લખનઉમાં સતત 18 કલાક સુધી વરસાદ ચાલુ, હજુ 3 દિવસની આગાહી, ઘણા જિલ્લાઓમાં સ્કુલો બંધ
હવામાન વિભાગની આગાહી મુજબ ઉત્તર પ્રદેશમાં 14 સપ્ટેમ્બર સુધી ભારે વરસાદ પડવાની સંભાવના
સોમવારે ઉત્તર પ્રદેશમાં ભારે વરસાદ પડ્યો હતો. ઉત્તર પ્રદેશમાં છેલ્લા 24 કલાક દરમિયાન વરસાદ સંબંધીત ઘટનાઓમાં 19 વ્યક્તિઓના મોત નિપજ્યા હોવાના અહેવાલો મળ્યા છે.
રાજધાની લખનઉમાં 18 કલાક સુધી સતત વરસાદ પડ્યો હતો. શહેરના પોશ વિસ્તારોમાં 2-3 ફૂટ સુધી પાણી ભરાયાં હતાં. છેલ્લા 12 કલાકમાં અહીં 93.9 મિમી વરસાદ નોંધાયો હતો. લખનઉ ઉપરાંત કાનપુર, બારાબંકી, મુરાદાબાદ, હરદોઈમાં પણ ભારે વરસાદ થયો હતો.
રાજ્યના ઘણા જિલ્લાઓમાં સતત વરસાદના કારણે સામાન્ય જનજીવન પ્રભાવિત થયું છે તો બીજીતરફ હવામાન વિભાગે આગામી 3 દિવસ વીજળી સાથે વરસાદ પડવાની આગાહી વ્યક્ત કરી છે. દરમિયાન વરસાદને પગલે ઘણા જિલ્લાઓમાં સ્કુલો બંધ રાખવાનો પણ આદેશ કરવામાં આવ્યો છે. કમિશનર ઓફિસના એક અધિકારીએ જણાવ્યું કે, છેલ્લા 24 કલાક દરમિયાન ભારે વરસાદ અને ડુબવા સંબંધીત ઘટનાઓ બની છે, જેમાં હરદોઈમાં 4, કનૌજમાં 2 અને દેવરિયા, કાનપુર શહેર, રામપુર, સંભલ અને ઉન્નાવમાં એક-એક વ્યક્તિનું મોત થયું છે.
કેન્દ્રીય સંરક્ષણમંત્રી અને લખનઉના સાંસદ રાજનાથ સિંહે શહેરની સ્થિતિ જાણવા માટે ડીએમ સાથે ફોન પર વાત કરી હતી. રાજ્યના આપત્તિ વિભાગના જણાવ્યા અનુસાર, 24 કલાકમાં વરસાદ અને વીજળી સંબંધિત અકસ્માતોમાં 19 લોકોનાં મોત થયાં છે.
છેલ્લા 24 કલાકમાં રાજ્યના 22 જિલ્લા મુરાદાબાદ, સંભલ, કનૌજ, રામપુર, હાથરસ, બારાબંકી, કાસગંજ, બિજનૌર, અમરોહા, બહરાઈચ, લખનઉ, બદાંયૂં, મૈનપુરી, હરદોઈ, ફિરોજાબાદ, બરેલી, શાહજહાંપુર, કાનપુર, સીતાપુર, ફરૂખાબાદ, લખીમપુર ખીરી અને ફતેહપુરમાં 40 મિમિથી વધુ વરસાદ પડ્યો છે. તોબીજી તરફ, હવામાન વિભાગે બિહાર, એમપી, રાજસ્થાન, પશ્ચિમ બંગાળ સહિત દેશનાં 15 રાજ્યમાં ભારે વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે. હવામાન વિભાગની આગાહી મુજબ ઉત્તર પ્રદેશમાં 14 સપ્ટેમ્બર સુધી ભારે વરસાદ પડવાની સંભાવના છે, ત્યારબાદ 17મી સુધી સામાન્ય વરસાદ પડશે. લખનઉ, કાનપુર, અયોધ્યા, ગોરખપુર સહિત યુપીના 31 જિલ્લામાં વરસાદનું એલર્ટ છે. જ્યારે મધ્યપ્રદેશમાં ભોપાલ, નર્મદાપુરમ, રીવા સહિત 22 જિલ્લામાં ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે. અધિકારીઓએ જણાવ્યું કે, રાજ્યના પશ્ચિમ ભાગમાં 17 તારીખ સુધી વરસાદ પડવાની સંભાવના છે. તો 15 સપ્ટેમ્બ સુધી રાજ્યમાં વીજળી પડવાનું પણ સંકટ દેખાતા એલર્ટ જારી કરવામાં આવ્યું છે.
