ફિલ્મ-નિર્દેશક અમિત રાય, નિર્માતા વિપુલ શાહ અને ચંદ્રપ્રકાશ, અભિનેતા અક્ષય કુમાર ઉપરાંત સેન્સર બોર્ડના અધ્યક્ષ પ્રસૂન કુમાર જોશીને નોટિસ મોકલવામાં આવી છે
નોટિસ મળ્યાના 24 કલાકની અંદર અપમાનજનક દૃશ્યો હટાવી દેવામાં આવે અને જાહેરમાં માફી માગે
‘OMG-2’ 11 ઓગસ્ટે સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે. સેન્સર બોર્ડે ફિલ્મને ‘A સર્ટિફિકેટ’ આપ્યું છે. આ અંગે મહાકાલ મંદિરના પૂજારીઓનું કહેવું છે કે આ ફિલ્મમાં અશ્લીલ દૃશ્યો છે. મહાકાલ મંદિર આવાં દૃશ્યો સ્વીકારશે નહીં. મહાકાલ મંદિરના પૂજારીઓએ ’OMG-2′ ફિલ્મના નિર્માતાઓ તેમજ અન્ય કલાકારોને કાનૂની નોટિસ મોકલી છે. આ નોટિસ ફિલ્મ-નિર્દેશક અમિત રાય, નિર્માતા વિપુલ શાહ અને ચંદ્રપ્રકાશ, અભિનેતા અક્ષય કુમાર ઉપરાંત સેન્સર બોર્ડના અધ્યક્ષ પ્રસૂન કુમાર જોશીને મોકલવામાં આવી છે. હાઈકોર્ટના વકીલ અભિલાષ વ્યાસે 7 ઓગસ્ટના રોજ અખિલ ભારતીય પૂજારી મહાસંઘ વતી આ નોટિસ મોકલી છે. નોટિસમાં તેમનું કહેવું છે કે ‘OMG-2’ ફિલ્મમાં ભગવાન શિવના સ્વરૂપને ખોટી રીતે દર્શાવવામાં આવ્યું છે. એક સીનમાં તેઓને દુકાનમાંથી કચોરી ખરીદતા બતાવવામાં આવ્યા છે, આ પ્રકારનાં સીનથી ભગવાન શિવના ભક્તોની આસ્થાને ઠેસ પહોંચે છે. નોટિસમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે પત્ર મળ્યાના 24 કલાકની અંદર અપમાનજનક દૃશ્યો હટાવી દેવામાં આવે અને જાહેરમાં માફી માગે. જો આમ ના કરવામાં આવ્યું તો ફિલ્મના પ્રમાણપત્રને રદ કરવા માટે અપીલ કરવામાં આવશે તેમજ ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો કેસ દાખલ કરશે અને ઉજ્જૈનમાં ફિલ્મની રિલીઝ પર પ્રતિબંધની માગ કરશે. તેમનું કહેવું છે કે મહાકાલ મંદિરમાં શૂટ થયેલા તમામ સીનને આ ફિલ્મમાંથી તાત્કાલિક હટાવી દેવા જોઈએ. જો ફિલ્મને A સર્ટિફિકેટ આપવામાં આવશે અને અશ્લીલતા બતાવવાની સાથે મહાકાલ મંદિરના શોટ બતાવવામાં આવશે તો ફિલ્મ-નિર્માતા, દિગ્દર્શક અને અભિનેતા અક્ષય કુમાર સામે દેશવ્યાપી વિરોધ થશે. એફઆઈઆર પણ દાખલ કરવામાં આવશે.
તમને જણાવી દઈએ કે ફિલ્મની વાર્તા ઉજ્જૈનના મંદિર શહેરમાં રહેતા ભગવાન શિવના પ્રખર ભક્ત કાંતિ શરણ મુદગલની આસપાસ વણાયેલી છે. જીવનની મુશ્કેલ પરિસ્થિતિઓમાં ભગવાન કાંતિ સમક્ષ હાજર થાય છે અને તેના જીવનના પડકારોને ઉકેલવામાં મદદ કરે છે. અક્ષય કુમારની ફિલ્મ 11 ઓગસ્ટના રોજ રિલીઝ થવાની હતી, પરંતુ ફિલ્મને એડલ્ટ સર્ટિફિકેટ પણ આપવામાં આવ્યું નથી. અમિત રાયના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મ સાથે જોડાયેલા નિર્માતાઓનું કહેવું છે કે આ ટીઝરમાં અક્ષય કુમારને ભગવાન શિવ નહીં, પરંતુ તેમના દૂત તરીકે બતાવવામાં આવ્યા છે.