- રાજ્યસભામાં બિલના પક્ષમાં 128 મત પડ્યા, જ્યારે વિરોધમાં 95 મત પડ્યા હતા.
- સરકારે આ બિલમાં વક્ફ બોર્ડની રચના અને સંપત્તિઓના નિયમન અંગે અનેક મહત્વપૂર્ણ ફેરફાર કર્યા છે, જેમાં પહેલાથી ચાલી આવતી ‘વક્ફ બાય યુઝર’ વ્યવસ્થા પણ ખતમ કરાઈ છે.
બુધવારે લોકસભામાંથી પસાર થઈ ગયા બાદ હવે વક્ફ સંશોધન બિલ રાજ્યસભામાં પણ પસાર થઈ ગયુ છે. ગુરુવારે 12 કલાકથી વધુ સમય સુધી ચાલેલી ચર્ચા બાદ વક્ફ સુધારા બિલ રાજ્યસભામાં પસાર કરવામાં આવ્યું. જ્યારે લોકસભામાં લગભગ 14 કલાક લાંબી ચર્ચા પછી બિલ પસાર થયું હતું.
રાષ્ટ્રપતિની મંજૂરી બાદ તે કાયદો બની જશે
રાજ્યસભામાં બિલના પક્ષમાં 128 મત પડ્યા, જ્યારે વિરોધમાં 95 મત પડ્યા હતા. હવે આ બિલ રાષ્ટ્રપતિ પાસે જશે. અને તેમની મંજૂરી મળ્યા પછી તે કાયદો બની જશે. વિપક્ષ અને મુસ્લિમ પર્સનલ લો બોર્ડે વક્ફ સુધારા બિલ મુસ્લિમ વિરોધી હોવાનુ જણાવી આખા દેશમાં ભારે હોબાળો મચાવ્યો હતો. તે છતા આ બિલ ગુરુવારે રાજ્યસભામાં પસાર થઈ ગયું. જ્યારે કેન્દ્ર સરકારે વક્ફ બોર્ડના કામકાજમાં પારદર્શિતા અને જવાબદારી લાવવાના આશયથી બિલમાં સુધારા કરાયા હોવાનો દાવો કર્યો હતો.
પીએમ મોદીએ બિલ પસાર થવાને એક મોટો સુધારો ગણાવ્યો
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વક્ફ સુધારા બિલ પસાર થવાને એક મોટો સુધારો ગણાવ્યો. તેમણે શુક્રવારે સવારે X પર પોસ્ટ કરી લખ્યું કે આ કાયદો પારદર્શિતા વધારશે અને ગરીબ-પસમાંડા મુસ્લિમોના અધિકારોનું રક્ષણ કરશે.
“વક્ફ મિલકતો વર્ષોથી અનિયમિતતાનો ભોગ બની રહી હતી, જેના કારણે ખાસ કરીને મુસ્લિમ મહિલાઓ અને ગરીબોને નુકસાન થયું હતું. આ નવો કાયદો આ સમસ્યાનો ઉકેલ લાવશે. આ ખાસ કરીને એવા લોકો માટે ફાયદાકારક રહેશે જેઓ લાંબા સમયથી હાંસિયામાં ધકેલાઈ ગયા છે, જેમનો અવાજ સાંભળવામાં આવ્યો નથી અને જેમને તકોથી વંચિત રાખવામાં આવ્યા છે.”
સુધારેલા બિલમાં અમે પારદર્શિતા, જવાબદારી અને ચોકસાઈ પર ધ્યાન કેન્દ્રિત કરીને ફેરફારો કર્યા: કિરેન રિજિજુ
બજેટ સત્ર શુક્રવારે પૂરું થવાનું છે ત્યારે તેના આગલા દિવસે ગુરુવારે લઘુમતી બાબતોના કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુએ વક્ફ સુધારા બિલ બપોરે 1 વાગ્યે રાજ્યસભામાં રજૂ કર્યું હતું. આ બિલ રજૂ કરતા તેમણે કહ્યું કે વ્યાપક ચર્ચા પછી તૈયાર કરાયેલા બિલને જેપીસી પાસે મોકલાયું હતું. વક્ફ અંગે જેપીસીએ જેટલું કામ કર્યું, તેટલું કામ કોઈપણ કમિટિએ કર્યું નથી. સુધારેલા બિલમાં અમે પારદર્શિતા, જવાબદારી અને ચોકસાઈ પર ધ્યાન કેન્દ્રિત કરીને ફેરફારો કર્યા છે.
