પીએમ મોદીએ ડભોડામાં જનસભા સંબોધી, આજે લોકો મફત વીજળી સાથે વીજળી વેચી આવક પેદા કરી રહ્યા છે

Modi

પીએમ મોદીએ અંબાજીમાં કરી પૂજા, 6000 કરોડ રુપયાના વિકાસના પ્રોજેક્ટની જાહેરાત કરવામાં આવી

લોકસભાની ચૂંટણી પહેલા પીએમ મોદીના બે દિવસના ગુજરાત પ્રવાસને મહત્વનો માનવામાં આવે છે. આજે તેઓએ પહેલા અંબાજી માતાના દર્શન કરીને આશીર્વાદ મેળવ્યા. ત્યારબાદ મહેસાણાના ખેરાલુમાં એક લાખ લોકોની સામે સંબોધન કર્યુ છે. જેમા તેમણે ઘણી જ ખાસ વાતો કહી.

આજે સવારે ચીખલી હેલિપેડ ખાતે વડાપ્રધાન મોદીનું સ્વાગત કરાયું હતું. અંબાજીના માર્ગો પર લોકોએ વડાપ્રધાન પર ફૂલોનો વરસાદ કરી તેમનું સ્વાગત કર્યું હતું. આ સમયે તેમની સાથે માનનીય રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી અને ગૃહમંત્રી હર્ષ સંઘવી હાજર રહ્યા હતા. અંબાજીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પૂજા કરી હતી અને અંબાજી પરિસરમાં પીએમ મોદીએ હાજર રહેલા શ્રદ્ધાળુઓનું અભિવાદન જીલ્યું હતું. તેમની સાથે સીએમ ભુપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત હતા. અંબાજી દેવસ્થાન ટ્ર્સ્ટ તરફથી માતાજીની ચુંદડી ઓઢાડીને પીએમનું સન્માન કરવામાં આવ્યું હતું.

અંબાજીમાં માતાના દર્શન કરીને વડાપ્રધાન મોદી ખેરાલુના ડભોડા પહોંચ્યા હતા. વડાપ્રધાન મોદીની સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને સીઆર પાટીલ પણ હાજર રહ્યા હતા. પરંપરાગત નૃત્ય સાથે PM મોદીનું સ્વાગત કરાયું હતું. વડાપ્રધાન મોદી રાજ્યના સાત જિલ્લાને વિકાસલક્ષી ભેટ આપશે. રેલવે સહિત 5 વિભાગોના વિકાસકાર્યોની ભેટ આપશે. અહીં તેઓ 5941 રૂપિયાના વિવિધ વિકાસલક્ષી પ્રોજેક્ટોનું ખાતમુહૂર્ત કરશે.

પીએમ મોદીએ ખેરાલુના ડભોડામાં જનસભા સંબોધી, તેમણે સભાના સંબોધનમાં પોતાના ઘરઆંગણેથી આવ્યા હોવાની ખુશી વ્યક્ત કરી કહ્યું, શાળાના મિત્રો જોઈ જુના સંસ્મરણો યાદ આવી ગયા હોવાનું કહ્યુ, ત્યારબાદ તેમણે સરદાર વલ્લભભાઈ પટેલની 31મી તારીખે જન્મ જયંતીના પ્રેરક દિવસને યાદ કરી, અંબાજીમાં સફાઈ અભિયાનના પણ વખાણ કર્યા.

પીએમ મોદીએ પોતાના સંબોધનમાં જણાવ્યુ કે, પહેલા બધા વિચારતા હતા કે, ઉત્તર ગુજરાતમાં કોઇ ઉદ્યોગ આવી જ ન શકે પરંતુ આજે તો જુઓ આખી ઓટો મોબાઇલ ઇન્ડસ્ટ્રી અહીં આવી ગઇ છે. પહેલા રોજગાર માટે ઉત્તર ગુજરાતની બહાર જવું પડતું હતુ. હવે બહારના લોકો આજે અહીં આવીને રોજગારી આપી રહ્યા છે. આજે ઉત્તર ગુજરાતમાંથી દેશમાં પાયાના કામો થઈ રહ્યા છે. ખેડૂતો પરંપરાગત ખેતીમાંથી બહાર આવી નવા રોકડીયા પાક લઈ રહ્યા છે.

