હાઈ ટેન્શન વાયરની લાઈન બંધ કર્યા વગર ફાયર કર્મચારી ત્યાં પહોંચીને કઈ રીતે કામ કરવા લાગ્યા તે અંગે તપાસ શરૂ
અમદાવાદના બોપલ ઘુમા રોડ ઉપર હાઈ ટેન્શન તારમાં ફસાયેલા એક પક્ષીનો જીવ બચાવવા જતાં ફાયર વિભાગના કર્મચારીનો હાથ હાઇ ટેન્શન લાઇનને અડી જતા તેમનું મોત નીપજ્યું છે. બનાવની જાણ થતાં ફાયર વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા.
બનાવની પ્રાપ્ત વિગત અનુસાર, શહેરના બોપલ ઘુમા રોડ ઉપર આવેલા દેવ રેસિડેન્સી પાસે આજે સવારે પક્ષી બચાવ કોલ દરમિયાન ફાયર બ્રિગેડના કર્મચારી અનિલ પરમાર પક્ષીને રેસ્ક્યૂ કરવા માટે પહોંચ્યા હતા. પક્ષીને તારમાંથી કાઢતી વખતે તેમનો હાથ હાઇ ટેન્શન લાઇનને અડી ગયો હતો. હાઇ ટેન્શન લાઇનને અડી જતાં કર્મચારીને વિજ શોક લાગ્યો હતો અને તેઓનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. ઘટના સ્થળે હાજર ફાયર વિભાગના કર્મચારી અનિલભાઇને તાત્કાલિક નજીકના હેલ્થ સેન્ટર લઇ ગયા હતા. જોકે ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. ફરજ પર ફાયર વિભાગના કર્મચારીનું મોત નીપજતાં પરિવાર અને ફાયર વિભાગમાં શોકનો માહોલ છે.
https://twitter.com/Cnngujarat21982/status/1747204896581886073
બનાવની જાણ થતાં ફાયર વિભાગના અધિકારીઓ અને અન્ય કર્મચારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા. રેસ્કયૂ ઓપરેશન વખતે હાઇ ટેન્શન લાઇન કેવી રીતે ચાલુ રહી ગઈ અથવા તો હાઈ ટેન્શન વાયરની લાઈન બંધ કર્યા વગર કઈ રીતે ફાયરના કર્મચારી ત્યાં પહોંચીને કામ કરવા લાગ્યા તે તમામ અંગે હાલ તપાસ શરૂ કરી દેવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે, ઉત્તરાયણના તહેવારોમાં પતંગબાજોની મજા પશુ-પક્ષી માટે સજા સમાન પુરવાર થતી હોય છે. ઉત્તરાયણ દરમિયાન ઘાયલ પશુ-પક્ષીની સારવાર માટે રાજ્ય સરકારના વન વિભાગ, પશુ ચિકિત્સા અધિકારીઓ તેમજ વિવિધ એનજીઓ પણ કરૂણા અભિયાન અંતર્ગત જોડાયા હતા. ‘108’ કરૂણા એમ્બ્યુલન્સ દ્વારા 14 જાન્યુઆરીના 1500 જ્યારે 15 જાન્યુઆરીના 1459 પશુ-પક્ષીની ઈમરજન્સી નોંધાઇ હતી. આ સિવાય અન્ય એનજીઓમાં 1 હજારથી વધુ ઘાયલ પશુ પક્ષી નોંધાયા હતા.