અમેરિકામાં 15 ઓગસ્ટને રાષ્ટ્રીય ઉજવણી દિવસ તરીકે જાહેર કરવા યુએસ હાઉસમાં ઠરાવ રજૂ કરાયો

india-us

જૂનમાં પીએમ મોદીએ ત્રણ દિવસ માટે યુએસની મુલાકાત લીધી હતી અને રાષ્ટ્રપતિ જો બિડેન, ફર્સ્ટ લેડી જીલ બિડેન તેમજ સિલિકોન વેલીના કેટલાક ટોચના સીઈઓને મળ્યા હતા. વોશિંગ્ટનમાં રોનાલ્ડ રીગન સેન્ટરમાં મોદીએ કહ્યું હતું કે, ‘ભારત અને અમેરિકા વચ્ચેની ભાગીદારી 21મી સદીમાં વિશ્વને વધુ સારી બનાવશે. તમે બધા આ ભાગીદારીમાં નિર્ણાયક ભૂમિકા ભજવો છો.’

અમેરિકી સાંસદોના એક ગ્રુપે ભારતીય મૂળના અમેરિકન સાંસદ શ્રી થાનેદારના નેતૃત્વમાં ભારતીય સ્વતંત્રતા દિવસ 15 ઓગસ્ટને વિશ્વની બે સૌથી મોટી લોકશાહીઓના રાષ્ટ્રીય દિવસની ઉજવણી તરીકે જાહેર કરવા માટે લોઅર ચેમ્બર ઓફ ધ યુએસ કોંગ્રેસ, ધ હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સમાં એક ઠરાવ રજૂ કર્યો છે. ઠરાવમાં જણાવવામાં આવ્યું છે કે, ‘દેશમાં ભારતીય-અમેરિકનો સરકારી અધિકારીઓ, લશ્કરી કર્મચારીઓ અને કાયદા અમલીકરણ અધિકારીઓ તરીકે સેવા આપે છે અને યુએસ બંધારણને સમર્થન આપે છે તેમજ રાષ્ટ્રની વિવિધતાને સમૃદ્ધ બનાવવામાં યોગદાન આપે છે.’ આ ઠરાવ વિશ્વાસ વ્યક્ત કરે છે કે બંને દેશો વચ્ચેની ભાગીદારી, સહિયારી લોકતાંત્રિક મૂલ્યો સાથે જોડાયેલી, વૈશ્વિક લોકશાહીને આગળ વધારશે અને તમામ રાષ્ટ્રો માટે શાંતિ, સ્થિરતા અને સમૃદ્ધિને પ્રોત્સાહન આપશે. આ ઠરાવ કોંગ્રેસમેન બડી કાર્ટર અને બ્રેડ શર્મન દ્વારા સહ-પ્રાયોજિત કરવામાં આવી રહ્યા છે. રિપોર્ટ પ્રમાણે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની 22 જૂનની યુએસની સત્તાવાર મુલાકાતે ભારત અને યુનાઇટેડ સ્ટેટ્સ વચ્ચે વિશ્વાસના નવા સ્તરને મજબૂત બનાવ્યું, જે વહેંચેલા હિતો અને સ્વતંત્રતા, લોકતંત્ર, બહુલવાદ, કાયદાના શાસન પ્રત્યેની પ્રતિબદ્ધતાઓ અને માનવ અધિકારના સમ્માન પર આધારિત હતી.