દરેકનાં સૂચનોના આધારે ફેરફારો કરવામાં આવ્યા છે
રિજિજુએ કહ્યું- જો આપણે વક્ફ બિલના મૂળ ડ્રાફ્ટ અને વર્તમાન ડ્રાફ્ટ પર નજર કરીએ તો, અમે ઘણા ફેરફારો કર્યા છે. આ ફેરફારો દરેકનાં સૂચનોના આધારે કરવામાં આવ્યા છે. JPCમાં મોટાભાગના લોકોનાં સૂચનો સ્વીકારવામાં આવ્યાં છે. બધાં સૂચનો સ્વીકારી શકાતાં નથી. આ લોકશાહીનો નિયમ છે, જેની પાસે બહુમતી હોય તે સરકાર બનાવે છે.
સંપત્તિના દાવા માટે દસ્તાવેજ જરૂરી છે
વધુમાં તેમણે કહ્યું કે “અમે કોઈની ધાર્મિક ભાવનાને નુકસાન પહોંચાડવા માગતા નથી. વક્ફ કોઈની સંપત્તિ પર સીધો કબજો નહીં કરી શકે. સંપત્તિના દાવા માટે દસ્તાવેજ જરૂરી છે. સંપત્તિનું રજિસ્ટ્રેશન જરૂરી છે. આદિવાસી વિસ્તારોમાં કોઈ પ્રોપર્ટીને વક્ફ જાહેર નહીં કરી શકાય. અમે આ બિલમાં રાઈટ ટુ અપીલની પણ જોગવાઈ રાખી છે. ટ્રિબ્યુનલનો પાંચ વર્ષનો સમય નિશ્ચિત કરાયો છે. આ બિલ કરોડો મુસ્લિમોના હિતમાં છે.”
‘વક્ફ બાય યુઝર’ વ્યવસ્થા ખતમ કરાઈ
સરકારે આ બિલમાં વક્ફ બોર્ડની રચના અને સંપત્તિઓના નિયમન અંગે અનેક મહત્વપૂર્ણ ફેરફાર કર્યા છે, જેમાં પહેલાથી ચાલી આવતી ‘વક્ફ બાય યુઝર’ વ્યવસ્થા પણ ખતમ કરાઈ છે.
હવે વક્ફ બોર્ડ પાસે સંબંધિત સંપત્તિના દસ્તાવેજો પણ હોવા જરૂરી
વક્ફ બાય યુઝરની અગાઉથી ચાલી આવતી વ્યવસ્થા હેઠળ મસ્જિદ, કબ્રસ્તાન અથવા દરગાહ જેવી સંપત્તિ લાંબા સમયથી મુસ્લિમ સમુદાય દ્વારા ધાર્મિક અથવા સામુદાયિક કામો માટે ઉપયોગમાં લેવાતી હોય તો કાયદાકીય દસ્તાવેજ અથવા જાહેરાત વિના તેને વક્ફ માની લેવાતી હતી. જોકે, સૂચિત બિલની નવી જોગવાઈ મુજબ હવે માત્ર એ સંપત્તિ જ વક્ફની મનાશે જેના ઔપચારિક રીતે લેખિત દસ્તાવેજ અથવા વસીહત મારફત વક્ફને સોંપાઈ હોય તેને જ વક્ફની સંપત્તિ મનાશે. હવે વક્ફ બોર્ડ પાસે સંબંધિત સંપત્તિના દસ્તાવેજો પણ તેની પાસે હોવા જરૂરી છે.
જમીન પર માત્ર ઉપયોગ કરવાના આધારે વક્ફ બોર્ડ તેના પર દાવો કરી શકશે નહીં
નવી જોગવાઈઓમાં દરેક વક્ફ સંપત્તિની જિલ્લા કલેક્ટર તરફથી તપાસ કરાશે. કોઈપણ જમીન પર માત્ર ઉપયોગ કરવાના આધારે હવે વક્ફ બોર્ડ તેના પર દાવો કરી શકશે નહીં. સરકાર પણ આ જોગવાઈ પર વિશેષ ભાર મૂકી રહી છે. તેનું કહેવું છે કે પહેલા એવી અનેક ફરિયાદો આવી હતી કે વક્ફ બોર્ડે કોઈપણ કાયદાકીય દસ્તાવેજો વિના જમીનો પર કબજો કર્યો છે. કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજૂએ કહ્યું કે કોઈપણ પ્રોપર્ટીના દસ્તાવેજ તો હોવા જોઈએ. વક્ફ બાય યુઝરના નામે એમ કહી દેવાય કે આ પ્રોપર્ટી અમારી છે તે હવે નહીં ચાલે. હવે માત્ર ઉપયોગના આધારે કોઈ પ્રોપર્ટીને વક્ફ જાહેર કરી શકાશે નહીં.