પીએમ મોદીએ કહ્યું કે, એક સમયે ઉત્તર ગુજરાત ખારો પટ હતો, સિંચાઈ માટે પાણી ન હતુ, પીવા માટે મીઠા પાણીની તંગી હતી. હવે ખેડૂતોને સિંચાઈ માટે સારી રીતે પાણી મળી રહ્યું છે. પહેલા બહેનો માથે બેડા લઈ દુર દુર સુધી મીઠા પાણી માટે જતી હતી, હવે ઘરે ઘરે નળે નળે મીઠુ પાણી પીવા મળી રહ્યું છે. આ રીતે તેમણે સિંચાઈના પાણી અને પીવાનું પાણી મળતા લોકોનું કેવી રીતે જીવન ધોરણ સુધર્યું અને કેવો લોકોનો વિકાસ થયો તે મામલે ભાજપ સરકારના વખાણ કર્યા. આ સાથે તેમણે જણાવ્યુ કે, ઓટો મોબાઇલ્સ ઉપરાંત સિરામિક ઉદ્યોગમાં પણ આગળ વધી રહી છે.

પીએમ મોદીએ કહ્યું, ખેરાલુ, તારંગા, અંબાજી રેલવે બ્રોડગેજથી હવે આ વિસ્તાર સીધો દેશ સાથે જોડાશે. જેના પગલે અહીંના ટુરિઝમ ક્ષેત્રોનો વિકાસ થશે, વડનગર, તારંગા હીલ, નળા બેટ, અંબાજી, ધરોઈ તમામ ટુરિઝમ ક્ષેત્રનો વિકાસ થશે અને નવી નવી રોજગારીની તકો ઉભી થશે, આ સાથે તમારો પણ આર્થિક રીતે વિકાસ થશે.

પીએમ મોદીએ મોઢેરા ખાતે સોલર વિકાસ પ્રોજેક્ટની વાત કરી, તેમણે રુફટોફ યોજના અંતર્ગત આજે લાખો ઘરો પર સૂર્યથી વીજળી મેળવવાની વાત કરી, આજે લોકો મફત વીજળી સાથે વીજળી વેચી આવક પેદા કરવા જેવા ક્રાંતિકારી પગલાની વાત કરી. આ સિવાય ઉત્તર ગુજરાતમાં રેલવેના વિકાસ કાર્યોથી કેવી રીતે ફાયદો થઈ રહ્યો તેની વાત કરી ભાજપ સરકારના કાર્યોના વખાણ કર્યા. આખું ઉત્તર ગુજરાત સૂર્ય શક્તિથી સામર્થ્ય મળી રહ્યુ છે. ઘરે ઘરે લોકોના છાપરે સોલર સિસ્ટમ લગાવી રહ્યા છે. પહેલા પૈસા આપીને પણ વિજળી મળતી ન હતી અને આજે લોકો વિજળી સરકારને આપીને પૈસા સામેથી મેળવે છે. પ્રધાનમંત્રીએ આજે ​​જિલ્લાના અનેક વિકાસલક્ષી પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કર્યું છે, જેમાં રેલવે, રસ્તા, પીવાનું પાણી અને સિંચાઈ વગેરેનો સમાવેશ થાય છે. મહેસાણા જિલ્લાના ડભોડા ગામમાં પ્રોજેક્ટનો શિલાન્યાસ અને ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. લગભગ રૂ. 6000 કરોડના વિકાસના પ્રોજેક્ટની જાહેરાત કરવામાં આવી હતી.

વડાપ્રધાન આવતીકાલે મંગળવારે દેશના પ્રથમ ગૃહમંત્રી સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિએ નર્મદા જિલ્લાના કેવડિયા ખાતે રાષ્ટ્રીય એકતા દિવસના કાર્યક્રમમાં પણ ભાગ લેશે.