પર બંધ રહ્યો હતો.

SEBI ના નિયમો અનુસાર, કુલ ઓફરના 15 ટકા નાના રોકાણકારો માટે આરક્ષિત છે. એટલે કે કંપની બાયબેક સ્કીમ હેઠળ નાના રોકાણકારોના 61.35 લાખ શેર સ્વીકારી શકે છે. હાલ 2 લાખથી ઓછા રોકાણવાળી કંપનીમાં રોકાણકારોનો હિસ્સો 4.49 ટકા છે. કંપનીમાં 16.44 કરોડ શેર નાના રોકાણકારો પાસે છે, જેમાંથી કંપની મહત્તમ 61.35 લાખ શેર સ્વીકારશે.