રેલવેના એક અધિકારીએ જણાવ્યું કે, બારાબાંકીમાં રેલવે ટ્રેક પર પાણી ફરી વળ્યા છે, જેના કારણે ટ્રેનો પર અસર પડી છે. સતત વરસાદને પગલે અધિકારીઓના આદેશ બાદ સ્કુલો બંધ રાખવામાં આવી છે. ભારે વરસાદની ચેતવણી બાદ સોમવારે રાજ્યના ઘણા જિલ્લાઓમાં તમામ સ્કુલો બંધ કરવાનો આદેશ કરાયો અને લોકોને કામ વગર બહાર ન નિકાળવાની સૂચના અપાઈ છે. રાજ્યમાં સોમવાર સવારે 8 વાગે 24 કલાકમાં 99.9 મિમી વરસાદ ખાબક્યો છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર મધ્યપ્રદેશમાં 12-13 સપ્ટેમ્બર દરમિયાન બીજી સિસ્ટમ સક્રિય થઈ રહી છે જે 18થી 20 સપ્ટેમ્બર સુધી સક્રિય રહેશે, એટલે કે આગામી એક સપ્તાહ સુધી રાજ્યમાં વરસાદની શક્યતા છે. ભોપાલ, નર્મદાપુરમ, રીવા સહિત 22 જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ છે. અન્ય જિલ્લાઓમાં પણ હળવો વરસાદ પડી શકે છે.
લખનઉમાં 12 કલાકથી વરસાદ પડી રહ્યો છે. અહીં એટલો વરસાદ પડ્યો છે કે રસ્તાઓ તળાવ બની ગયા છે. મુરાદાબાદમાં 6 કલાકના વરસાદ બાદ રેલવે ટ્રેક પાણીમાં ડૂબી ગયો હતો. ઉન્નાવથી મળતા સમાચાર મુજબ હસનગંજના એસડીએમ નવીન ચંદ્રએ જણાવ્યું કે, ઉન્નામાં ઘણા ભાગોમાં વીજળી પડવાના કારણે હસનગંજમાં 200 ઘેટાંના મોત થયા છે. અધિકારીએ જણાવ્યું કે, 10 જિલ્લાના 19 તાલુકાઓ પુરથી પ્રભાવિત થયા છે. જ્યારે 173 ગામડ઼ાના 55 હજારથી વધુ લોકો અસરગ્રસ્ત થયા છે.
ભારે વરસાદ અને પવન ફુંકાવાના કારણે વીજળીની થાંભલાની પણ ઘટનાઓ સામે આવી છે. અધિકારીએ જણાવ્યું કે, વ્યસ્ત ગોમતીનગરમાં ટ્રાફિક વ્યવસ્થા ખોરવાઈ છે. ઉપરાંત સતત વરસાદના કારણે રોડનો એક બાજુનો ભાગ તુટી ગયો છે. તો રાજધાનીના મોહનલાલગંજના ગનિયાર ગામમાં મુખ્ય માર્ગ પર વૃક્ષ ધરાશાઈ થવાની ઘટના પણ સામે આવી છે. વૃક્ષ ધરાશાઈ થવાના કારણે વીજળીનો થાંભલો ઉખડી જવાની ઘટના બની છે.