અમને આશા છે કે ગૃહ આ બિલને સમર્થન આપશેઃ જેપી નડ્ડા
જેપી નડ્ડાએ રાજ્યસભામાં વક્ફ બોર્ડ બિલના સમર્થનમાં કહ્યું કે અમને આશા છે કે ગૃહ આ બિલને સમર્થન આપશે. UMEED (યુનિફાઇડ વક્ફ મેનેજમેન્ટ એમ્પાવરમેન્ટ, એફિશિયન્સી એન્ડ ડેવલપમેન્ટ)ની આશા હવે આશા પર ટકેલી છે. જ્યારે 2013માં આ બિલ માટે JPCની રચના કરવામાં આવી હતી, ત્યારે તેમાં 13 સભ્યો હતા. મોદી સરકારમાં રચાયેલી JPCમાં 31 સભ્યો હતા. લોકશાહીનું ધોરણ એ નથી કે આપણે ફક્ત તમે જે કહો છો તે જ સ્વીકારીએ. ચર્ચા તર્ક પર આધારિત હશે.
કોંગ્રેસે મુસ્લિમોને બીજા દરજ્જાના નાગરિક બનાવી રાખ્યા હતા
વધુમાં તેમણે કહ્યું કે આ બિલનો આશય સુધારા લાવીને વક્ફ સંપત્તિઓનું સંચાલન સુવ્યવસ્થિત કરવાનો છે. પીએમ મોદીના નેતૃત્વમાં ચાલતી સરકાર લોકતાંત્રિક મૂલ્યોને અનુરૂપ આગળ વધે છે. વક્ફ સંપત્તિમાં ગડબડની જવાબદારી નિશ્ચિત થવી જોઈએ. તેમણે વક્ફ અંગે મુસ્લિમ દેશોમાં થયેલા સુધારા પણ ગણાવ્યા હતા. હકીકતમાં કોંગ્રેસે મુસ્લિમોને બીજા દરજ્જાના નાગરિક બનાવી રાખ્યા હતા. વક્ફ બોર્ડ કોઈપણ દસ્તાવેજો વિના કોઈપણ સંપત્તિ પર ક્લેમ કરી દેતા હતા. અમે તે બધુ બંધ કરી દીધું છે.
વિરોધ પક્ષે આ બિલને ગેરબંધારણીય ગણાવ્યુ હતુ
ઈન્ડિયા બ્લોક હેઠળ કોંગ્રેસ, તૃણમૂલ, ડીએમકે, આપ, શિવસેના (યુબીટી), સમાજવાદી પક્ષ, રાજદ અને ડાબેરી પક્ષોએ આ બિલનો વિરોધ કર્યો હતો અને તેને ગેરબંધારણીય ગણાવ્યું હતું. તેમણે આ બિલ મારફત મુસ્લિમોને નિશાન બનાવાઈ રહ્યા હોવાનો ભાજપ સરકાર પર આક્ષેપ કર્યો હતો.
આ મુસ્લિમો માટે સારું નથી, બંધારણની વિરુદ્ધ છેઃ ખડગે
કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે, સરકારનો ઈરાદો યોગ્ય નથી. વક્ફ જમીન કોને આપવામાં આવશે તે સ્પષ્ટ નથી. વેપારીઓને આપશે…મને ખબર નથી. અંબાણી-અદાણી જેવા લોકોને ખવડાવશે. હું ગૃહમંત્રીને અપીલ કરીશ કે તે તેને પાછું ખેંચે. તેને પ્રતિષ્ઠાનો મુદ્દો ન બનાવો. આ મુસ્લિમો માટે સારું નથી. તે બંધારણની વિરુદ્ધ છે.
ખડગેએ કહ્યું- વિપક્ષના બધા લોકોએ બિલ સ્વીકાર્યું ન હતું. આનો અર્થ એ કે તેમાં ખામીઓ છે. ‘જીસકી લાઠી ઉસકી ભેંસ’ એ હંમેશાં સાચું નથી હોતું. આ દાન આપવાની અને દાન લેવાની વાત છે. દાતા કોઈપણ ધર્મનો હોઈ શકે છે. આને ધ્યાનમાં રાખવાને બદલે, તમે લઘુમતીઓના અધિકારો છીનવી લેવાનો પ્રયાસ કર્યો છે.
વોટ બેન્ક માટે ધ્રૂવીકરણનું રાજકારણ રમવાનો ભાજપ પર આરોપ
રાજ્યસભામાં વિપક્ષ તરફથી ચર્ચાની શરૂઆત કરતા કોંગ્રેસ સાંસદ સૈયદ નાસીર હુસૈને ભાજપ પર પોતાની વોટ બેન્ક માટે દેશમાં કોમી તંગદિલી ઊભી કરવાનો અને ધ્રૂવીકરણનું રાજકારણ રમવાનો આક્ષેપ કર્યો હતો.
