કોલકાતા દુષ્કર્મ-હત્યા કેસમાં આંદોલન કરી રહેલા ડૉક્ટરોની હડતાળ મુદ્દે બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ ગુરુવારે સાંજે એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે, હું તે લોકોની માફી માંગવા માગુ છું જેઓ વિચારતા હતા કે આજે ડોક્ટરો અને સરકાર વચ્ચે વાતચીત થશે અને આ આંદોલનનો ઉકેલ મળી જશે. પરંતુ વિરોધ કરી રહેલા ડોક્ટરોની બે કલાક સુધી રાહ જોઈ, પરંતુ તેઓ વાત કરવા તૈયાર ન હતા.
સતત ત્રણ દિવસથી ડૉક્ટરો સાથે બેઠક યોજવાનો પ્રયાસ કરી રહેલા મમતા બેનરજીએ પ્રજાની માફી માંગવા સાથે ડૉક્ટરોને કામ પર પરત ફરવાની અપીલ કરી છે. આ ઉપરાંત તેમણે એમ પણ કહ્યું કે જો લોકો ઈચ્છે તો હું રાજીનામું આપવા તૈયાર છું. હું આરજી કર મેડિકલ કોલેજના રેપ-મર્ડર કેસમાં પણ ન્યાય ઈચ્છું છું.
રાજ્યના મુખ્ય સચિવ મનોજ મંતે આંદોલનકારી ડૉક્ટરોને નબાન્નામાં વાતચીત કરવા માટે આમંત્રણ મોકલ્યું હતું. આ આમંત્રણ મુજબ મુખ્યમંત્રી અને ડૉક્ટરો વચ્ચે આજે નબાન્નામાં બેઠક યોજાવાની હતી, જોકે મુખ્યમંત્રીએ 10 મિનિટ સુધી રાહ જોવા છતાં ડૉક્ટરો વાતચીત કરવા તૈયાર થયા નથી, છેવટે મમતા બેનરજીએ પ્રેસ કોન્ફરન્સ કરી, પ્રજાની માફી માંગી છે અને ડૉક્ટરોને કામ પર પરત ફરવાની પણ અપીલ કરી છે. જુનિયર ડોક્ટરોએ તેમનું કામ બંધ કરી દીધું હોવાને કારણે અત્યાર સુધીમાં 27 લોકોએ જીવ ગુમાવ્યા છે, જ્યારે 7 લાખથી વધુ દર્દીઓની હાલત કથળી રહી છે. આમ છતાં હું તેમની સામે કોઈ કાર્યવાહી નહીં કરું, વડીલ હોવાના નાતે મેં તેમને માફ કરી દીધા છે.
હકીકતમાં બંગાળમાં વિરોધ પ્રદર્શન કરી રહેલા જુનિયર ડોક્ટરોને મમતા સરકારે બેઠક માટે બોલાવ્યા હતા, પરંતુ આજે પણ તબીબોએ સરકાર સાથે વાત કરી નથી. ડોક્ટરો મીટિંગના લાઈવ ટેલિકાસ્ટની શરત પર અડગ રહ્યા હતા, જ્યારે સરકાર તેની સાથે સહમત ન હતી.
મમતાએ કહ્યું કે, આરજી કર મેડિકલ કોલેજમાં બળાત્કાર-હત્યાનો કેસ કોર્ટમાં છે, આવી સ્થિતિમાં અમે આ મીટિંગના લાઇવ સ્ટ્રીમિંગને મંજૂરી આપી શકીએ નહીં. અમે આ મીટિંગનું વીડિયો રેકોર્ડિંગ કરવાની તૈયારી કરી હતી, જો ડોક્ટરો ઇચ્છતા હોત તો અમે સુપ્રીમ કોર્ટની પરવાનગી લઈને તેમની સાથે આ રેકોર્ડિંગ શેર કર્યું હોત.