તમે ક્યારે મુસ્લિમોની ચિંતા કરવાનું શરૂ કર્યુંઃ સંજય રાઉત
શિવસેના (યુબીટી)ના સાંસદ સંજય રાઉતે બિલનો વિરોધ કરતા કહ્યું કે તમે ક્યારે મુસ્લિમોની ચિંતા કરવાનું શરૂ કર્યું. તમે લોકો તેમને ચોર કહો છો, તમે કહો છો કે મુસ્લિમો તમારી જમીન છીનવી લેશે, તમારા ગળામાંથી ચેન છીનવી લેશે. 40 હજાર કાશ્મીરી પંડિતોની જમીન પરત કરવામાં આવી નથી અને ચીને આપણી જમીન પર કબજો કરી લીધો છે. સરકારે તે જમીનની ચિંતા કરવી જોઈએ.
પીએમ મોદીએ ચૂંટણીના 6 મહિના પહેલાં આ વાત કહી હતી
ભાજપના સાંસદ રાધામોહન દાસ અગ્રવાલે રાજ્યસભામાં બિલના પક્ષમાં પોતાનાં મંતવ્યો રજૂ કર્યાં. તેમણે કહ્યું કે પીએમ મોદીએ ભાજપના સાંસદોની બેઠકમાં કહ્યું હતું કે લોકો કહે છે કે મુસ્લિમો અમને મત નથી આપતા. ના, મુસ્લિમો અમને મત આપે છે. જો મુસ્લિમો અમને મત ન આપે તો શું તેઓ આ દેશના નાગરિક નથી? શું તેમનો પણ વિકાસ ન થવો જોઈએ? શું મુસ્લિમોના વિકાસ વિના દેશના વિકાસનું સ્વપ્ન સાકાર થઈ શકે? પીએમ મોદીએ ચૂંટણીના 6 મહિના પહેલાં આ વાત કહી હતી.
બેટ દ્વારકા તેમજ બદ્રીનાથ મંદિર પર પણ વક્ફે દાવો કર્યો હતોઃ યુપી સાંસદ બૃજલાલ
ઉત્તર પ્રદેશથી ભાજપ સાંસદ બૃજલાલે બેટ દ્વારકા પર વક્ફના દાવાનો ઉલ્લેખ કરતા કહ્યું કે, યુપીએ સરકાર હોત તો ભગવાન કૃષ્ણની આ તીર્થનગરી વક્ફની થઈ ગઈ હોત. ૨૦૧૭માં એક મૌલાનાએ બદ્રીનાથ મંદિર પર પણ દાવો કરતા કહ્યું કે આ બદરુદ્દીન શાહ છે. સરકાર અમને તે નહીં આપે તો અમે તેના પર કબજો કરી લઈશું. બૃજલાલે ઈનેમી પ્રોપર્ટી પર વક્ફના દાવાનો પણ ઉલ્લેખ કર્યો હતો.
વક્ફે તાજમહેલ પર પણ દાવો કર્યો હતોઃ સુધાંશુ ત્રિવેદી
ભાજપના સાંસદ સુધાંશુ ત્રિવેદીએ ચર્ચા દરમિયાન કહ્યું કે, વક્ફે એક સમયે તાજમહેલ પર પણ દાવો કર્યો હતો. આ પછી સુપ્રીમ કોર્ટે તેમને ઠપકો આપ્યો.
આ બિલ સરકારના ઈરાદાઓ સામે સવાલ ઊભા કરે છે
RJD સાંસદ મનોજકુમાર ઝાએ બિલનો વિરોધ કર્યો અને કહ્યું કે આ બિલ સરકારના ઈરાદાઓ સામે સવાલ ઊભા કરે છે. આ બિલ મુસ્લિમોને મુખ્યપ્રવાહથી અલગ કરવાના રાજકારણ સમાન છે. બહુમતી સ્વતંત્રતાની ગેરંટી નથી. શક્ય હોય ત્યાં ખોદકામ કરીને વસ્તુઓ શોધવામાં આવી રહી છે. આ દેશના હિન્દુઓ મુસ્લિમોથી ટેવાયેલા છે. મુસ્લિમો હિન્દુઓથી ટેવાયેલા છે. આ આદત ન બદલો.
આ લોકો આ મિલકતો તેમના મિત્રોને આપી દેશેઃ સંજય સિંહ
AAP સાંસદ સંજય સિંહે બિલનો વિરોધ કરતા કહ્યું કે, આ સરકાર કહે છે કે તે મુસ્લિમોનું ભલું કરી રહી છે. આખી સરકારમાં એક પણ મુસ્લિમ નથી. આ બિલ પછી ધાર્મિક સંપત્તિઓ પર કબજો મેળવવાનું કામ કરવામાં આવશે. આ લોકો આ મિલકતો તેમના મિત્રોને આપી દેશે. કોઈ પણ વ્યક્તિ, પછી ભલે તે હિન્દુ હોય, મુસ્લિમ હોય, શીખ હોય કે બૌદ્ધ હોય, આ બિલથી ખુશ ન થવું જોઈએ. કારણ કે બધાનો વારો આવશે.
